લંડનઃ મોટા ભાગના બ્રિટિશરો એ ત્રણ મુદ્દે સહમત જણાય છે કે ઈમિગ્રેશને કોમ્યુનિટીઓને નુકસાન પહોંચાડવાની સાથે બ્રિટિશ સમાજને નકારાત્મક અસર પહોંચાડી છે. દેશની સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોને નજરઅંદાજ કરવામાં આવે છે અને તેને પૂરતું રક્ષણ કે ઉત્તેજન આપવામાં આવતું નથી તેમજ માઈગ્રન્ટ્સે શહેરો અને નગરોને વિભાજિત કર્યાં છે. તાજેતરના વર્ષોમાં જે વિસ્તારોમાં મોટા પાયે ઈમિગ્રેશન જોવાં મળ્યું છે ત્યાં આવી લાગણી પ્રબળ છે. જોકે, ડાબેરી વિચારધારાની થિન્ક ટેન્ક The Demosના રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ફ્રાન્સ અને જર્મનીમાં તેમના સમકાલીનોની માફક બ્રિટિશરો ઘડિયાળને ઉલટી દિશામાં ફેરવવા માગતા નથી કારણકે તેઓ ભૂતકાળ પ્રત્યે શંકાશીલ અને ભવિષ્ય માટે આશાવાદી છે.
બ્રિટનમાં પોલ તેમજ બ્રિટન, જર્મની અને ફ્રાન્સમાં વિવિધ જૂથોના મંતવ્યોને ધ્યાનમાં રાખી રિપોર્ટમાં જણાવાયું છે કે યુકેમાં લગભગ બે તૃતીઆંશ અથવા ૬૩ ટકા લોકો માને છે કે તેઓ મોટા થઈ રહ્યા હતા હતા ત્યારે જીવન વધુ સારું હતું, જ્યારે ૨૧ ટકાએ વર્તમાન જીવનને સારું ગણાવ્યું હતું. દેશ પડતી તરફ ધકેલાઈ રહ્યો હોવાની ચિંતાની સાથે બ્રિટિશ લોકો એ માન્યતા સાથે સહમત છે કે ઈમિગ્રેશનની અસર નકારાત્મક રહી છે તેમજ દેશની મૂળ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું પૂરતું રક્ષણ કરાતું નથી કે ઉત્તેજન અપાતું નથી. બહુસાંસ્કૃતિકવાદથી રોષિત મોટા ભાગના નાગરિકો બ્રિટિશ મૂલ્યો અને પરંપરાઓ તેમજ રાજકીય ઔચિત્યની તરફેણ કરી રહ્યા છે.
The Demos ના પોલમાં સ્કાય ટીવીના ૧૦૦૦થી વધુ ગ્રાહકોને પ્રશ્નો કરાયા હતા. જેમાં ૪૩ ટકાએ જણાવ્યું હતું કે બ્રિટનમાં ઈમિગ્રેશનની રચનાત્મક અસર રહી છે, પરંતુ ૪૪ ટકાએ તેની અસર નકારાત્મક ગણાવી હતી. લગભગ ૭૧ ટકા એક માનતા હતા કે માઈગ્રહન્ટ્સ જ્યાં વસ્યા છે તે કોમ્યુનિટીઝમાં ઈમિગ્રેશનથી ભારે વિભાજન દેખાય છે અને તાજેતરમાં જે વિસ્તારોમાં મોટા પાયે માઈગ્રેશન થયું છે ત્યાં વધુ વિભાજન હોવાનું માનનારાની સંખ્યા વધીને ૭૮ ટકા થઈ હતી. લગભગ અડધા એટલે કે ૪૭ ટકા બ્રિટિશર એમ માને છે કે બહુસાંસ્કૃતિકવાદની સરખામણીએ બ્રિટિશ મૂલ્યોના રક્ષણને પ્રાધાન્ય મળવું જોઈએ, જ્યારે ૩૬ ટકાએ વિવિધ સંસ્કૃતિઓને આવકારવાની તરફેણ કરી હતી. સરકાર પરંપરાગત બ્રિટિશ મૂલ્યોને ઉત્તેજન આપવા ઘણું ઓછું કરી રહી હોવાનો મત ૫૫ ટકાએ દર્શાવ્યો હતો. આમ માનનારામાં ૬૬ ટકા ટોરીઝ અને ૪૩ ટકા લેબર સમર્થકો હતા.
પ્રેશર ગ્રૂપ ‘માઈગ્રેશન વોચ યુકે’ના વડા લોર્ડ ગ્રીન ઓફ ડેડિંગ્ટને જણાવ્યું હતું કે બહુ ઓછાં લોકો આપણા ખુદની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલાં રહેતાં હોવાનું જણાય છે. પરંતુ લોકો વાસ્તવમાં શુ લાગણી ધરાવે છે તેની આ રિપોર્ટ યાદ અપાવે છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ વિમેન વેબસાઈટના કેથી ગીન્જેલે જણાવ્યું હતું કે અભ્યાસોએ દર્શાવ્યું છે તેમ મોટા પાયા પરના ઈમિગ્રેશનથી વેતનો ઘટ્યાં છે તેમજ વસતીવધારાથી યુકે પર દબાણ સર્જાયું છે.

