લંડનઃ બ્રિટિશ શીખો માર્ગારેટ થેચરના વડાપ્રધાનપદે કન્ઝર્વેટિવ સરકારના શાસનમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં યુકેની સંડોવણીની ઊંડી અને વિસ્તૃત તપાસની માગણી કરી રહ્યા છે. તત્કાલીન ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ કથિત રૂપે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન કેવી રીતે હાથ ધરવું તે માટે યુકેની સલાહ માગી હોવાનું મનાય છે. આ વખતની ચૂંટણીમાં લેબર પાર્ટીએ મેનિફેસ્ટોમાં આ મુદ્દાનો સમાવેશ કરી આ મામલે વધુ તપાસ કરવાનું વચન આપ્યું છે.
સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સિટી હિંદુ નેટવર્ક અને સિટી શીખ્સ નેટવર્ક દ્વારા શુક્રવાર ૨૬ મેએ ચાર્ટર્ડ ઈન્સ્યુરન્સ ઈન્સ્ટિટ્યુટ ખાતે રાજકીય ચર્ચાનું આયોજન કરાયું હતું. તેમાં દરેક રાજકીય પક્ષના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર નાગરિકોએ ઉઠાવેલા પ્રશ્રોના જવાબ આપ્યા હતા.
તપાસ વિશે લેબર પાર્ટીના MP સ્ટીફન ટીમ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો પક્ષ ચૂંટણી જીતશે તો આ મામલે વિસ્તૃત તપાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે મેનિફેસ્ટોના એક ભાગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવાયું છે,‘ અમૃતસરમાં સુવર્ણ મંદિર પર ૧૯૮૪માં થયેલી કાર્યવાહીમાં બ્રિટનના લશ્કરની ભૂમિકાની સ્વતંત્ર તપાસ માટે લેબર પાર્ટી પ્રતિબદ્ધ છે.’
પરંતુ, કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિનિધિ શૈલેશ વારા, MPએ જણાવ્યું હતું કે હજુ ઘણી માહિતી આવવાની બાકી છે અને વિસ્તૃત તપાસની ખરેખર જરૂર છે કે કેમ તેના વિશે નિર્ણય લેવાની જરૂર છે. લીબરલ ડેમોક્રેટ પાર્ટીના પ્રતિનિધિ બેરોનેસ લિન્ડસે નોર્થોવરે આગ્રહ રાખ્યો હતો કે તેમાં ગૂંચવી નાખે તેવા ઘણાં સંકેતો છે અને આ મુદ્દે ધ્યાન આપતી વખતે પૂરાવાનો વિગતે અભ્યાસ કરવો પડે.
ચર્ચામાં વ્યક્ત કરાયેલી ચિંતાઓમાં ભારતના ઈમિગ્રન્ટ્સનો મુદ્દો પણ એક હતો. ‘એશિયન વોઈસ’ દ્વારા પૂછાયું હતું કે બ્રેક્ઝિટ પછી યુકે ભારત સાથે ભાગીદારી વધારવા ઈચ્છે છે તેવા સંજોગોમાં જે પક્ષ ઈમિગ્રન્ટ વિરોધી હોય તેને બ્રિટનમાં રહેતા ભારતીયોએ શા માટે મત આપવો જોઈએ? યુકેમાં છ મહિનાથી વધુ સમયથી રહેતા ભારતીયો સહિત કોમનવેલ્થ નાગરિકોને યુકેની કોઈપણ ચૂંટણીમાં મત આપવાની પરવાનગી છે. શૈલેશ વારા કે જેઓ પોતે ઈમિગ્રન્ટ છે તેમણે સરકારનું પ્રતિનિધિત્વ કરતા જણાવ્યું હતું,‘ બ્રિટનના સંબંધ ૪૦૦ વર્ષ પહેલાના છે. અમે માઈગ્રેશનને અટકાવતા નથી. આ દેશમાં ૬૪ મિલિયનથી વધુ લોકો છે. અમે ના પાડતા નથી પણ સંખ્યા મર્યાદિત કરવા માગીએ છીએ.
MP સ્ટીફન ટીમ્સે જણાવ્યું હતું કે ઈમિગ્રેશનની સંખ્યા ઘટાડીને એક લાખ કરવાના ટોરી પાર્ટીના નિર્ણયની ભારતીયોને અસર થશે. બ્રેક્ઝિટ પછી ભારતીયોને જોબ માટે વધુ સારી તકોનું વચન આપવા બદલ તેમણે ટોરી મિનિસ્ટર પ્રીતિ પટેલની ટીકા કરી હતી. પટેલે આપેલા વચનને લીધે ઘણાં ભારતીયોએ ‘લીવ’ કેમ્પેઈનની તરફેણમાં પોતાના મત આપ્યા હતા. લીબ ડેમના બેરોનેસ નોર્થોવરે ઉમેર્યું હતું,‘ વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધને લીધે ભારતને ઘણું સહન કરવું પડે છે.’
કાર્યક્રમમાં બેંકિંગ અને ફાયનાન્સિયલ કટોકટી, માનસિક આરોગ્ય, ક્લાઈમેટ ચેન્જ, શાંતિ અને સલામતી, બ્રેક્ઝિટ અને બેનિફિટમાં કાપ સહિત માન્ચેસ્ટર બોમ્બવિસ્ફોટના સંદર્ભમાં સલામતીના મુદ્દા સહિત અન્ય વિષયો પર ચર્ચા થઈ હતી. UKIPનું પ્રતિનિધિત્વ ડેવિડ કર્ટને કર્યું હતું.
કાર્યક્રમનું કોમ્પિયરીંગ જસવીર સિંઘ OBEએ સંભાળ્યું હતું અને પેનલનું સંચાલન સિટી હિંદુ નેટવર્કના નીલ પટ્ટણીએ કર્યું હતું. ‘એશિયન વોઈસ’ આ કાર્યક્રમના અન્ય સ્પોન્સરો પૈકી એક હતું.