ઈન્ડિયા લીગ થકી મહાત્મા ગાંધીનું સ્મરણ

સ્મિતા સરકાર Tuesday 17th September 2019 10:15 EDT
 

કેટલીક વ્યક્તિ સમયની સાથે કાળ- ઈતિહાસની ગર્તામાં વિલાઈ જાય છે. તો કેટલીક વ્યક્તિઓ સમયની સાથે વધુ મહાન બને છે અને દિલોમાં સમાય છે. મહાત્મા ગાંધી આવું જ એક વ્યક્તિત્વ છે, જેઓ ભારત, આફ્રિકા, અમેરિકા અને યુકેના મુખ્ય પ્રવાહની સંસ્કૃતિની શ્રેષ્ઠતામાં સ્થાન પામ્યા છે. ભારતને સંપૂર્ણ સ્વરાજ અપાવવા સત્યાગ્રહ, અહિંસા અને અસહકારના માર્ગે આગળ ચાલી સમગ્ર વિશ્વને હલબલાવી નાખનારા ભારતીય નેતાની ૧૫૦મી જન્મજયંતી વર્ષ ૨૦૧૯માં ઉજવાઈ રહી છે. ભારતના રાષ્ટ્રપિતા -બાપુ- મોહનદાસ કરમચંદ ગાંધીને પરિચયની કોઈ જરૂર નથી.

ગાંધી અને તેમના અહિંસાના માર્ગની લંડન પર અસર આજે પણ છે. જો શાંતિપૂર્ણ વિરોધની વાત હોય તો ગાંધીનું નામ પ્રથમ લેવાય છે. એક વ્યક્તિહિંસા વિના પણ કેટલો મોટો તફાવત સર્જી શકે તે તેમણે આપણને બતાવ્યું છે. શાંતિપૂર્ણ વિરોધ દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવનારા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, નેલ્સન મન્ડેલા જેવી વ્યક્તિઓ માટે ગાંધી જ પ્રેરણાદાયી બની રહ્યા હતા. ગાંધીજીની પ્રતિમાઓ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને લંડનવાસીઓ માટે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીએ યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો તેના કોર્નર પાસે ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન્સમાં તેમની પ્રથમ પ્રતિમા ૧૯૬૮માં સ્થપાઈ હતી. મુખ્યત્વે ઈન્ડિયા લીગના ભંડોળ થકી પ્રસિદ્ધ પોલિશ શિલ્પકાર ફ્રેડા બ્રિલિયન્ટના હસ્તે તૈયાર આ પ્રતિમા ભારતીય હાઈ કમિશનર દ્વારા ૧૯૬૭માં બ્રિટનને ભેટ અપાઈ હતી જેનું અનાવરણ લેબર વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સને કર્યું હતું. જ્યારે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ૨૦૧૫માં નવી પ્રતિમાનું સ્થાપન થયું હતું.

ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા લીગ દ્વારા સંયુક્તપણે દર વર્ષે બીજી ઓક્ટોબરની ગાંધી જયંતી અને ૩૦ જાન્યુઆરીએ નિર્વાણદિનની સ્મૃતિમાં ટાવિસ્ટોક સ્ક્વેર ખાતે પુષ્પાંજલિ તેમજ પ્રાર્થનાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ભારતના હાઈ કમિશનર, કેમડનના મેયર તેમજ પ્રકાશક અને ઈન્ડિયા લીગના ચેરમેન સીબી પટેલ મહેમાનોને સંબોધન પણ કરે છે.

શાંતિ માટે ગાંધી પ્રાર્થનાને યાદ કરવા તેમના કેટલાક શબ્દોને યાદ કરીએઃ

• હું તમને શાંતિ આપું છું. હું તમને પ્રેમ આપું છું.

• હું તમને મિત્રતા આપું છું. હું તમારી સુંદરતા નિહાળું છું.

• મને તમારી જરૂરિયાતો સંભળાય છે. મને તમારી લાગણીઓનો અનુભવ થાય છે.

• મારું ડહાપણ સર્વોચ્ચ સ્રોતમાંથી વહે છે. તમારામાં રહેલા એ સ્રોતને મારા પ્રણામ.

