લંડનઃ હેરોના અને લાંબા સમયથી NHSમાં સેવા આપનારા પૂર્વ કર્મચારી કંચનબહેન ચાંડેગ્રા દ્વારા નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં એકલવાયા અને મૃત્યુ નજીક પહોંચેલા પેશન્ટ્સને સપોર્ટ કરવાની કામગીરીને બિરદાવાઈ હતી. લંડનમાં તફાવત સર્જનારી મહિલાઓને બિરદાવતા રાઈઝિંગ સ્ટાર એવોર્ડ સાથે કંચનબહેનનું સન્માન કરવામાં આવ્યું છે. તેમને લંડનના મેયર દ્વારા તેમના સ્વૈચ્છિક સેવાકાર્ય બદલ આભાર વ્યક્ત કરતો અંગત પત્ર પણ તેમને મળ્યો છે. તેઓ કહે છે કે આ ભાવનાત્મક હોઈ શકે, પરંતુ મને વોલન્ટીઅર હોવાનું ગમે છે અને આ રીતે પણ લોકોની નાની સેવા કરી શકાય તો તે સારું જ છે.’
હેલ્થ સર્વિસમાં 34 વર્ષ સેવા આપ્યાં પછી નિવૃત્ત થયેલાં કંચનબહેન ચાંડેગ્રા ઘેર બેસી ન રહ્યાં, પરંતુ જેમના કોઈ સંગાં કે મુલાકાતી ન હોય તેવા એકલવાયા પેશન્ટ્સને સાથીદાર તરીકે વોલન્ટીઅર સેવા આપવાનું ચાલુ કર્યું હતું. ત્રણ સંતાનના 71 વર્ષીય માતા કંચનબહેન બટરફ્લાય વોલન્ટીઅર ગ્રૂપ સાથે સંકળાયેલા છે જેઓ મૃત્યુ સમીપે પહોંચી ગયેલા અને કોઈના સપોર્ટ વિના કેર હોમ્સમાં ખસેડાવાની રાહ જોતા એકલવાયા પેશન્ટ્સના સાથીદાર તરીકે તેમની પાસે બેસી વાતો કરે છે. તેઓ પોતાની કોમ્યુનિટીમાં જેમની તરફ સપોર્ટ માટે જોઈ શકાય એવી વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેઓ બાળકને સાચવવાથી માંડી અંતિમ સંસ્કારમાં મદદ કરવા સુધી સાથીદાર બની રહે છે. તેઓ કહે છે કે,‘હું આફ્રિકામાં નાની છોકરી હતી ત્યારે મારાં દાદીની સંભાળ લેતી હતી ત્યારથી લોકોની સારસંભાળ લેતી આવી છું. અમે વિશાળ સંયુક્ત કુટુંબમાં સાથે રહેતાં હતાં, જ્યાં એકબીજાની કાળજી લેવાનું શીખવાડાય છે. આ વિશ્વમાં કેટલા બધા લોકો એકલાં રહે છે તેનાથી મારી આંખો ખુલી ગઈ છે.’
કંચનબહેન કિશોરાવસ્થામાં જેમની સાથે પરણ્યાં હતાં તેમની સાથે જ આજે જીવન વીતાવે છે. તેઓ કહે છે કે, ‘કમ્પેનિયનશિપ -સાહચર્યને નિશ્ચિત કરીકે માની લેવાનું સહેલું છે અને દયાળુ, પ્રેમાળ વ્યક્તિ સાથે લગ્ન થવાં બદલ હું સદ્ભાગી છું.’ કંચનબહેને નાની વયે તેમની બહેન મધુને બ્રેઈન ટ્યુમરના કારણે ગુમાવી હતી અને તેમને માતાએ કહેલાં વચનો યાદ છે કે કોઈ વ્યક્તિનું મોત એકલાં ન થવું જોઈએ, ભલે તે બેભાન હોય કે પ્રતિભાવ આપતા ન હોય.
તેઓ માને છે કે,‘મારા ધર્મની એક માન્યતા એવી છે કે લોકો મૃત્યુ ન પામે ત્યાં સુધી કોઈ સ્તરે જાગ્રતાવસ્થામાં હોય છે અને તેમની યાત્રાના આગલા પડાવ સુધી તેમને મદદ કરવી એ જીવંત વ્યક્તિની ફરજ બની રહે છે. હું હંમેશાં પેશન્ટ્સની સાથે બેસું છું અને તેઓ ભાનમાં ન હોય તો તેમનો હાથ પકડી તેમની સાથે વાતો કરું છું અથવા મારાં ફોન પર મ્યુઝિક વગાડું છું. મને એક રાત્રે મેં કેટલાક સપ્તાહો સુધી મુલાકાત લીધી હતી ન તેવા મૃત્યુ સમીપે પહોચેલા પેશન્ટનું સ્વપ્ન આવ્યું હતું. પેશન્ટે મને કહ્યું કે તેઓ વિદાય લઈ રહ્યાં છે અને ફરી કદી મળશે નહિ. મને યાદ છે કે હું પથારીમાં આખી રાત બેસી રહી હતી. બીજા દિવસે મેં પૂછપરછ કરી ત્યારે મને જણાવાયું કે આગલી રાત્રે જ તેમનું અવસાન થયું હતું.’


