લંડનઃ ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON- ઈસ્કોન) લંડન દ્વારા તેના સૌપ્રથમ 1969માં ખુલ્લા મૂકાયેલાં લંડનસ્થિત ઐતિહાસિક મંદિર, 7 બરી પ્લેસની જગ્યાને હરાજીમાં 1.6 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 19 કરોડ)માં સફળતાપૂર્વક પુનઃ હાંસલ કરી લેવાઈ છે. પાંચ મજલાની 221 સ્ક્વેર મીટર (2,379 sq ft)ની ફ્રીહોલ્ડિંગ ઈમારતમાં હાલ ડેન્ટલ પ્રેક્ટિસ, ઓફિસીસ અને થેરાપિસ્ટ કાર્યરત છે. આ જ્ગ્યાની ખરીદી ઈસ્કોનના પોતાના રિસોર્સીસ તેમજ સમર્થકોના યોગદાન મારફત કરવામાં આવી છે.
ઈસ્કોન લંડન દ્વારા હાથ ધરાયેલા વિસ્તરણના ભાગરૂપે પ્રોપર્ટીઝની સક્રિય શોધ ચાલુ જ હતી ત્યારે 7 બરી પ્લેસની જગ્યાની હરાજી થવાની હતી. તેના આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વને નજરમાં રાખી ભક્તોએ આ તુરતા સાથે તેની બોલી લગાવી હતી. આ સ્થળનું વિશેષ મહત્ત્વ છે કારણકે ઈસ્કોનના સંસ્થાપક એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા 1968માં ત્રણ અમેરિકન દંપતીને ઈંગ્લેન્ડમાં બેઝ સ્થાપવા જણાવ્યા પછી યુકેમાં પ્રથમ ઈસ્કોન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં ઈસ્કોન લંડન મંદિરના પ્રેસિડેન્ટ દયાલ મોરા દાસે જણાવ્યું હતું કે,‘ 7 બરી પ્લેસનું પુનઃસંપાદન અમારી સમગ્ર કોમ્યુનિટી માટે ઐતિહાસિક ઘરવાપસીથી જરા પણ ઓછું નથી. આ ઈમારત માત્ર ઈંટો અને મોર્ટારની બનેલી નથી, પરંતુ યુનાઈટેડ કિંગ્ડમમાં ISKCON દ્વારા સૌપ્રથમ મૂળિયાં નંખાયા તે પવિત્ર ભૂમિ છે જેના થકી કરોડો લોકોના જીવનને સ્પર્શેલાં આધ્યાત્મિક આધ્યાત્મિક આંદોલને વેગ પકડ્યો હતો. આ અસામાન્ય સ્થળની ચાવી ફરી એક વખત હાથમાં લેવાનું ઊંડી વિનમ્રતાપૂર્ણ અને પ્રચંડ પ્રેરણાદાયી છે.
ઈસ્કોનના સંસ્થાપક-આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ બે મહિના સુધી ટિટેનહર્સ્ટમાં જ્હોન લેનનની એસ્ટેટ ખાતે નિવાસ કર્યા પછી 7 બરી પ્લેસ રહેવા આવ્યા હતા. લેનનની સફેદ રોલ્સ રોયસમાં સવાર થયેલા સ્વામીજી એક રાજવીના ઠાઠ અને એરિસ્ટોક્રેટિક ભવ્યતાની સાથોસાથ તેમની કુદરતી વિનમ્રતા અને સેવાના અભિગમથી ઈશ્વરની ઈચ્છા સામે શરણાગત આત્મા સમાન જણાતા હતા. સંસ્થાનવાદી ભારતમાં ઉછરેલા સદ્ગૃહસ્થ માટે જૂના સામ્રાજ્યના સ્થાન પર આવવું અને અમૂલ્ય રત્ન ડિલિવર કરવાની પળ વિશિષ્ટ હતી જેના વિશે આગામી સદીઓ સુધી બોલાતું રહેશે. આ પ્રાચીન ભારતનું આધ્યાત્મિક જ્ઞાન હતું, પોતાના વિશેનું જ્ઞાન હતું, ઈશ્વર સાથેનો શાશ્વત સંબંધ હતો તેમજ. ખોવાયેલા સંબંધને યાદ કરવાનો અને પુનઃ ચેતનવંતો બનાવવાના સાધન હતા.
બરી પ્લેસ, ‘રાધા કૃષ્ણ મંદિર’ ખાતે જ જ્યોર્જ હેરિસનની શ્રીલા પ્રભુપાદ સાથે અંગત મુલાકાત થઈ હતી અને તેમણે વિશ્વપ્રસિદ્ધ ‘કૃષ્ણા’ પુસ્તકનું પ્રિન્ટિંગ સ્પોન્સર કરવા સંમતિ દર્શાવી હતી. આ સ્થળે જ જ્યોર્જને કૃષ્ણ વિશે સંગીત તૈયાર કરવા શ્રીલા પ્રભુપાદે વિનંતી કરી હતી, જેથી લોકસમૂહ તેમના (કૃષ્ણ) વિશે બરાબર સાંભળી શકે. બરી પ્લેસથી મંદિરને 1978માં તેના સોહો સ્ટ્રીટના વર્તમાન સ્થળે લઈ જવાયું હતું, પરંતુ કૃષ્ણભક્તો નિયમિતપણે જૂના મંદિર પાસેથી ચાલતા જતા હતા અને શ્રીલા પ્રભુપાદ આ ધરતી પર હાજર હતા ત્યારે આ સ્થળે ભૂતકાળની અસંખ્ય સુંદર ઘટનાઓ ઘટી હતી તેને યાદ કરતા હતા.
હવે આ સ્થળ પુનઃસંપાદિત કરાયું છે ત્યારે અમે ઉજ્જ્વળ ભવિષ્ય તરફ નજર કરી રહ્યા છીએ તેમજ આ ઐતિહાસિક સ્થળ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણોને વિશ્વભરના લોકોની પેઢીઓ સાથે સહભાગી કરવા આતુર છીએ. આ સ્થળ 1969માં દેખાતું હતું તેવું જ દેખાય તે રીતે રિસ્ટોર કરવા ઈચ્છીએ છીએ, જેથી મુલાકાતીઓ તે સમયમાં પાછા ફરી શકે અને શ્રીલા પ્રભુપાદની ઉપસ્થિતિ અનુભવી શકે અને સ્વામીજી દ્વારા અહીં જે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરાઈ હતી તેને યાદ કરી શકે.’
સેન્ટ્રલ લંડનના બરી પ્લેસસ્થિત ઈસ્કોન ટેમ્પલ ખાતે શ્રીલા પ્રભુપાદ સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલની બે ટુંકી છતાં, અસરકારક મુલાકાત થઈ હતી. વાતચીત ટુંકી હતી છતાં, પ્રભુપાદની સમર્પિત નિષ્ઠા,આરોગ્યની સમસ્યાઓ હોવાં છતાં પરિવર્તનકારી આંદોલનનું નિર્માણ થકી તેમને ઊંડી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. આ વાતચીત પછી સીબી પટેલે શ્રીલા પ્રભુપાદના હસ્તે ભેટ અપાયેલા ‘ભગવદ્ ગીતા એઝ ઈટ ઈઝ’ પુસ્તકની અંગત નકલનું વાંચન કર્યું હતું. આ વાંચન થકી તેમની માન્યતા મજબૂતપણે ઘડાઈ હતી કે જીવનમાં દરેક ભૂમિકા સેવાનું જ કાર્ય છે.
લંડનના પ્રથમ હરે કૃષ્ણ મંદિરનું નિર્માણ
ઈસ્કોનના સંસ્થાપક એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા 1966માં ન્યૂ યોર્ક ખાતે પ્રથમ અને તે પછી સાન ફ્રાન્સિસ્કોમાં રાધા-કૃષ્ણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 1968 સુધીમાં આંદોલને ગતિ પકડી ત્યારે તેમણે સાન ફ્રાન્સિસ્કોના ત્રણ પરીણિત દંપતીને ઈંગ્લેન્ડમાં બેઝ સ્થાપવા જણાવ્યું હતું. શ્યામસુંદર દાસે ત્યારે 72 વર્ષના પ્રભુપાદ ‘બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતીય’ તરીકે તેમના ઉછેરના કારણે યુકે તરફ ખેંચાયા હોવાનું નોંધવા સાથે યાદ કર્યું હતું કે, ‘પ્રવૃત્તિનું કેન્દ્ર સાન ફ્રાન્સિસ્કોથી લંડન ખસેડાતું હતું.’
પૂર્વ ફુલબ્રાઈટ સ્કોલર અને પ્રોફેશનલ સ્કીઅર શ્યામસુંદર દાસે તેમના પત્ની માલતી દાસી અને નાની દીકરી સાથે પ્રવાસ ખેડ્યો હતો. અન્ય ભક્તોમાં શ્યામસુંદરના સંગીતકાર મિત્ર મુકુંદ દાસ અને તેમના પત્ની જાનકી તથા ગુરુદાસ અને યમુનાનો સમાવેશ થયો હતો. મુકુંદ દાસ અને જાનકીએ શ્યામસુંદર અને માલતીને પ્રભુપાદના ઉપદેશોનો પરિચય કરાવ્યો હતો જ્યારે ગુરુદાસ પાસે નાગરિક અધિકારોના કર્મશીલ અને સામાજિક કાર્યકરનો અનુભવ હતો. બ્રિટન આવ્યા પછી, આ ત્રણે દંપતી લંડનમાં અલગ અલગ રહેતા હતા અને નાણાકીય તાણ અનુભવતા હતા. તેઓ કીર્તન કરતા, જાહેર ઈવેન્ટ્સમાં હાજરી આપતા, ઓક્સફર્ડ સ્ટ્રીટ પર પત્રિકાઓ વહેંચતા અને નવા સભ્યોની ભરતી કરતા હતા. તેઓ સમયાંતરે હંગામી મંદિર તરીકે કામ આપતા કોવેન્ટ ગાર્ડન વેરહાઉસમાં સ્થાયી થયા હતા. માલતીએ યાદ કરતાં કહ્યું હતું કે, ‘(અમારી પાસે) ભાગ્યે જ ચીજવસ્તુઓ હતી, નાણા ન હતાં, સુરક્ષા ન હતી... અમારી પાસે એક માત્ર શ્રીલા પ્રભુપાદ તરફનો પ્રેમ હતો.’
વ્યાપક ઓડિયન્સ સુધી પહોંચવા શ્યામસુંદરે બૂટલ્સનો સંપર્ક સાધવા સૂચવ્યું અને ઓક્ટોબર 1968માં તેમણે અને મુકુંદે એપલ રેકોર્ડ્સની મુલાકાત લીધી હતી, જ્યાં પીટર આશેરે તેમની વિનંતી જ્યોર્જ હેરિસનને પાઠવી હતી. કીર્તનો અને પ્રભુપાદના ‘કૃષ્ણા કોન્સિયસનેસ’ આલ્બમથી પરિચિત હેરિસન આખરે ડિસેમ્બરમાં શ્યામસુંદરને મળ્યા અને કહ્યું,‘હરે કૃષ્ણા, તમે ક્યાં હતા? હું તો (વર્ષોથી) તમને મળવા રાહ જોતો હતો.’ તે સમયે બીટલ્સની અંદર જ એકલતા અનુભવતા હેરિસને ટુંક સમયમાં વેરહાઉસ ખાતે ભક્તોની મુલાકાત લીધી અને તેમણે કહ્યું ‘અહીં મને પ્રેરણા મળી છે.’ તેમણે જાન્યુઆરી 1969માં ‘લેટ ઈટ બી’ પ્રોજેક્ટ દરમિયાન શ્યામસુંદરની મુલાકાત બેન્ડના અન્ય સભ્યો સાથે કરાવી હતી. ભક્તો તેના સરે નિવાસ અને એપલ ઓફિસીસના નિયમિત મુલાકાતીઓ બની રહ્યા.
જ્યોર્જ હેરિસને જુલાઈ 1969માં મહા મંત્રને રેકોર્ડ કરવા ભક્તોને એબી રોડ ખાતે પ્રોડ્યુસિંગ અને ટ્રેક પર પરફોર્મિંગ માટે બોલાવ્યા હતા. એપલ રેકોર્ડ્સ દ્વારા રાધા-કૃષ્ણ ટેમ્પલ, લંડન તરીકે રીલિઝ કરાયેલો ‘હરે કૃષ્ણ મંત્ર’ યુકે ચાર્ટ્સમાં 12મા ક્રમે પહોંચી ગયો અને આંતરરાષ્ટ્રીય સફળતા સાંપડી. ભક્તોએ ‘ટોપ ઓફ ધ પોપ્સ’ પર પરફોર્મ કર્યું તેમજ લંડન, ઓક્સફર્ડ અને એમસ્ટર્ડેમમાં કોન્સર્ટ્સ યોજ્યા. મુકુંદ યાદ કરે છે કે,‘અમે રાતોરાત શેરીના સામાન્ય લોકોમાંથી સેલેબ્રિટી સ્ટેટસ બની ગયા.’આ સિંગલ થકી જ મંત્ર મુખ્યપ્રવાહમાં આવી ગયો અને ઈસ્કોનના નવા સભ્યોને આકર્ષ્યા અને આ પવિત્ર નામો વિશ્વભરમાં ગુંજતા થઈ જશેની ચૈતન્ય મહાપ્રભુની 16મી સદીની આગાહીને સાચી ઠરાવી હતી.
પ્રભુપાદે તેમના શિષ્યો સત્તાવાર ઈસ્કોન મંદિર સ્થાપે તે પછી જ લંડનની મુલાકાત લેવાનું વચન આપ્યું હતું. આ માટે મુકુંદે બ્લૂમ્સબરીમાં 7 બરી પ્લેસ ખાતે સાત મજલાની ઈમારત મેળવી હતી જેમાં જ્યોર્જ હેરિસને લીઝ પર જામીન તરીકે હસ્તાક્ષર કર્યા હતા અને ભંડોળ મેળવવામાં મદદ કરી હતી. ભક્તોએ પાડોશીઓ અને સ્થાનિક કોમ્યુનિટીના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને હેરિસનના સપોર્ટ સાથે જ તેમને આ જગ્યા હાંસલ થઈ હતી. રિનોવેશન ચાલી રહ્યું હતું ત્યારે જ્હોન લેનને એસ્કોટ નજીક તેમની ટિટેનહર્સ્ટ પાર્ક એસ્ટેટમાં કામચલાઉ રહેઠાણની ઓફર કરી હતી. અહીં ભક્તો સર્વન્ટ્સ ક્વાર્ટર્સમાં રહ્યા અને પ્રોપર્ટીની નવસજાવટમાં મદદ કરતા હતા.
પ્રભુપાદે સપ્ટેમ્બર 1969માં યુકે મથકની મુલાકાત લીધી, તેમના શિષ્યો સાથે પુનઃ જોડાયા તેમજ ભગવદ્ ગીતા, મંત્રો અને કૃષ્ણ વિશે તત્વજ્ઞાનીય ચર્ચા માટે હેરિસન, લેનન અને યોકો ઓનો સાથે બેઠક યોજી. ડિસેમ્બર સુધીમાં પ્રભુપાદ અને 25 શિષ્યોનું મજબૂત જૂથ ભક્તોના મુખ્ય જાહેર વાર્તાલાપના એરિયા ઓક્સફર્ડ સ્ટ્રીટની નજીકમાં જ બરી પ્લેસસ્થિત નવા સજાવેલા રાધા-કૃષ્ણ ટેમ્પલમાં રહેવા ગયા હતા.
જ્યોર્જ હેરિસને 1970માં ઈસ્કોનના ભક્તો સાથે સહકાર સાધી ધ રાધા કૃષ્ણ ટેમ્પલ આલ્બમનું નિર્માણ કર્યું અને ભક્તિસંગીત થીમ્સને મુખ્યપ્રવાહના સંગીતમાં લાવી દીધુ. તેમના આઈકોનિક ‘માય સ્વીટ લોર્ડ’ સહિતના એકલ મ્યુઝિક કાર્યોમાં તેના વૃંદગાન-કોરસમાં હરે કૃષ્ણ મંત્રને પરોવવા સાથે કૃષ્ણના આધ્યાત્મિક ઉલ્લેખોનો સમાવેશ થતો હતો. આ જ વર્ષમાં હેરિસને શ્રીલા પ્રભુપાદના સીમાચિહ્નરૂપ પુસ્તક ‘કૃષ્ણઃ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ’ના પ્રિન્ટિંગનું ફંડ પુરું પાડ્યું હતું.
1972 સુધીમાં તો ઈસ્કોનના ઝડપી વૈશ્વિક વિકાસને પહોંચી વળવામાં બરી પ્લેસસ્થિત લંડનનું મંદિર ઘણું નાનું પડવા લાગ્યું. હેરિસનની વિનંતીને માન આપી બ્રિટિશ ભક્ત ધનંજય દાસે 1973માં લંડન નજીક પ્રોપર્ટીઝની શોધખોળ આદરી. જેના પરિણામે, હેરિસન હર્ટફોર્ડશાયરમાં 17 એકરમાં આવેલા ઐતિહાસિક મેનોર હાઉસને ખરીદવા પ્રેરિત થયા. આ સ્થળને પાછળથી ભક્તિવેદાંત મેનોર નામ અપાયું હતું.
મંદિરની સાંસ્કૃતિક ફૂટપ્રિન્ટને વિસ્તારવાના ભાગરૂપે 1979માં સોહોમાં ગોવિંદા‘ઝ રેસ્ટોરાં ખોલવામાં આવ્યું, જે લંડનમાં સૌપહેલા પોસાય તેવું, તેમજ જે સમયમાં શાકાહારી ભોજન કરવું અસામાન્ય હતું ત્યારે શાકાહારી વાનગીઓ પીરસાતી હતી. આનું લક્ષ્ય સાવ સરળ હતું- પ્રેમ સાથે તૈયાર કરાયેલો અને ઊચ્ચ ગુણો સાથેનો પૌષ્ટિક શાકાહારી ખોરાક પીરસવો.
ભક્તિવેદાંત મેનોર બંધ કરાવવાની ધમકીની શરૂઆત 1994માં થઈ અને બ્રિટનની હિન્દુ કોમ્યુનિટીના તળિયાનાં સ્તરેથી સૌથી મોટા સંગઠિત પ્રયાસોમાં એકની ચિનગારી જોવા મળી. કાનૂની અપીલો ઘણી લાંબી અને ખર્ચાળ હતી, પરંતુ આંદોલન શાંતિપૂર્ણ વિરોધ, સામુદાયિક એકતા અને વિસ્તૃત પહોંચ સાથે પ્રતિબદ્ધ રહ્યું. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ફ્રન્ટ-પેજ કવરેજ, કોમ્યુનિટીની જાગૃતિ માટેના પ્રયાસો, સતત એડિટોરિયલ સપોર્ટ, સમગ્ર ધર્મ-સંપ્રદાયો અને માન્યતાઓમાં સમર્થકોને એકત્ર કરવામાં મદદ સાથે આ કેમ્પેઈનનાં કેન્દ્રમાં રહ્યાં હતાં. તેમના સમર્થન થકી હિન્દુ ડાયસ્પોરાના સભ્યો આગળ આવ્યા એટલું જ નહિ, જાહેર મત અને સમજ વધુ મજબૂત બન્યા. આનાથી પુરવાર થયું કે સામૂહિક નિર્ધાર અને અહિંસા થકી પવિત્ર સ્થળોને ભાવિ પેઢીઓ માટે સંરક્ષી શકાય છે.