• આપણે સાથે મળીને એકતા અને પ્રેમ માટે કામ કરીએ

ગાંધીજી ઈન્ડિયા લીગના મોટા સમર્થક હતા. તેમણે યુકેમાં ભારતની આઝાદીને ઉત્તેજન આપવા ભારતીય રાષ્ટ્રવાદના બ્રિટિશ સમર્થક, હોમ રુલના હિમાયતી અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ એની બેસન્ટને ઈન્ડિયા લીગની કામગીરી સુપરત કરી હતી. સમાજ સુધારક, નારી અધિકારના કર્મશીલ અને રાજકારણી એની બેસન્ટને મહાત્મા ગાંધીનો વિશેષ ટેકો હતો. તેમણે લંડનમાં ઈન્ડિયા લીગની શરૂઆત કરી હતી. લંડનમાં તે સમયે ઈન્ડિયા લીગ અનેક પ્રણેતાઓમાં એક સંસ્થા હતી અને ૧૯૪૭માં લીગે દ્વારા ઈન્ડિયા વિક્લીનું પ્રકાશન કરવામાં આવ્યું અને ઈન્ડિયા લીગ ટ્રેન્ડ નામે ક્લબ પણ ખરીદવામાં આવી હતી. ભારતની આઝાદીની ઝંડાધારી ઈન્ડિયા લીગ બ્રિટિશ સંસ્થાઓ સાથે મજબૂત સંપર્કો ધરાવતી રહી. બ્રિટિશરોનું ઈન્ડિયા લીગ પર પ્રભુત્વ રહ્યું હતું પરંતુ, યુકેમાં ભારતના પ્રથમ હાઈ કમિશનર બનેલા વીકે કૃષ્ણ મેનને દોર હાથમાં લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તરીકે ડોક્ટર તારાપદ બાસુ જેવા નામાંકિત પ્રોફેશનલને તેની કામગીરી સોંપી હતી.

ઈન્ડિયા લીગ ભારત અને યુકે વચ્ચે સંબંધો સુધારવા અને મજબૂત બનાવવા તેમજ સમગ્ર વિશ્વમાં સામ્રાજ્યવાદ સામે લડત ચલાવવા કામ કરતી રહી છે. એંસીના દાયકામાં ભારતીય કોમ્યુનિટી સંસ્થાઓ સ્થપાતી ગઈ અને ભારતીય કોમ્યુનિટી સાથે રાજકારણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સનો સંવાદ સાધવાના કાર્યક્રમો યોજાતા રહ્યા. ડો. તારાપદ દત્તા, પ્રેમેન સેન ડો. સાલવંકર તેમજ અન્ય પ્રસિદ્ધ પત્રકારો અને વિદ્વાનોએ ૧૯૪૭માં લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિયેશનની સ્થાપના કરી અને ઈન્ડિયા લીગ જર્નલને આગળ ધપાવ્યું.

હવે ઈન્ડિયા લીગનું સુકાન ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલના હાથમાં જીવંત બની રહ્યું છે. ઈન્ડિયા લીગના ચેરમેન સીબી પટેલ કહે છે કે, ‘ઈન્ડિયા લીગના મેન્ડેટમાં રાજકીય પત્ર બનવાનું કદી લખાયું નથી. ઈન્ડિયા લીગની વિશેષતા એ છે કે અમે બીનપક્ષીય સંસ્થા છીએ. લંડનની મુલાકાતે આવનારા ઘણા ભારતીય વડા પ્રધાનોએ ગાંધીપ્રતિમાને આદરાંજલિ અર્પણ કરી છે અને ઈન્ડિયા લીગે ભારતના દરેક પક્ષ સાથે કામ કરેલું છે.’ સીબી બાવન (૫૨) કરતા વધુ વર્ષથી ઈન્ડિયા લીગ સાથે સંકળાયેલા છે અને વીકે કૃષ્ણ મેનન અને ડો. તારાપદ બાસુ જેવા ધૂરંધરો સાથે નિકટતાથી કામ કર્યું છે. સીબી કહે છે કે, ‘ઈન્ડિયા લીગ મહત્ત્વની છે. તે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની પાસે કાયમી ધરોહર છે. લંડનમાં ભારતના માર્ગને આકાર આપવામાં તેની ભૂમિકા રહી છે.’

આપણે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ ત્યારે ઈન્ડિયા લીગ અને અન્ય સહાયકારી સંસ્થાઓ થકી તેમનું સાતત્યપૂર્ણ અસ્તિત્વનું વિશેષ મહત્ત્વ બની રહે છે. અંતમાં આપણે ગાંધીજીના કેટલાંક અવતરણો જોઈશું.

શાંતિનું નિર્માણ કદી અનન્યતાવાદ, નિરંકુશ સત્તાવાદ અને અસહિષ્ણુતા દ્વારા થઈ શકે નહિ. જોકે, અસ્પષ્ટ ઉદારવાદી સૂત્રો અથવા ટોળટપ્પા કે કાલ્પનિકતાના ધૂમાડામાં સર્જાયેલા પવિત્ર કાર્યક્રમો થકી પણ તેનું નિર્માણ થઈ શકશે નહિ.

અહિંસક કાર્યનો પ્રથમ સિદ્ધાંત એ છે કે તમામ અપમાનજનક બાબતો સાથે અસહકાર કરવો. તાકાત શારીરિક ક્ષમતામાંથી આવતી નથી. તે અદમ્ય ઈચ્છામાંથી આવે છે. વિશ્વમાં જે પરિવર્તન ઈચ્છો છો તે જ પરિવર્તન તમે બનો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter