લંડનઃ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લીઆ (UEA)એ 2025ના સમર ગ્રેજ્યુએશન સમારંભમાં બિઝનેસ, સામાજિક અસર અને સામુદાયિક વિકાસમાં અસાધારણ યોગદાન સંદર્ભે એન્ટ્રેપ્રીન્યોર અને પરગજુ કૂલેશ શાહને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે.
આ સમારંભમાં કૂલેશ શાહે જણાવ્યું હતું કે,‘ UEAએ મારા જીવનને ઘડ્યું છે, મારો દૃષ્ટિકોણ બદલ્યો છે, મને વ્યાપક ફલક આપ્યું છે. મારી કથાના સૌથી મહત્ત્વના પ્રકરણો અસુવિધાજનક હતા. સફળતા તમે જે એકત્ર કરો છો તેના વિશે નથી, પરંતુ અન્યોને કેવી રીતે મદદ કરો છો તે વિશે છે.’
1970ના દાયકાના પૂર્વાર્ધમાં UEA ના વિદ્યાર્થીથી માંડી એવોર્ડવિજેતા સાહસ લંડન ટાઉન ગ્રૂપના સ્થાપક સુધીની કૂલેશ શાહની યાત્રા યાદગાર રહી છે. તેમનું ગ્રૂપ યુએસની બહાર IHG ના પ્રથમ બૂટિક હોટેલ લેન્ડમાર્ક હોટેલ ઈન્ડિગો લંડન પેડિંગ્ટન સહિત રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને હોસ્પિટાલિટી સેક્ટર્સમાં મજબૂત હોલ્ડિંગ્સ ધરાવે છે.
યુકે પોલિટિક્સમાં બ્રિટિશ ભારતીયોનો અવાજ વિસ્તારવા અને યુકે-ભારત સંબંધો મજબૂત બનાવવા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહાધ્યક્ષ કૂલેશ શાહ બિઝનેસ ઉપરાંત, જાહેર સેવા અને સખાવત પ્રત્યે કટિબદ્ધ છે. તેઓ શ્રી ઓરોબિંદો ટ્રસ્ટના અધ્યક્ષ છે અને ઓરોવિલેમાં માતૃમંદિરને પૂર્ણ કરવામાં તેમણે મદદ કરી હતી. તેમનું કુલેશ શાહ ફાઉન્ડેશન યુકે અને વિદેશમાં શિક્ષણ, હેલ્થકેર અને કોમ્યુનિટી પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે. તેમણે પરોપકાર અને હોટેલ ક્ષેત્ર સહિત અનેક એવોર્ડ્સ હાંસલ કર્યા છે.