લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી દ્વારા લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ઈદ મિલનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. VVUK, BVAL UK અને BVUKના સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટ એકતા, ઉત્સવની ભાવના તેમજ સાંસ્કૃતિક અને મલ્ટિફેઈથ સંપર્કો અને સંવાદથી ભરપૂર રહ્યો હતો.
આ મેળાવડામાં રામાદાન અને ઈદના આનંદપૂર્ણ પ્રસંગની ઊજવણી થઈ હતી તેમજ ભારતની વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ અને ભારત અને યુકે વચ્ચે મજબૂત સાંસ્કૃતિક બંધનનું ઉત્સાહી પ્રદર્શન જોવાં મળ્યું હતું.
ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમની ઉત્તમ ટીમે તમામ મહેમાનોનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું અને સમાવેશિતા, કનેક્ટિવિટી, વિરાસત અને બ્રિટિશ સમાજને ભારતીય ડાયસ્પોરા તરફથી કરાયેલા ગાઢ યોગદાનના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો.
VVUK, BVAL UK અને BVUKનું પ્રતિનિધિત્વ કરતા પીઢ સૈનિકો, અન્ય સંબંધિત ભારતીય સંસ્થાઓ અને ભારતીય વિદ્વાનોનું તેમની સમર્પિત સેવા તેમજ કોમ્યુનિટીઓ વચ્ચે સેતુનિર્માણ અને ભારતીય મૂલ્યોના જતન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્સવપૂર્ણ સ્વાદિષ્ટ વ્યંજનો, સાંસ્કૃતિક પરફોર્મન્સીસ અને કોમ્યુનિટીના નેતાઓ, રાજદ્વારીઓ અને પીઢ સૈનિકો વચ્ચે અર્થસભર વાતચીતો દ્વારા પરંપરાગત ભારતીય આતિથ્યને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઈસ્ટ હામના કાઉન્સિલર ઈમામ હક પણ ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું હતું કે યુકેમાં ભારતીય બંગાળીઓના નોંધપાત્ર યોગદાનની ચર્ચા કરવાની તક તેમણે ઝડપી લીધી હતી. તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક અસરને આ કાર્યક્રમમાં ઉજાગર કર્યો હતો.