ઈટાલિયન માતાને ૫૫ વર્ષ પછી પણ બ્રિટનમાં કાયમી સ્થાયી થવાનો હક નહિ

Wednesday 11th September 2019 03:10 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ પછીની વાસ્તવિક પરિસ્થિતિ શું હશે તેની વાત ન કરીએ તો પણ ૫૫ વર્ષ અગાઉ બે વર્ષની વયે માતાપિતા સાથે ઈટાલીથી યુકે આવેલી એન્ના આમાટોને બ્રેક્ઝિટ પછી બ્રિટનમાં કાયમી સ્થાયી થવાના અધિકારને હોમ ઓફિસ દ્વારા નકારી દેવાયો છે અને તેની હાલત કાનૂની રીતે ત્રિશંકુ બની ગઈ છે. એન્નાએ ઘણા બિઝનેસીસની માલિકી ધરાવી છે, સંખ્યાબંધ લોકોને રોજગારી આપી છે, બ્રિટનમાં લગ્ન કરી પરિવાર બનાવ્યો છે, પતિ અને બે બાળક છે અને સરકારને ૫૦૦,૦૦૦ પાઉન્ડની ટેક્સ તરીકેની ચૂકવણી કરી છે.

હંમેશાંથી બ્રિસ્ટોલમાં રહેલી એન્નાએ બ્રિટિશ શાળા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને યુકેને જ પોતાનું વતન માને છે. જોકે, બ્રિટિશ સરકાર તેની સાથે સહમત નથી અને કાયમી નિવાસ માટેની તેની અરજી ફગાવી દેવાઈ છે. એન્ના પાસે પોતાનો દરજ્જો દર્શાવવા પૂરતા પૂરાવા નહિ હોવાનું હોમ ઓફિસે જણાવ્યું છે. જોકે, એન્નાએ બોક્સ ભરીને દસ્તાવેજી પૂરાવાઓ આપ્યા છે કે તેને પોસ્ટ કરવાનો ખર્ચ પણ ૩૫ પાઉન્ડ આવ્યો હતો. એન્નાએ પેપરવર્ક પાછળ ત્રણ મહિના વીતાવી ટેક્સ રિટર્ન્સ, બેન્ક સ્ટેટમેન્ટ્સ, પોતાના ક્વોલિફિકેશન્સ તેમજ નેશનલ ઈન્સ્યુરન્સ નંબર સહિતના પૂરાવા સામેલ કર્યાં હતાં.

એન્નાએ લગભગ ૨૦ વર્ષ પિઝા ટેકઅવે બિઝનેસ ચલાવ્યો છે તેમજ પર્સનલ આસિસ્ટન્ટ અને કાઉન્સેલર તરીકે પણ કામ કર્યું છે. આમ છતાં, હોમ ઓફિસ કહે છે કે તેઓ પોતાને વર્કર, સ્વરોજગારી વ્યક્તિ, વિદ્યાર્થી અથવા સેલ્ફ સફિસીઅન્ટ વ્યક્તિ તરીકે સાબિત કરવામાં નિષ્ફળ ગયાં છે. એન્નાએ કહ્યું હતું કે ‘તમે તમારાં દેશમાં રહો છો, આ લોકશાહી છે અને અચાનક તમને કહેવાય છે કે ચોક્કસ સમય પછી તમારી સાથે શું થશે તે કોઈ જાણતું નથી. હવે હું ક્યાં જઈશ? આ ખરેખર ભયજનક છે. અચાનક તમારી પાસેથી બધું છીનવી લેવાય છે, તમે અસ્થિર બની જાવા છો.’

બીજી તરફ, હોમ ઓફિસ કહે છે કે એન્નાએ ઈયુ સેટલમેન્ટ સ્કીમ હેઠળ નહિ પરંતુ, EEA રેગ્યુલેશન્સ હેઠળ પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરી છે. EEA રેગ્યુલેશન્સ ૨૦૧૬ હેઠળ યુકેમાં ઈમિગ્રેશન માટે લાયક હોય તેવી વ્યક્તિ ‘ક્વોલિફાઈડ પર્સન’ તરીકે ઓળખાવાય છે. સરકારે ઈયુ નાગરિકો અને તેમના પરિવારને યુકેમાં રહેવાનો કાયમી દરજ્જો મળી શકે તે માટે સરળ ઈયુ સેટલમેન્ટ સ્કીમ જાન્યુઆરીથી શરૂ કરી છે અને ઓછામાં ઓછાં ડિસેમ્બર ૨૦૨૦ સુધી તેના હેઠળ અરજી કરી શકાય છે. એન્નાને ક્યાંથી મદદ મળી શકે તેની સલાહ પણ અપાઈ છે. જોકે, એન્ના બીજી વખત અરજી કરવાના બદલે બ્રિટિશ પતિ મારફત નાગરિકતા માટે અરજી કરશે. આમ છતાં, લગભગ અડધી સદી બ્રિટનમાં વસવાટ પછી ઈંગ્લિશ અને હિસ્ટરીની પરીક્ષા આપવી અને નાગરિકતા માટે ૧૦૦૦ પાઉન્ડથી વધુ ચુકવણી કરવાનું તેને અજુગતું લાગે છે.

બ્રિટન ૪૬ વર્ષ સુધી ઈયુ સાથે રહ્યાં પછી તેનાથી છેડો ફાડી રહ્યું છે ત્યારે ઈયુ નાગરિકોએ બ્રિટનમાં કાનૂની રીતે રહેવા ‘સેટલ્ડ સ્ટેટસ’ નામે નવી લાઈફલાઈન માટે અરજી કરવાની રહેશે. જે ઈયુ નાગરિકો સતત પાંચ વર્ષ બ્રિટનમાં રહ્યા હોવાના પુરાવા આપી શકે તેમને આવો દરજ્જો અપાશે, જેના થકી તેઓને હાલમાં પ્રાપ્ત કામકાજ, અભ્યાસ તેમજ બેનિફિટ્સના લાભ મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter