લંડનઃ ભારતીય હાઈ કમિશને સામવાર, 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતી અને પરાક્રમ દિવસની ઉજવણી નિમિત્તે ઈન્ડિયા હાઉસ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ગાંધી હોલમાં નેતાજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજદૂતાવાસની ભવ્ય અને ઐતિહાસિક ઈમારતના પ્રાંગણમાં હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG)ના સભ્યોએ તૈલચિત્રો ગોઠવ્યા હતા.
હાઈ કમિશનર દોરાઈસ્વામીએ કહ્યું હતું કે.‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તેમની રાજકીય અને લશ્કરી હિંમતના પરાક્રમો જીવંત રહેશે. કોલકાતામાં તેમની યાદમાં રચાયેલું મ્યુઝિયમ દર્શનીય છે જેમાં નજરકેદની કસ્ટડીમાંથી નાસી છૂટવામાં તેમણે દર્શાવેલી અપ્રતિમ બહાદૂરી, ભારતમાં થઈને તેમનો અસાધારણ પ્રવાસ અને યુદ્ધકેદીઓ સહિત લશ્કરને ઉભુ કરવામાં તેમના પ્રયાસો- આ તમામ બાબતો એક મહાનાયકનું દર્શન કરાવે છે.’
હાઈ કમિશનરે મહાન સ્વાતંત્ર્યસેનાનીનું નિઃસ્વાર્થપણું, પોતાના દેશની આઝાદીની લડતના કઠિન માર્ગને પસંદ કરી વિશિષ્ઠ અધિકારો અને વૈભવી જીવનનો ત્યાગ કર્યો હતો તેની પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે,‘ તેમનો સંદેશો છેક 1857થી આપણા પર લાદી દેવાયેલા મુખ્યત્વે એ વિચાર ફગાવી દેવાનો હતો કે આપણા ઉપખંડના લોકો મોટા ભાગે લડવૈયા જાતિના નથી, ભારતીયો ખરેખર લડી શકતા જ નથી... નેતાજીએ બતાવી આપ્યું કે તે વાત સાચી નથી.’
કાર્યક્રમમાં જર્નાલિસ્ટ વિજય રાણાએ નેતાજીના લશ્કરી અભિયાન સંદર્ભે પ્રવચન આપ્યું હતું તેમજ કોમ્યુનિટીના સભ્યોએ દેશભક્તિના ગીતોની સુંદર રજૂઆત કરી હતી.
હેરિટેજ બેંગાલ ગ્લોબલ દ્વારા નેતાજીની જન્મજયંતી ઉજવાઈ
હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા 22 જાન્યુઆરીએ લંડનના ઈલિંગ ટાઉન હોલ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતી ઉજવાઈ હતી. આ કાર્યક્રમમાં સરસ્વતી પૂજા ઉપરાંત, ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓના તૈલચિત્રો દોરવાની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ ચિત્રો 23 જાન્યુઆરીએ એલ્વિચસ્થિત ઈન્ડિયા હાઉસ ખાતે પણ મૂકાયા હતા. યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષની પ્રેરણાથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશ્વભરના બંગાળી ડાયસ્પોરાને આ સ્પર્ધામાં આવરી લેવાયા હતા.
નેતાજીની જન્મજયંતી અને સસ્સ્વતી પૂજાની આ બેવડી ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને પુષ્પાંજલિનો સમાવેશ થયો હતો. આ ઉજવણીમાં નેહરૂ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર સંજય શર્મા,ઈંલિંગના મેયર કાઉન્સિલર મોહિન્દર કૌર મિઢા, MP વિરેન્દ્ર શર્મા, લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ, નેતાજીના ભાઈ સરત બોઝના પૌત્રી મિતાલી ચૌધરી, INA ના પીઢ સૈનિક અજિત રોય, ગાયિકા સહાના બાજપાયી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી.
ડાયરેક્ટ ફ્લાઈટ ટુ કોલકાતા અભિયાન
ભારતના બંગાળી લોકોએ કોલકાતા સુધી સપ્તાહમાં ઓછામાં ઓછાં ત્રણ દિવસ ડાયરેક્ટ ફ્લાઈટની માગણી સાથે ‘ડાયરેક્ટ ફ્લાઈટ ટુ કોલકાતા’ અભિયાન લોન્ચ કર્યું છે અને અભિયાનમાં જોડાવા કોમ્યુનિટી સંગઠનો અને વ્યક્તિઓને હાકલ કરી છે. હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા એશિયન વોઈસ સાપ્તાહિકના સહયોગથી ઈલિંગ ટાઉનહોલ ખાતે પિટિશન લોન્ચ કરી હતી. લંડન અને કોલકાતા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ ફરીથી શરૂ કરવા એર ઈન્ડિયા, ભારત સરકાર અને વિશેષતઃ પ્રાઈમ મિનિસ્ટર, ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલય પર દબાણ ઉભું કરવા કેમ્પેઈન શરૂ કરી આ ઉદ્દેશને સમર્થન આપવા માટે પિટિશન પર સહીઓ લેવાનો આરંભ કરાયો છે.
વંદે ભારત મિશન અંતર્ગત થોડા સમય પૂરતું કોલકાતા માટે નોનસ્ટોપ અને ડાયરેક્ટ ફ્લાઈટ્સ મળતી હતી. દાયકાઓ અગાઉ, બ્રિટિશ એરવેઝ અને એર ઈન્ડિયા દ્વારા કોલકાતા સુધી નોનસ્ટોપ અને ડાયરેક્ટ ફ્લાઈટ્સ ચલાવાતી હતી જે બાંગલાદેશ જેવા અન્ય સ્થળો માટે આગળ લંબાવાઈ હતી. મૂળ યોજના તો લંડન-કોલકાતા ડાયરેક્ટ ફ્લાઈટ પુનઃ આરંભ કરાવવા માટે છે પરંતુ, માગ પર આધારિત તેને યુકેના બર્મિંગહામ, માન્ચેસ્ટર અને સ્કોટિશ એરપોર્ટ્સ સુધી લંબાવી પણ શકાય છે. આ જ રીતે કોલકાતાથી ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોના રૂટ્સ સુધી પણ લંબાવી શકાય.
ડાયરેક્ટ ફ્લાઈટ્સ ત્રાસજનક હોતી નથી કે વ્યસ્ત બિઝનેસમેન્સ અને પ્રોફેશનલ્સ માટે સમયનો બચાવ કરે જ છે પરંતુ, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને વારંવાર વિમાનમાંથી ચડવા-ઉતરવા, અન્ય વિમાનમાં ટ્રાન્સફર કરવા અને ઘણી વખત પોતાના માલસામાનને મેળવવાનું અને તેના રિચેકિંગની સમસ્યાથી પણ બચાવે છે. જો આ ફ્લાઈટ નોન-સ્ટોપ ના હોય તો પણ તમારે વિમાન બદલવાનું નથી તે હકીકત પણ હલનચલનની સમસ્યા ધરાવનારાઓ માટે વરદાન બની રહે છે.


