ઉદારશ્રેષ્ઠી માધવાણી પરિવારનો ગૌરવશીલ ઇતિહાસ

Wednesday 19th August 2020 06:55 EDT
 
 

જયશ્રી કૃષ્ણ,
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં માધવાણી પરિવાર જયેષ્ઠ દીકરા દિવંગત જયંતભાઇના સંતાનોમાં વિખવાદના સમાચાર વાંચી યુગાન્ડામાં વર્ષો સુધી વસવાટ કરીને લેન્કેશાયર તેમજ પ્રેસ્ટનમાં આવીને સ્થાયી થયા છે એ હરિભક્તોને ભારે દુ:ખ થયું છે.
વિરલ પુરુષ મૂળજીભાઈ માધવાણી સાહેબે એકલા હાથે વેપાર ઉદ્યોગનું સામ્રાજ્ય યુગાન્ડામાં ઊભું કર્યું, જેથી હજારોની સંખ્યામાં પરિવાર માટે આજીવિકા ઊભી કરી હતી. તેમના મોટા દિકરા જંયતભાઈ તેમજ મનુભાઈ, પ્રતાપભાઇ તેમજ મયૂરભાઇના સહયોગથી આ સામ્રાજ્યને ફુલીફાલીને વટવૃક્ષ બનાવ્યું તે આપણે સૌ જાણીએ છીએ.
એટલું જ નહિ પણ આ માધવાણી પરિવારના ઉદારપણાને હિસાબે ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક તેમજ શૈક્ષણિકક્ષેત્રે ઉદાર હાથે સંસ્થાઓને દાન આપ્યું તેમજ સંસ્થાઓના નેતાઓને માર્ગદર્શન આપી ભારતની સંસ્કૃતિ-પરંપરાને જીવંત રાખતાં ભવ્ય સંકુલન ઊભા કરવા માટે પ્રેરિત કર્યા છે તે ખૂબ પ્રસંશાપાત્ર છે.
ઉત્તર ઈંગ્લેન્ડનું પ્રેસ્ટન લંડનથી ૨૫૦ માઈલ દૂર આવેલું એક એવું નાનકડું શહેર છે. તેમાં ફક્ત ૫૦૦થી ૬૦૦ ગુજરાતી પરિવારનો વસાહત છે. તે 'ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન' દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે. સાલ ૨૦૦૦ મેલેનિયમ વર્ષ દરમિયાન જ મિલિયન પાઉન્ડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી સી.બી. પટેલના સહકારથી લંડનમાં માધવાણી પરિવારના શ્રેષ્ઠી શ્રી મનુભાઈ તથા શારદાબેન માધવાણીનો તેમજ અન્ય સખાવતીઓનો સંપર્ક સાધવામાં આવ્યો. અમારા પ્રોજેક્ટની જે માહિતી આપવામાં આવી તે શ્રી મનુભાઈ સાહેબ તેમજ શારદાબેન માધવાણીએ તેમના સર્કલના મિત્રોને વાત કરીને માહિતી આપી અને પ્રોગ્રામનું આયોજન કરીને અમોને દાન ઉઘરાવવામાં ખૂબ મદદ કરી છે. નવનિર્માણ થયેલા ભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ પ્રસંગે અમારે પ. પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી)ને ભારતથી લંડન બોલાવવા હતા. પૂ.દાદાજીને ઉંમર અને તબિયતને કારણે યુ.કે. આવવાનું અશક્ય હતું પરંતુ ઉદારમના મનુભાઇએ એમનો ખાસ માણસ મુંબઇથી મોકલીને પૂ. દાદાજીને પ્લેનમાં ફર્સ્ટ કલાસમાં લંડન લઇ આવવાની વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહિ પણ પૂ.દાદાજીને તેમની સાથે પ્રેસ્ટન લઈ આવી સેન્ટર/મંદિરનો પાયો તેમના હસ્તે નાંખવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત મંદિરમાં ઇષ્ટદેવ-દેવીઓની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રેસ્ટન હાજર રહી આશીર્વાદ આપી મંદિરના શિખર પર સનાતન ધર્મની ધ્વજારોહણ શ્રી મનુભાઈ સાહેબ તેમજ શારદાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. એમના શુભહસ્તે થયેલ ધ્વજારોહણથી હજુ પણ મંદિર પર અવિરત ધ્વજા ફરકી રહી છે.
તેમના આશીર્વાદ, સલાહ અને દિશાસૂચનથી સંસ્થાના કાર્યકર્તાઓએ કાર્યરત બની ટૂંક સમયમાં પ્રેસ્ટનની આ સંસ્થાને દેવામૂક્ત કરી દીધી હતી.
આવા ગૌરવવંતા પરિવાર મૂલજીભાઈ માધવાણીના જ્યેષ્ઠ દિકરા જયંતભાઈના સંતાનોને આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે કે ઊભા થયેલા પ્રશ્નો આંતરિક રીતે નિરાકરણ લાવશો. આપ તો ભણેલા, ગણેલા અને હોશિંયાર છો તો પરિવારની ગૌરવગાથા ઉપર જાણે-અજાણે આંચ ન આવે તેવી ભગવાનશ્રી રાધાકૃષ્ણને અમો અંતઃકરણ પ્રાર્થના કરીએ છીએ.
એજ લિ.
પ્રમુખશ્રી,
દશરથભાઈ હરગોવનદાસ નાયીના જયશ્રીકૃષ્ણ
ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન,
ટેલિફોનઃ 01772 253901


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter