ઈયુ રેફરન્ડમ પછી નેટ માઈગ્રેશન ચાર વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

Wednesday 02nd September 2020 03:08 EDT
 
 

લંડનઃ જૂન ૨૦૧૬માં ઈયુ રેફરન્ડમ યોજાયા પછીના ચાર વર્ષમાં યુકેમાં નેટ માઈગ્રેશન વધીને સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. દેશમાં આવનારા લોકોની કુલ સંખ્યા પણ વિક્રમજનક ઊંચી છે. આશરે ૩૧૩,૦૦૦નો વધારો મુખ્યત્વે ઈયુ બહારના દેશોમાંથી બ્રિટિશ યુનિવર્સિટીઓ અને કોલેજીસમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ કામ માટે આવનારા અન્યોથી થયો છે. માર્ચ સુધીના વર્ષમાં યુકેમાં અભ્યાસ માટે આવતા લોકોને ૨૯૯,૦૦૦ વિઝા અપાયા હતા જેમાં ચીનના લોકોને આશરે ૪૦ ટકા વિઝા અને ભારતીયોને ૧૭ ટકા વિઝા અપાયા હતા.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ યુકેમાં એક વર્ષથી વધુ રહેવાનું આયોજન ધરાવનારા ૭૧૫,૦૦૦ લોકો માર્ચ સુધીના એક વર્ષના ગાળામાં આવ્યા હતા અને આશરે ૪૦૫,૦૦૦ લોકો પાછાં ફર્યાં હતાં. આવનારા અને પરત જનારા લોકો વચ્ચેનો તફાવત ૯૨,૦૦૦ વધીને અંદાજે ૩૧૩,૦૦૦ થયો હતો જે ૨૦૧૬ના ૩૨૬,૦૦૦ના આંકડા પછી સૌથી ઊંચો છે.

ONSના સેન્ટર ફોર ઈન્ટરનેશનલ માઈગ્રેશનના ડાયરેક્ટર જય લિન્ડોપે કહ્યું હતું કે, ‘મુખ્યત્વે ચીન અને ભારત સહિત બિન-ઈયુ વિદ્યાર્થીઓના આગમનના વધારાથી માઈગ્રેશન સપાટી વધવા લાગી છે.’ ઈયુમાંથી નેટ માઈગ્રેશન ૬૨,૦૦૦માંથી ઘટીને ૫૮,૦૦૦ થયું હતું જ્યારે ઈયુ બહારના દેશોમાંથી માઈગ્રેશન ૨૧૩,૦૦૦માંથી વધીને ૩૧૬,૦૦૦ થયું છે જે ૪૫ વર્ષ અગાઉ રેકોર્ડ્સની શરુઆત થઈ તેમાં સર્વોચ્ચ સપાટીએ છે. આમાંથી યુકેમાં અભ્યાસ માટે આવનારાની સંખ્યા ૨૫૭,૦૦૦ તેમજ કામ કરવા આવનારા, તેમના પરિવાર સાથે જોડાવા અથવા અન્ય કારણોસર આવનારાની સંખ્યા ૪૬૦,૦૦૦ની રહી હતી. ઈયુમાંથી કામ કરવા આશરે ૭૫,૦૦૦ લોકો અને બાકીના વિશ્વમાંથી વધુ ૧૦૧,૦૦૦ લોકો કામ શોધવા કે જોબ ઓફર સાથે યુકે આવ્યા હતા.

હોમ ઓફિસના અલાયદા આંકડા અનુસાર યુકેમાં અભ્યાસ માટે આવતા લોકોને જારી કરાયેલા વિઝામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ સુધીના વર્ષમાં ૨૩ ટકાના વધારા સાથે ૨૯૯,૦૦૦નો આંકડો આવ્યો છે જે નવ વર્ષમાં સૌથી ઊંચો છે. ચીનના લોકોને આશરે ૪૦ ટકા વિઝા અપાયા છે જ્યારે ભારતીયોને ૧૭ ટકા અથવા તો ૪૯,૦૦૦ વિઝા અપાયા હતા. માર્ચથી જૂન સુધી ત્રણ મહિનામાં જારી કરાયેલા વિઝામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

નેટ માઈગ્રેશનના તાજા આંકડા ડેવિડ કેમરન દ્વારા નિર્ધારિત ૧૦૦,૦૦૦ના લક્ષ્ય કરતાં ત્રણ ગણા વધુ છે. કન્ઝર્વેટિવ્ઝે આ નીતિ ૨૦૧૮માં પડતી મૂકી હતી. માઈગ્રેશન વોચ યુકેના ચેરમેન આલ્પ મેહમતે આંકડાને આઘાતજનક જણાવી કહ્યું હતું કે નેટ બિન-ઈયુ માઈગ્રેશનનું વિક્રમી પ્રમાણ સમસ્યા દર્શાવે છે અને સરકારે તેને અંકુશમાં લેવાના પ્રયાસ કરવા જોઈએ. પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન તે કરી નહિ શકે અને માઈગ્રન્ટ્સનો પ્રવાહ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter