ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશન યુકેના પ્રેસિડેન્ટ શમ્સુદ્દીન ઈસ્માઈલ આગાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી B.A. (Hon) અને M.A. કર્યું હતું. તેમણે મુંબઈ અને લંડનમાં થિયેટર ટ્રેનિંગ મેળવી હતી.ભારતમાં તેઓ ક્લાસિકલ પર્શિયન અને ઈંગ્લિશના લેક્ચરર હતા. તેઓ ૧૯૬૪માં ઈંગ્લેન્ડ આવ્યા હતા. તેમણે જુદી જુદી જગ્યાએ જોબ કરી હતી. થોડો સમય બોલ્ટનમાં રહ્યા પછી તેમણે લંડનમાં ટીચર તરીકે કામ કર્યું.
તેઓ લિંગ્વિસ્ટ (ભાષાશાસ્ત્રી) હતા અને લેયટન લાઈબ્રેરીમાં ક્યુરેટર તરીકે કામ કર્યું હતું. તેઓ લંડનની ન્યૂહામ બરોથી હેડ ઓફ ટ્રાન્સલેશન યુનિટના હેડ તરીકે રિટાયર થયા હતા
૧૯૬૯માં સ્થપાયેલી યુકેની ભારતીય મુસ્લિમોની સૌથી મોટી અને જૂની સંસ્થા
ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશન યુકેના તેઓ સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી હતા. યુનાઈટેડ નેશન્સમાં તેનું NGO સ્ટેટસ છે. ઈસ્ટ લંડનમાં ફેડરેશનની ઓફિસો અને કોમ્યુનિટી સેન્ટર છે.
૧૯૯૯માં યુનાઈટેડ નેશન્સ દ્વારા NGOનું સ્ટેટસ મળ્યા પછી ભારતીય મુસ્લિમોની સ્થિતિ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવા આગાના નેતૃત્વ હેઠળ IMFના ડેલિગેશને જીનિવા, ન્યૂ યોર્ક અને સાઉથ આફ્રિકામાં યુએનની ઘણી
કોન્ફરન્સ અને બેઠકોમાં ભાગ લીધો હતો.
તેઓ ભાષાશાસ્ત્રી, લેખક, શિક્ષણવિદ અને સામાજિક વ્યક્તિ હતા. તેમણે ઘણાં નાટકો લખ્યા હતા અને ભારત તથા બ્રિટનમાં નાટકોમાં ભાગ લીધો હતો. તેમણે ઉર્દૂ, ગુજરાતી, મરાઠી અને ઈંગ્લિશમાં એકાંકી નાટકોની સિરીઝનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું.ઉર્દૂમાં તેમના નાટક વહેશત હી સહી પરનું પુસ્તક અને મિર્ઝા ગાલિબ ઈન લંડન, ટીપૂ સુલ્તાન તથા ફ્લાઈટ ડિલેઈડ ભારત અને યુકેમાં પ્રકાશિત થયા હતા અને તેને સારો પ્રતિસાદ મલ્યો હતો.
ગઈ ૨૨ જૂને તેમની દફનવિધિ લંડનના વોલ્ધામ ફોરેસ્ટ ખાતેના ક્બ્રસ્તાનમાં થઈ હતી. તેમાં મુસ્લિમ સમાજના ઘણાં અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
તેઓ તેમની પાછળ એક પુત્ર, પુત્રી અને પૌત્રીને છોડી ગયા છે.