ઊંચી વિઝા ફી NHS સ્ટાફ અને પ્રતિભાઓ માટે અવરોધરુપ

Tuesday 25th February 2020 05:46 EST
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા પ્રસ્તાવિત નવી ઈમિગ્રેશન પોલિસી ભારે ચર્ચામાં છે ત્યારે યુકેની આસમાને પહોંચેલી ઊંચી વિઝા ફી મહત્ત્વના NHS તબીબ કે નર્સિંગ સ્ટાફ અને વિજ્ઞાનીઓ, ઈજનેરો જેવી પ્રતિભાઓને આકર્ષવામાં અવરોધરુપ બની શકે છે. અત્યારે તો નર્સીસ, લેબ ટેક્નિશિયન્સ, એન્જિનીઅર્સ અને ટેકનોલોજી નિષ્ણાતોને મુક્ત અવરજવરના કારણે ઈયુમાંથી યુકેમાં આવતા વાંધો નડતો નથી પરંતુ, ઈમિગ્રેશન નીતિમાં ધરમૂળ પરિવર્તન પછી વ્યક્તિદીઠ ૧,૨૨૦ પાઉન્ડ અને શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં રહેલા વર્કર્સ માટે ૯૦૦ પાઉન્ડની વિઝા ફી ભારે પડશે તેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ગવર્નમેન્ટ (IfG) થિન્કટેન્કના નિષ્ણાતો માને છે. આ ઉપરાંત, NHS ના ઉપયોગ અને એમ્પ્લોયર્સ દ્વારા સ્પોન્સરશિપના ખર્ચને પણ ધ્યાનમાં લેવાનું જરૂરી બનશે.

અન્ય દેશો સાથે યુકે વિઝા ફીની સરખામણી દર્શાવે છે કે યુકેની ફી સૌથી વધુ છે. પાંચ વ્યક્તિના પરિવાર સાથેના એક વ્યક્તિને પાંચ વર્ષના વર્ક વિઝા માટે દેશમાં પ્રવેશ પહેલા જ ૨૧,૨૯૯ પાઉન્ડ ચૂકવવા પડશે. આમાં વ્યક્તિદીઠ ૪૦૦ પાઉન્ડના આગોતરા ચૂકવવાના વાર્ષિક હેલ્થચાર્જનો પણ સમાવેશ થાય છે. કુલ રકમ ઓસ્ટ્રેલિયાની સરખામણીએ બમણી તેમજ કેનેડાની સરખામણીએ ત્રણ ગણી છે. કેનેડામાં આટલા જ પરિવાર માટે પાંચ વર્ષના ૧૦,૦૦૦ પાઉન્ડથી થોડા વધુ તેમજ જર્મનીમાં પ્રવેશ માટે ૭૫૬ પાઉન્ડ ચૂકવવા પડે છે.

કેનેડા ત્રણ વર્ષના વ્યક્તિગત વિઝા માટે ૨૨૦ પાઉન્ડ, જર્મની ૧૪૭ પાઉન્ડ અને ફ્રાન્સ ૨૦૭૫ પાઉન્ડ વસૂલે છે. લક્ઝમબર્ગ વિઝા માટે ૫૦ યુરો (૪૨ પાઉન્ડ) અને રેસિડેન્ટ્સ પરમિટ માટે ૮૦ યુરો વસૂલે છે.

જાન્યુઆરી ૨૦૨૧ પછી યુકેમાં કામ કરવા ઈચ્છતા ઈયુ નાગરિકે વિઝા માટે ઓછામાં ઓછાં ૧,૬૨૦ પાઉન્ડ અને એક વર્ષના હેલ્થ ચાર્જ તરીકે ૪૦૦ પાઉન્ડ ચૂકવવાના થશે. ઊંચી વિઝા ફી ૨૦૪૮૦થી ૨૫,૦૦૦ પાઉન્ડ વચ્ચેની એન્ટ્રી લેવલ સેલરી સાથે લેબ ટેક્નિશિયન્સ, એન્જિનીઅર્સ અને વિજ્ઞાનીઓ સહિત ઘણા માટે અવરોધરુપ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter