લંડનઃ યુકેના વિઝા મેળવવા અરજી કરનાર લોકોને ઈમિગ્રેશન અંગે સલાહ આપવા બ્રિટિશ સરકારનું લાઈસન્સ ધરાવતા ભારતીય મૂળના વિઝા સલાહકાર અલ્પેશ પટેલ પર લોકો સાથે ઠગાઈ, દગો અને નિંદનીય વ્યવહાર કરવા બદલ અચોક્કસ સમય સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. લંડનસ્થિત આર્યાસ કેરીઅર્સ લિમિટેડના અલ્પેશ પટેલે વિઝા અરજીઓમાં બનાવટી પ્રમાણપત્રો, દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. ફર્સ્ટ ટિયર (ઈમિગ્રેશન સર્વિસ) ટ્રિબ્યુનલે તેના એપ્રિલના ચુકાદા પછી ૩૧ મે ૨૦૧૭ના દિવસે ફરિયાદી ૧૬ અરજદારને ૧૭૨,૬૦૦ પાઉન્ડ તેમજ યુકેની ઓફિસ ઓફ ઈમિગ્રેશન સર્વિસ કમિશનર (OISC)ને પેનલ્ટી તરીકે ૭,૪૬૦ પાઉન્ડ ચૂકવવા અલ્પેશ પટેલને હુકમ કર્યો હતો. ઈમિગ્રેશન સર્વિસ ટ્રિબ્યુનલને ૨૩ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી મૌખિક સુનાવણીમાં અલ્પેશ વિરુદ્ધ ૬૦ આરોપ પુરવાર થયેલા જણાયા હતા.
નાયબ ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર ઈયાન લીઘે કહ્યું હતું કે,‘ જે લોકો જાતે વિઝા અરજી ભરી શકતા નથી તેમને સલાહ આપવા અલ્પેશ પટેલને કામગીરી સોંપવામાં આવી હતી. લોકોએ તેના પર ભરોસો કર્યો હતો અને તેણે નિંદનીય વ્યવહાર કરી લોકોને છેતર્યા હતા.’ ટ્રિબ્યુનલે ઠરાવ્યું હતું કે પટેલે કમિશનર અને ઈમિગ્રેશન સત્તાવાળાઓને ગુમરાહ કરવા તેમજ ઈમિગ્રેશન પ્રક્રિયાનો દુરુપયોગ કરવા સાથે તેના તમામ ક્લાયન્ટ્સને પણ છેતર્યા હતા અને તેમની પાસેથી નોંધપાત્ર રકમો અપ્રામાણિકતાથી મેળવી હતી. તેની સામેના ૬૦ આરોપ પુરવાર થયા છે.
પટેલ OISC દ્વારા ઈમિગ્રેશન અને સર્વિસ પૂરી પાડવા માટે ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૧થી ૨ જૂન ૨૦૧૬ સુધી સત્તાવાર નોંધાયેલા એજન્ટ હતા ત્યાર પછી તેમની કામગીરી શંકાસ્પદ જણાતા લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. ૨૦૧૫થી પટેલે ઓફિસ બહાર રહી વેસ્ટ લંડનમાં હેઈસ અને બ્રેન્ટફર્ડથી કામગીરી આરંભી હતી. તેણે ઓછામાં ઓછાં ૧૬ ફરિયાદીઓ માટે વિઝા અરજીઓ કરી હતી. તેમાંના ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં કામનો અનુભવ મેળવવા આતુર હતા. પટેલે બનાવટી સ્પોન્સરશિપ સર્ટિફિકેટ્સના આધારે અરજીઓ કરી હતી.
ઈમિગ્રેશન સલાહકાર અને રિક્રુટમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા અલ્પેશ પટેલે ફરિયાદીઓનો કેટલીક કંપનીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો, જે તેમને રોજગાર આપવા સાથે તેમને દેશમાં રહેવા અને કામ કરવાની છૂટ મળે તે માટે આવશ્યક સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ (COS) પૂરા પાડશે તેવો દાવો પટેલે કર્યો હતો. આ માટે તેણે દરેક અરજદાર પાસેથી ૩,૩૦૦થી ૧૩,૦૦૦ વચ્ચેની રકમ વસૂલી હતી. આ રકમ તે મોટા ભાગે રોકડમાં જ માગતો હતો.

