એક્સટિંક્શન રિબેલિઅન દેખાવો પર પ્રતિબંધ

Wednesday 16th October 2019 06:06 EDT
 
 

લંડનઃ મેટ્રોપોલીટન પોલીસે સેક્શન ૧૪ ઓર્ડરના ઉપયોગ સાથે એક્સટિન્કશન રિબેલિઅન (XR) પર લંડનમાં કોઈ પણ સ્થળે દેખાવો કરવા માટે પ્રતિબંધ લાદી દીધો છે. સોમવાર રાતથી પોલીસ ઓપરેશનમાં ટ્રફાલ્ગર સ્કવેર તેમજ વિરોધના અન્ય સ્થળોએ દેખાવકારોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. આઠ દિવસથી લંડનને ધમરોળી રહેલા આ પર્યાવરણલક્ષી દેખાવોમાં ૧૪૦૦થી વધુની ધરપકડ કરાઈ છે. જોકે, ક્લાઈમેટ ચેન્જ વિરોધીઓએ પોલીસ કામગીરી છતાં દેખાવો ચાલુ જ રહેશે તેમ જણાવ્યું છે

૧૪ ઓક્ટોબર સોમવારની રાતના નવ પછી લંડનમાં દેખાવો બંધ કરી દેવાનો આદેશ જારી કરાયા પછી પોલીસે ટ્રફાલ્ગર સ્કવેર પહોંચી દેખાવકારોને તેમના તંબુઓ ઉઠાવી લેવાં અને આદેશનું પાલન નહિ કરનારાની ધરપકડ કરાશે તેમ જણાવ્યું હતું. આ સ્થળે પડાવ નાખી રહેલા દેખાવકારો વોક્સોલ પ્લેઝર ગાર્ડનમાં પહોંચી ગયા હતા.

પર્યાવરણવાદીઓએ જણાવ્યું હતું કે કાયદેસરના વિરોધસ્થળ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં શાંતિપૂર્ણ દેખાવો કરવા દેવાની ખાતરીનો પોલીસે ભંગ કર્યો છે. દેખાવકારોએ આ સ્થળ છોડી દેવાની શરૂઆત કરી દીધી હતી. અગાઉ, દેખાવકારોએ સોમવારની સવારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની બહાર ધરણા પર બેસી ટ્રાફિક જામ કરી દેતા સંખ્યાબંધ લોકોની ધરપકડ કરાઈ હતી.

અગાઉ, પર્યાવરણપ્રેમી દેખાવકારોએ ગત ગુરુવારથી લંડન સિટી એરપોર્ટ પર કબજો કરવાના પ્રયાસો કર્યા હતા. દેખાવકારો ડિપાર્ચર અને એરાઈવલ લાઉન્જ પર કબજો જમાવી બેસી ગયા હતા. ઘણાં લોકો ડીએલઆર સ્ટેશન અને ટર્મિનલની બહારના માર્ગોએ ધરણા પર બેઠાં હતાં. પોલીસની હાજરીમાં કેટલાક ચળવળકારો સૂત્રો પોકારતા હતા. આંદોલનના કારણે ડબ્લિન જતી ફલાઇટ રોકવી પડી હતી. જોકે, બે કલાક પછી ફલાઇટ રવાના કરી શકાઈ હતી.

સરકાર ક્લાઈમેટ ચેન્જ મુદ્દે તત્કાળ પગલાં ભરે તેની માગણી સાથે એક્સટિન્કશન રીબેલિઅન ગ્રૂપના દેખાવકારોએ લંડનના માર્ગો પર વ્યવહાર ખોરવી નાખ્યો હતો, જેનાથી ટ્રાફિકને અસર થઈ હતી. મોડેલ ડેઈઝી લોવ, અભિનેત્રી જુલિયેટ સ્ટિવન્સન, અભિનેતા માર્ક રાયલાન્સ, રુબી વેક્સ અને એરિઝોના મ્યુઝ સહિત હાઈ પ્રોફાઈલ સેલેબ્રિટીઝ પણ સામૂહિક દેખાવોમાં સામેલ થયાં હતાં. દેખાવકારોએ ટ્રફાલ્ગર સ્ક્વેર, પાર્લામેન્ટ અને વ્હાઈટહોલની આસપાસના માર્ગો પર વાહનો અને બાઈક્સ ગોઠવી માર્ગો બંધ કરી દીધાં હતાં. તેમણે ‘ટેલ ધ ટ્રુથ’ તેમજ ‘નો કોલ માઈન્સ, નો ફ્રેકિંગ’ સહિતના બેનર્સ ફરકાવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દેખાવકારોએ દેશના સૌથી મોટા મીટ માર્કેટ્સમાં એક ફેરિંગ્ટનસ્થિત સ્મિથફિલ્ડ માર્કેટ પર કબજો જમાવ્યો હતો અને રાતોરાત સ્ટોલ્સ ઉભાં કરી ઓર્ગેનિક ફળો અને શાકભાજીનું વેચાણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter