લંડનઃ લાખો ગ્રાહકોએ જેમના સ્નેક્સ-નાસ્તાનો આસ્વાદ માણ્યો છે તેવા ભારતીય એન્ટ્રેપ્રીન્યોર દિનેશભાઈ પટેલના અવસાનના સમાચાર પ્રસરતા જ શ્રદ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે. કોફ્રેશ સ્નેક ફૂડ્સના 81 વર્ષીય સ્થાપક અને ચેરમેન દિનેશભાઈ પટેલનો જન્મ કેન્યાના થીકામાં 28 જુલાઈ, 1941ના રોજ થયો હતો. તેઓ નરોત્તમભાઈ અને લક્ષ્મીબહેન પટેલના પુત્ર હતા. તેમણે નિકટના પરિવારજનો અને ભાઈબહેનોના સાન્નિધ્યમાં નિવાસસ્થાને જ શાંતિપૂર્વક આખરી વિદાય લીધી હતી. તેઓ પત્ની સવિતાબહેન પટેલ, પુત્રો પ્રિયેશ અને મિનેશ, પુત્રવધૂઓ દિવ્યા અને દર્શના તથા ચાર ગ્રાન્ડચિલ્ડ્રનને વિલાપ કરતા મૂકી ગયા છે.
દિનેશભાઈની ઉદ્યોગસાહસિક કારકીર્દિનો આરંભ કેન્યાના નાઈરોબીમાં 1965થી થયો હતો જ્યાં તેમણે સ્થાનિક સિનેમા અને દુકાનો માટે પોટેટો ચીપ્સ અને પોપકોર્નના ઉત્પાદક કોફ્રેશ-Cofresh ની શરૂઆત કરી હતી તેમણે પત્ની સવિતાબહેન સાથે યુકેમાં સ્થળાંતર કર્યું હતું અને તેમના જીવનની બચતનું રોકાણ લેસ્ટરમાં બંધ પડેલી ફિશ એન્ડ ચિપ્સ શોપની ખરીદીમાં કર્યું હતું. દુકાનની ઉપર જ રહેવા સાથે તેમણે સ્વાદિષ્ટ ભારતીય નાસ્તાના ઉત્પાદન માટે ઘરને જ નાની ઉત્પાદન સુવિધામાં ફેરવી નાખ્યું હતું.
દંપતીના હાથબનાવટના પરંપરાગત મસાલેદાર સીંગ અને લીલા વટાણાને હાથથી જ નાના પાઉચમાં પેક કરીને વેચાણમાં મૂકાયેલા નાસ્તાને ગ્રાહકો અને રીટેઈલર્સે વધાવી લીધો હતો. દંપતીની ભારે મહેનત અને ભારતીય નાસ્તાની માગને પહોંચી વળવાની તેમની કાબેલિયતના લીધે બિઝનેસ વધતો ગયો હતો. આ બે નાની પ્રોડક્ટ્સ વર્તમાન મલ્ટિ મિલિયન પાઉન્ડની બ્રાન્ડ કોફ્રેશની શરૂઆત હતી.
આ બિઝનેસમાં દિનેશભાઈની સાથે તેમના ભાઈઓ પણ જોડાયા હતા અને 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમના પુત્રો પણ જોડાયા હતા. દિનેશભાઈએ નિવૃત્તિની સત્તાવાર વય ક્યારનીય વટાવી લીધી હોવાં છતાં, તેમના કામ કરવાના જોશમાં જરા પણ ઘટાડો થયો ન હતો. તેમણે 70 વર્ષની વયે પત્ની સવિતાબહેન સાથે ભારતમાં 5800 ફૂટ ઊંચાઈના માઉન્ટ કૈલાસનું ચઢાણ કર્યું હતું અને પાછળથી તેમણે 73 વર્ષની વયે લોરોસ હોસ્પિસ માટે સ્કાય ડાઈવિંગ પણ કર્યું હતું!
કોફ્રેશ સ્નેક ફૂડ્સ લેસ્ટરમાં છેલ્લાં 50 વર્ષથી પરિવારની માલિકીનો બિઝનેસ છે તેમજ લેસ્ટર અને નૂનેટોનની સાઈટ્સ પર 250થી વધુ લોકો તેમાં કાર્યરત છે. કંપનીનું વિસ્તરણ ભારે આશ્ચર્યજનક રહ્યું છે. નાસ્તાના પ્રાદેશિક સપ્લાયરમાંથી હવે તેણે આંતરરાષ્ટ્રીય પગપેસારો કર્યો છે જેમાં કોફ્રેશ અને ઈટ રિયલ બ્રાન્ડ્સ વિશ્વમાં 60થી વધુ દેશમાં એક્સપોર્ટ થાય છે.
દિનેશભાઈનું અવસાન થવાથી શોકની લાગણી ફેલાઈ છે તેમજ કોમ્યુનિટીના અગ્રણી સભ્યો તેમના અનુભવોને દર્શાવવા અને પરિવારને દિલસોજીના સંદેશાઓ પાઠવવા આગળ આવ્યા છે.
કમલેશ પુરોહિતે જણાવ્યું હતું કે,‘આજે આપણે વાસ્તવમાં અસાધારણ વ્યક્તિની વિદાયનો શોક વ્યક્ત કરી રહ્યા છીએ. હું તેમનાથી વધુ નમ્ર, ઉદાર અને કરુણાસભર હૃદયના માનવીને કદી મળ્યો નથી. તેમણે મારી માતાને બહેન તરીકે અપનાવી હોવાથી તેઓ હંમેશાં અમારા માટે દિનેશમામા જ હતા. તેઓ બ્રિટિશ એશિયન કોમ્યુનિટી માટે અભૂતપૂર્વ આદર્શ સમાન હતા. તેમણે આ વારસો તેમના પુત્રો પ્રિયેશભાઈ અને મિનેશને સુપરત કર્યો છે. આ સમગ્ર દેશ માટે પૂરાય નહિ તેવી મોટી ખોટ છે.’
ઉદય ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘ શ્રી દિનેશભાઈ પટેલના અવસાનથી ઘણો આઘાત લાગ્યો છે. તેઓ તદ્દન વિનમ્ર માનવી હતી, વાસ્તવિકતામાં જીવતા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ, શાણા સલાહકાર, ઉદાર અને પ્રેમાળ માનવી હતા. મારા માટે મહાન મેન્ટર અને પૂજનીય જ્ઞાની વડીલ હતા.’
યતિન કોટકે કહ્યું હતું કે,‘મારા પિતાતુલ્ય કાકા શ્રી દિનેશભાઈ પટેલના દુઃખદ અને આકસ્મિક અવસાનથી હું સ્તબ્ધ થઈ ગયો છું. તેમની વિદાયથી અમારા જીવનમાં ભારે શૂન્યાવકાશ સર્જાશે. તેઓ અતુલનીય વિઝનરી નેતા હતા જેમણે ઘણી ભૂમિકાઓ ભજવી છે અને ઘણા લોકોના જીવનને અસર પહોંચાડી છે. તેઓ દરેકને એક સાથે લાવનારા મહાન માનવી હતા, તેઓ કદી પોતાને અન્યો પર લાદતા નહિ અને દેખાડો કર્યા વિના જરૂરિયાતના સમયે હંમેશાં પડખે ઉભા રહેનારા માનવી હતા. હું ગર્વપૂર્વક કહીશ કે તેમના કાર્ય, રીએક્શન્સ અને સોથી વધુ તો તેમની ઉપસ્થિતિમાં પ્રેમ જ છલકાતો હતો.’


