લંડનઃ બ્રેક્ઝિટ પછી યુકેમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વર્કર્સની અછતને ધ્યાનમાં લઈ બ્રિટિશ પોલિસી પેપરમાં ભારત, પાકિસ્તાન જેવાં દેશોમાંથી માઈગ્રન્ટ્સને આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું વલણ સ્પષ્ટ થયું છે. ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં ફોરેન કોમનવેલ્થ ઓફિસના વરિષ્ઠ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા ‘ઈમિગ્રેશન વ્હાઈટ પેપર’ વિશે બ્રિટિશ અધિકારીઓએ ૧૬ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત સરકાર સાથે ચર્ચા હાથ ધરી હતી.
માઈગ્રેશન ડાયલોગથી યુકે અને ભારતની સરકારના અધિકારીઓ બ્રેક્ઝિટ પછી નવી સિંગલ, કૌશલ્ય આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની યુકેની યોજના સંબંધે સીધી વાતચીત કરી શકશે. આ ઉપરાંત, યુકે પ્રતિનિધિમંડળે ભારતના કોર્પોરેટ, બિઝનેસ અને શિક્ષણક્ષેત્રના ચાવીરુપ મહાનુભાવો સાથે બેઠકો પણ યોજી હતી.
કૌશલ્ય આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ ૨૦૨૧થી અમલી બનાવાશે, જેનાથી વિશ્વભરના લોકો કામકાજ, અભ્યાસ અથવા મુલાકાત માટે યુકેમાં આવી શકશે. કુશળ કામદારો યુકેમાં રહે અને કામ કરે તેને પ્રોત્સાહન આપવા ઈચ્છતી યુકે સરકારે તેના નવા સ્કીલ્ડ વિઝા રુટની મર્યાદાનો અંત લાવવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દરખાસ્તોનો અર્થ એ છે કે એન્જિનીઅર્સ, ડોક્ટર્સ અને આઈટી પ્રોફેશનલ્સ જેવાં કુશળ લોકો યુકેમાં આવે અને કામ કરે તેના પર કોઈ સંખ્યાકીય મર્યાદા નહિ રહે.
સરકાર એક તરફ, નવા કુશળ ઈમિગ્રન્ટ્સને યુકેમાં લાવવા તૈયારી કરી રહી છે ત્યારે નવેમ્બરની સરકારી સમીક્ષા રિપોર્ટ અનુસાર હોમ ઓફિસ દ્વારા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ઓછામાં ઓછાં ૩૦૦ વર્તમાન માઈગ્રન્ટ્સને આર્ટિકલ ૩૨૨ (૫) હેઠળ બ્રિટન છોડવા ખોટી રીતે પ્રયાસ કરાયો હતો. આ ઈમિગ્રેશન નિયમનો ઉપયોગ ત્રાસવાદીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરુપ ગણાતા લોકો સહિત ક્રિમિનલ્સ સામે કામ લેવા માટે થાય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે વિવાદાસ્પદ ૩૨૨ (૫) જોગવાઈના ઉપયોગથી શિક્ષકો, વકીલો, એન્જિનીઅર્સ, ડોક્ટર્સ અને આઈટી પ્રોફેશનલ્સ સહિત વિવિધ ક્ષેત્રના ૮૭ ઉચ્ચ કૌશલ્યધારી માઈગ્રન્ટ્સને ત્રાસવાદ સંબંધિત કાયદા હેઠળ ખોટી રીતે યુકે છોડવા ફરજ પડાઈ હતી. આ ઉપરાંત, વધુ ૪૦૦ લોકોને પણ અસર થયાનું અનુમાન છે.
માઈગ્રન્ટ્સની સમસ્યાનાં અનેક પાસા
ઉચ્ચ કૌશલ્યધારી માઈગ્રન્ટ્સની સમસ્યાનાં અનેક પાસા છે. આર્ટિકલ ૩૨૨ (૫) આતંકવાદી, યુદ્ધ અપરાધીઓ જેવાં ગંભીર ક્રિમિનલ્સ માટે છે. માત્ર ટેક્સ જેવી બાબતોમાં તફાવત કે ભૂલો હોય તે આ કેટેગરીમાં આવી ન શકે તે સામાન્ય સમજની બાબત છે. ઘણા ભારતીય, પાકિસ્તાની અને આફ્રિકન અરજદારોએ ટેક્સમાં તફાવત વિશે લેખિત ખુલાસા આપ્યા હોવાં છતાં તેમને વધુ ખુલાસા માટે મુલાકાતની તક જ અપાઈ નથી. સરકારી વિભાગો દ્વારા ભૂલો કે વિલંબથી સમસ્યાઓ વધી છે. કેટલાકે તો અરજી અને રુબરુ હાજર થયાં પછી પણ નિર્ણય માટે ૧૯થી ૨૪ મહિના સુધી રાહ જોવી પડી છે. હોમ ઓફિસના નિર્ણયથી યુકેમાં સ્થિર થયેલાં પરિવારો અને યુકેમાં જન્મેલાં તેમજ શારીરિક ખામીઓ સાથેના બાળકોને પણ સહન કરવું પડ્યું છે. Set(O) અરજી નકારાયાં પછી કામ કરવાના અને ભાડે રહેવાના અધિકારો અમાન્ય થયાં છે. નાણા તેમજ કમાણીના અભાવે બાળકો અને પરિવાર સાથેના લોકોને ભારે સહન કરવું પડ્યું છે. કામ કરવાનો અધિકાર ખૂંચવી લેવાયા પછી નાણાંભીડમાં રહેલાં લોકો કોર્ટમાં કેસ લડી શકે તે માટે ક્રાઉડફન્ડિંગ દ્વારા ૩૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા છે અને વધુ ૧૫,૦૦૦ પાઉન્ડની જરૂર છે.
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને Highly Skilled Migrants' UK ગ્રૂપ સાથેની વાતચીતમાં જણાયું હતું કે એક-બે કિસ્સામાં પડતર અરજીઓ પર પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે, જોકે તેમની અપીલોને પડકારાઈ છે. ગ્રૂપના સલમાન ફારુકીએ કહ્યું હતું કે કોર્ટે ૩૨૨ (૫) ના ચાર કેસને ટેસ્ટ કેસ તરીકે સાથે વણી લીધાં છે અને અમે યુકેમાં માઈગ્રન્ટ્સના અધિકારો માટે કાર્યરત Migrants' Rights Network ના ટેકા સાથે અમારો પક્ષ પણ મૂક્યો છે, જેમાં ITN Solicitors અને સોનાલી નાયક QC અમારા કાઉન્સેલ છે. જોકે, આ મુદ્દો સેક્રેટરી ઓફ સ્ટેટ સમક્ષ મૂકાયો નથી. સમીક્ષા પછી પ્રસિદ્ધ ન્યુ ટિયર-૧ ગાઈડન્સમાં જણાવાયું છે કે જેમના વિઝા નકારાયા છે તે બધાનાં ઈન્ટર્વ્યૂ થવાં જોઈએ પરંતુ, HSM ગ્રૂપમાંથી કોઈના ઈન્ટર્વ્યૂ થયાં નથી તે પણ હકીકત છે.