અમદાવાદ: શહેરના જાસપુર વિસ્તારમાં 504 ફૂટ ઊંચા ભવ્ય ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઈંટદાન અભિયાન શરૂ કરાયું છે. અભિયાનનો મુખ્ય હેતુ ‘સનાતન ધર્મના દરેક પરિવારને મંદિર નિર્માણ સાથે જોડવાનો છે’.
સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે કહ્યું કે, એક વ્યક્તિ કે પરિવાર એક ઈંટની પ્રસાદીરૂપે 1000 રૂપિયાનું દાન કરી શકે છે. અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકોએ ઈંટ દાન કર્યું છે. ભવિષ્યમાં 30 લાખ લોકોને આ અભિયાન સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે લોકો આર્થિક સહયોગ આપી શકતા ન હોય, તેઓ ‘સમયદાન’ અને ‘શ્રમદાન’ દ્વારા સેવા આપી શકશે. સંસ્થા સમયાંતરે ગામડે ગામડે જઈને લોકોમાં ઈંટદાન અભિયાનની મહત્ત્વતા સમજાવશે અને તેમને મંદિર નિર્માણ કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપશે.
આર.પી. પટેલે કહ્યું હતું કે આ મંદિર નિર્માણનો ઉદ્દેશ માત્ર ભવ્ય ઇમારત બનાવવાનો નથી, પરંતુ આધ્યાત્મિક હેતુ સાથે પ્રત્યેક પરિવારને યથાશક્તિ પ્રમાણે જોડવાનું પણ છે. સંસ્થાની ટીમ લોકો સાથે વાર્તાલાપ કરશે, દર્શન માટે અર્પિત યોગદાનને પ્રોત્સાહિત કરશે અને તેમને જીવનમાં સેવા અને ભક્તિનું મહત્વ સમજાવશે. આ ભવ્ય મંદિર નિર્માણથી ગુજરાતના ધાર્મિક પર્યટન અને સ્થાનિક અર્થતંત્રમાં પણ વધારો થશે તેવી અપેક્ષા છે. ઈંટદાન અભિયાન ધર્મપ્રેમી સમાજને એકસાથે જોડતો એક અનોખો પ્રયાસ સાબિત થઈ રહ્યું છે.


