લંડનઃ ઈન્ડિયન વેજિટેરિયન્સ એન્ડ વિગન દ્વારા 23 ડિસેમ્બર 2025ના રોજ40મા વાર્ષિક ક્રિસમસ વિગન લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન વેજિટેરિયન્સ એન્ડ વિગનના સ્થાપક નીતિનભાઈ મહેતા MBE ના જણાવ્યા અનુસાર બે ચોક્ક્સ લક્ષ્ય સાથે 1980માં વાર્ષિક ક્રિસમસ વિગન લંચના આયોજનની શરૂઆત કરવામાં આવી હતી.
આ ધ્યેયો વનસ્પતિજન્ય વિગન આહારને ઉત્તેજન આપવાના અને કોમ્યુનિટીઓ વચ્ચે મિત્રાચારી વધારવાના હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘સાથે ભોજન લેવાથી જીવનપર્યંતની મિત્રતા બાંધી શકાય છે. આ દેશે આપણને ઘણું આપ્યું છે તેનું ઋણપરત કરવામાં અમે માનીએ છીએ. હું તમામ ભારતીય સંસ્થાઓને આ પ્રકારના ક્રિસમસ લંચના આયોજનો કરવા અનુરોધ કરું છું. આજે લાખો લોકો માંસ, માછલી, ઈંડા અને ડેરીપેદાશોનો ત્યાગ કરી રહ્યા છે અને વિગનીઝમ મુખ્યપ્રવાહમાં સામેલ થઈ ગયું છે. યોગની માફક જ અહિંસા અને પ્રાણીમુક્ત આહાર પણ વિશ્વને હિન્દુત્વની ભેટ છે.’


