ઈમિગ્રન્ટ્સના યુકે સ્ટેટસ માટે ફરજિયાત ડીએનએ ટેસ્ટનો ભારે વિરોધ

અંગ્રેજી ભાષાના કૌશલ્યની પરીક્ષામાં છેતરપીંડી મુદ્દે પણ જવાબ આપવાનું દબાણ

Monday 16th July 2018 06:12 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં રહેવા ઈચ્છતાં બ્રિટિશ બાળકોનાં પેરન્ટ્સને ઈમિગ્રન્ટ્સના યુકે સ્ટેટસને પૂરવાર કરવા માટે હોમ ઓફિસ દ્વારા ફરજિયાત ડીએનએ ટેસ્ટ કરાવવા પત્રો લખવામાં આવ્યા છે, જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વાસ્તવમાં સરકારી નીતિ અનુસાર આવાં પરીક્ષણ મરજિયાત રખાયાં છે. વિરોધના પગલે મિનિસ્ટર્સ દ્વારા તત્કાળ સમીક્ષા હાથ ધરાઈ હતી. દરમિયાન, લંડનસ્થિત ચેરિટી માઈગ્રન્ટ વોઈસ દ્વારા ગત મંગળવારે કરાયો અભ્યાસપત્રમાં ઈંગ્લિશ ટેસ્ટમાં છેતરપીંડી કરવાનો ખોટો આરોપ લગાવી ડીપોર્ટ કરાયેલા વિદ્યાર્થીઓનું ઈમિગ્રેશન સ્ટેટસ પુનઃસ્થાપિત કરવાની અને આ દેશમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવા દેવાની માગણી કરાઈ છે.

એક મહિના અગાઉ, પાર્લેમેન્ટરી પ્રશ્નોના ઉત્તરમાં ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે ડીએનએ આપવાનું સ્વૈચ્છિક ધોરણે છે. એક કિસ્સામાં હોમ ઓફિસે અરજદારના સોલિસીટરને જણાવ્યું હતું કે ક્લાયન્ટના બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા બાળકના માતાપિતા હોવાને સમર્થન આપવા ડીએનએ ટેસ્ટ આપવો અનિવાર્ય છે. આવા પુરાવાના અભાવે દાવાનો નિર્ણય ક્યારે થશે તેની સમયમર્યાદા હોમ ઓફિસના સેક્રેટરી ઓફ સ્ટેટ આપી શકશે નહિ.

માઈગ્રન્ટ્સના વતી કામ કરતી સ્વતંત્ર ચેરિટી જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ (JCWI)ને ૨૫ જૂને તેના એક ક્લાયન્ટ્સ પાસેથી આવો પત્ર મળ્યો ત્યારે આ બહાર આવ્યું હતું. હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અપૂરતા પૂરાવા હોય ત્યારે ડીએનએ પરીક્ષણની વિનંતી કરી શકાય છે. જોકે, તે ફરજિયાત નથી.

અંગ્રેજીમાં કૌશલ્યની પરીક્ષામાં છેતરપીંડીનો મુદ્દો

બીજી તરફ, અંગ્રેજી ભાષાના કૌશલ્યની પરીક્ષામાં છેતરપીંડી મુદ્દે સંખ્યાબંધ લોકોને ડીપોર્ટ કરવામાં આવ્યા છે. ૨૦૧૦-૨૦૧૬ના ગાળામાં હોમ ઓફિસ સંભાળનારા વડા પ્રધાન થેરેસા મે અને વર્તમાન હોમ સેક્રેટરી સાજિદ જાવિદ પર આ આક્ષેપોના જવાબ આપવાનું દબાણ વધી જશે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ટેસ્ટ ફરી આપવાની તક અપાઈ નથી, ઘણા વર્ષો સુધી તેમના વિરુદ્ધના પુરાવા જોવા દેવાયા નથી અને યુકેમાં રહીને આ નિર્ણય સામે અપીલ કરવાની તક મળી નથી. ભારત અને આસપાસના દેશોના આ વિદ્યાર્થીઓ સામે યુકેમાં વર્ક અથવા અભ્યાસ માટેના વિઝા મેળવવા TOEIC તરીકે જાણીતી અંગ્રેજી ભાષાની કૌશલ્ય પરીક્ષામાં તેમના બદલે અન્ય દ્વારા પરીક્ષા અપાવવાની છેતરપીંડી આચરવાનો આક્ષેપ કરાયો હતો. જે લોકોને વિઝા મળ્યા હોય અને યુકે જાય તેમને દર બે વર્ષે ફરી આ પરીક્ષા આપવાની રહે છે.

પાર્લામેન્ટરી હોમ એફેર્સ કમિટી દ્વારા ૨૦૧૬ના રિપોર્ટ અનુસાર આક્ષેપો થયાના બે વર્ષમાં યુકે હોમ ઓફિસે ૨૮,૦૦૦થી વધુ વિઝા રદ કર્યા હતા કે નકાર્યા હતા અને દાવાના આધારે ૪,૬૦૦થી વધુ લોકોને ડીપોર્ટ કર્યા હતા. સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ યુકેમાં રહી કાનૂની કાર્યવાહીનો આશરો લેવાનું પસંદ કર્યું છે. શંકાસ્પદ વિદ્યાર્થીઓને ઓળખવાની પ્રક્રિયામાં ભૂલ હોવાની શક્યતા ઘણા કોર્ટ કેસીસમાં બહાર આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter