ઈયુના ૩ મિલિયન નાગરિકો બ્રિટનમાં રહી શકશેઃ થેરેસા

Friday 23rd June 2017 08:01 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં વસતા ૩ મિલિયન ઈયુ નાગરિકોને બ્રેક્ઝિટ પછી પણ અનિયત કાળ સુધી રહેવાની તક મળશે તેમ વડા પ્રધાન થેરેસા મેએ જાહેર કર્યું છે. જોકે, આ માટે યુરોપમાં રહેતા યુકેના નાગરિકોને પણ આવી સુવિધા મળે તે જરુરી છે. વડા પ્રધાનની આ ન્યાયી અને વાજબી ઓફર યુરોપિયન નાગરિકોના અધિકારો પર બ્રિટિશ કોર્ટ્સની સત્તા રહે તેના પર આધારિત છે. જોકે, યુરોપીય દેશો આ ઓફર નકારે તેવી શક્યતા છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે સાવધાનીપૂર્વક થેરેસાની ઓફરને આવકારતાં કહ્યું હતું કે ‘આ સારો આરંભ છે. જોકે, હજુ ઘણા પ્રશ્નો છે.’

બ્રસેલ્સમાં સમિટ દરમિયાન ૨૭ ઈયુ નેતાઓને સંબોધતાં મિસિસ મેએ જણાવ્યું હતું કે બ્રિટનમાં કાયદેસર રહેતા ઈયુ નાગરિકોને બ્રેક્ઝિટના અમલ પછી બ્રિટન છોડવું નહિ પડે. જાહેર નહિ કરાયેલી કટ-ઓફ તારીખ અગાઉ પાંચ વર્ષથી બ્રિટનમાં રહેતા ઈયુ નાગરિકોને ‘સ્થાયી દરજ્જો’ આપવામાં આવશે, જેનો અર્થ એ છે કે તેઓ બ્રિટિશ નાગરિકોની માફક જ હેલ્થકેર, એજ્યુકેશન, બેનિફિટિસ અને પેન્શન મેળવવાના અધિકારો ધરાવશે. કટ-ઓફ તારીખ અગાઉ પાંચ વર્ષથી ઓછો સમય રહેનારા ઈયુ નાગરિકો ‘સ્થાયી દરજ્જા’ માટે લાયક થાય ત્યાં સુધી તેમને વસવાટની તક મળશે.

વડા પ્રધાને કટ-ઓફ તારીખ જાહેર કરવા નકાર્યું હતું. આ તારીખ વડા પ્રધાને આ વર્ષના માર્ચ મહિનામાં આર્ટિકલ ૫૦ અન્વયે બ્રેક્ઝિટ કાર્યવાહી આરંભવા પત્ર મોકલ્યો તે પણ હોઈ શકે છે અથવા યુકે ૨૦૧૯માં ઈયુ છોડે તે પણ હોઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter