જૂન ૨૩એ લેવાનારા ઇયુ રેફન્ડમને હવે એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે બ્રિટિશ ઇલેક્શન સર્વે દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં ભારતીય મૂળના મતદારો મુખ્યત્વે બ્રિટન યુરોપિયન યુનિયનમાં જ રહેવાની તરફેણ કરતાં હોવાનું બહાર આવ્યું છે. જોકે હજુ નોંધપાત્ર હિસ્સો આ મુદ્દો અનિર્ણાયક હોવાથી કાંટેની ટક્કર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વડાપ્રધાન ડેવિડ કેમરનના ઇન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન અને બ્રિટિશ એશિયન સંસદ પ્રિતી પટેલ, ઇન્ફોસિસના વડા નારાયણમૂર્તિના જમાઈ રિશી સુનાક બ્રેકઝિટની તરફેણમાં બહાર આવ્યા છે જ્યારે ‘રીમેઈન’ કેમ્પમાં ટોરી સાંસદ આલોક શર્મા અને લેબર પાર્ટીના સાંસદો સીમા મલ્હોત્રા અને કીથ વાઝ નેતાગીરી સંભાળી રહ્યાં છે.
તાજા રિપોર્ટ અનુસાર ભારતીય મૂળના ૫૧.૭ ટકા મતદાર બ્રેકઝિટની વિરુદ્ધ છે જ્યારે ૨૭.૭૪ ટકા ૨૮ સભ્ય રાષ્ટ્રોના આર્થિક બ્લોકને છોડવાની તરફેણ કરે છે. જોકે ભારતીય મૂળના ૧૬.૮૫ ટકા મતદાર હજુ કોની તરફેણ કરવી તે અંગે અનિર્ણાયક હોવાથી ઈયુ જનમતમાં તેઓ નિર્ણાયક પરીબળ બની રહેશે.
બીઈએસ દ્વારા ૨૨૦૦૦ મતનું વ્યાપક સેમ્પલ લેવાયું હતું. જેમાં રીમેઈન કેમ્પ ૪૩ ટકા સાથે નજીવી સરસાઈ ધરાવે છે. બ્રેક્ઝિટની તરફેણમાં ૪૦.૫ ટકા પડ્યાં હતાં. રિપોર્ટના તારણો જણાવે છે કે ‘નવા ડેટા અનુસાર વંશીય લઘુમતી મતદારોના હાથમાં સત્તાની સમતુલા રહેશે. શ્વેત મતદારોનું વિભાજન મોટું છે ત્યારે તમામ વંશીય લઘુમતી જુથો મોટાભાગે ઈયુમાં રહેવાની તરફેણ કરે છે. જોકે ડેટા એમ કહે છે કે લઘુમતી વંશીય મતદારોમાં મતદાન ૨૦ થી ૨૫ ટકા ઓછું પણ થઈ શકે છે.’ આ આંકડા સાઉથ એશિયન્સના આંકડા જેવા છે જેમાં પાકિસ્તાની મૂળના ૫૬ ટકા મતદારો ઈયુમાં રહેવાની અને ૨૬ ટકા મતદાર ઈયુ છોડવાની તરફેણ કરે છે. આ જ રીતે બાંગ્લાદેશી મતદારો અનુક્રમે ૪૨ અને ૧૭ ટકાનું પ્રમાણ ધરાવે છે.
ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના મિનિસ્ટર ઓફ સ્ટેટ હ્યુગો સ્વાયર ફરીથી ભારતની મુલાકાતે જવાના છે. ત્યારે વંશીય અને ભારતીય મિડિયા સાથે વાત કરતાં તેમણે ૧.૨ મિલિયન ભારતીય ડાયસ્પોરાને ઈયુમાં રહેવાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે ભારતના વડા પ્રધાન મોદીના શબ્દો યાદ અપાવ્યા હતાં કે બ્રિટન ભારતીય વેપાર અને ઇન્વેસ્ટમેન્ટ માટે ઈયુનું પ્રવેશદ્વાર છે. ઈયુ છોડવાથી ભારત બ્રિટિશ વેપાર સંબંધોને ઉત્તેજન મળશે અને ભારતીય ઇમિગ્રન્ટને યુકે આવવામાં મદદ થશે તેવી બ્રેક્ઝિટ છાવણીની દલીલો ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારત યુકે વિઝા માટે સૌથી મોટા બજારોમાંનું એક છે. માર્ચ ૨૦૧૫ના પુરા થયેલા વર્ષ માટે ભારતીય નાગરિકોને ૬૦,૦૦૦ થી વધુ વર્ક વિઝા ઈસ્યુ કરાયા હતાં, જે યુકે દ્વારા ઈસ્યુ કરાતાં તમામ વૈશ્વિક વર્ક વિઝાના ત્રીજા ભાગથી પણ વધુ છે.
કરીનો ગરમાગરમ વિવાદ
એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રિતી પટેલે અનિયંત્રિત ઈયુ ઇમિગ્રેશનથી કુશળ કરી ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન જાય છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈયુથી આવતાં અનિયંત્રિત ઇમિગ્રેશનના કારણે બાકીના વિશ્વના માઇગ્રન્ટ પર કડક અંકુશ લદાય છે. તેમણે જૂન મહિનામાં ‘સેવ ધ બ્રિટિશ કરી ડે’ની જાહેરાત કરી હતી. બ્રિટીશ કરી એવોર્ડ્સ અને સ્પાઇસ મેગેઝીનના સ્થાપક એનામ અલી MBE અને બાંગ્લાદેશ કેટરર્સ એસોસિએશનના પ્રમુખ પાસા ખાંડાકેર દ્વારા તેનું સમર્થન કરાયું હતું.
કોમનવેલ્થ અથવા BME બેકગ્રાઉન્ડનું પ્રિતનિધિત્વ કરતાં ૨૦થી વધુ સાસંદોએ ઈયુ છોડવા જણાવતો ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં બોરિસ જ્હોન્સન, પ્રિતી પટેલ, ગીસેલા સ્ટુઅર્ટ, રિશી સુનાક અને ઈયાન ડંકન સ્મિથનો સમાવેશ થાય છે.
જોકે સાંસદ અને હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કીથ વાઝે પ્રિતી પટેલના નિવેદનને ગેરમાર્ગે દોરનારું જણાવ્યું હતું. તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ખરાબ હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પૂર્વ યુરોપિયન વિરોધી લાગણીને ઉશ્કેરવી તે રંગભેદનો નવો પ્રકાર છે. હું કોઈપણ સ્થળેથી આવતા અને આપણા સમાજમાં ફાળો આપતાં લોકોના અધિકારને બચાવીશ. જોકે દેશના કરી હાઉસિસમાં કટોકટી હોવા અંગે તેમણે પ્રિતી પટેલ સાથે સહમતી વ્યક્ત કરી હતી. પરંતુ આને ઈયુ સાથે કોઈ જ સંબંધ નથી.
લેબર પાર્ટીના શેડો ચીફ સેક્રેટરી ઓફ ટ્રેઝરી અને સાંસદ સીમા મલ્હોત્રાએ પણ કહ્યું હતું કે આ કરી હાઉસની ટ્રીક પ્રિતી પટેલના આઘાતજનક દંભનું પ્રદર્શન છે. કેબિનેટમાં હાજરી આપતાં મિનિસ્ટરે સરકારી નીતિને પ્રભાવિત કરવા તેમની સત્તા છે. પરંતુ ઇમિગ્રેશન પર ટોરી નિષ્ફળતા માટે તેઓ યુરોપને દોષી કરાવી રહ્યાં છે.


