ઈયુ વિથ્ડ્રોઅલ બિલ બીજા રીડિંગમાં પસાર

Tuesday 12th September 2017 08:27 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ માટે અતિ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ઈયુ વિથ્ડ્રોઅલ બિલ હાઉસ ઓફ કોમન્સમાં બીજા રીડિંગમાંથી ૩૨૬ વિરુદ્ધ ૨૯૦ મતથી પસાર થતાં થેરેસા સરકારે હાશકારો અનુભવ્યો છે. હવે આગળના પગલાં વિચારવા વડા પ્રધાન મેએ કેબિનેટ બેઠક પણ બોલાવી લીધી હતી. મંગળવારે વહેલી સવારે એક વાગ્યે મતદાન પૂર્ણ થતા જ બિલના વિરોધીઓ તેમાં સુધારાઓ સામેલ કરાવવાના મુસદ્દાની તૈયારીમાં લાગી ગયા હતા. બ્રિટન માર્ચ ૨૦૧૯માં ઈયુમાંથી બહાર નીકળે ત્યારે યુરોપિયન યુનિયનના લાગુ પડતા વર્તમાન કાયદાઓને બ્રિટિશ કાયદાઓ તરીકે સમાવી લેવાની જોગવાઈ આ ખરડો ધરાવે છે.

વડા પ્રધાન થેરેસા મેએ આ બિલના પસાર થવાને માર્ચ ૨૦૧૯માં બ્રેક્ઝિટ તરફના બ્રિટનના માર્ગમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. ઈયુ વિથ્ડ્રોઅલ બિલ ૩૬ મતની બહુમતીએ પસાર થવા છતાં થેરેસા સરકાર નિરાંતનો શ્વાસ લઈ શકે તેમ નથી. ઓક્ટોબર મહિનામાં લંબાણ ચર્ચાઓ શરૂ થશે તેની આગોતરી તૈયારી બળવાખોર અને રીમેઈન જૂથના ટોરી સાંસદોએ આરંભી છે અને બિલ પસાર થયાના ગણતરીના કલાકોમાં તેમાં સુધારાઓ માટે ૬૦ પાના તૈયાર કર્યા છે.

આ સાંસદોએ લેબર પાર્ટી અને SNP સાથે હાથ મિલાવી નવો મુસદ્દો ઘડવાની તૈયારી કરી છે. બિલની ચોક્કસ બાબતો પર સરકારને પરાજિત કરવાની તેમની નેમ છે. ઈયુ નિયમો યુકે કાયદાઓમાં ફેરવાય પછી તેમાં સુધારા કરવાની સત્તા મિનિસ્ટર્સને આપવાની જોગવાઈ ‘હેન્રી આઠમા’ પાવર્સ તરીકે ઓળખાવાઈ છે તેને બળવાખોર સભ્યો હળવી બનાવવા માગે છે. જોકે, બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે સાંસદોને એવી ચેતવણી આપી છે કે આવી સત્તા વિના સરળ બ્રેક્ઝિટ અશક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter