એમપી શૈલેશ વારાના પિતા લખમણભાઈ અરજણભાઈ વારાનું દુઃખદ અવસાન

Wednesday 25th January 2023 05:51 EST
 
 

MP શૈલેશ વારાના વહાલસોયા પિતા લખમણભાઈ અરજણભાઈ વારાનું 98 વર્ષની પાકટ વયે દુઃખદ અવસાન થયું છે.તેમણે પોતાના સ્નેહીજનોથી વીંટળાયેલા રહી યુકેના લંડનસ્થિત નિવાસસ્થાને 10 જાન્યુઆરી 2023ના રોજ દુનિયામાંથી શાંતિપૂર્વક વિદાય લીધી હતી.

શ્રી લખમણભાઈ અરજણભાઈ વારાનો જન્મ ભારતના ગુજરાતમાં પોરબંદર નજીક રાણાવાવ ખાતે 7 સપ્ટેમ્બર, 1924ના દિવસે થયો હતો. તેઓ રાણીબહેન અને અરજણભાઈ વારાના પનોતા પુત્ર હતા. તેમણે સુથારીકામમાં કુશળતા પ્રાપ્ત કરી હતી અને 19 વર્ષની વયે ભારતથી જહાજમાં કેન્યાના મોમ્બાસા પહોંચ્યા હતા. તેમણે થોડો સમય કેન્યામાં કામ કર્યું હતું અને ત્યાંથી યુગાન્ડાના કાકીરા પહોંચ્યા હતા જ્યાં તેમણે માધવાણી પરિવાર સાથે કામ કર્યું હતું. તેમણે કેન્યાના કિટાલેમાં રહેતા મેરામણ ગાઢેરના પુત્રી સવિતાબહેન સાથે લગ્ન કર્યા હતા.

પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે અને પરિવારું ભવિષ્ય બહેતર બની રહે તેમ ઈચ્છતા શ્રી લખમણભાઈએ યુગાન્ડાથી યુકેમાં સ્થળાંતર કર્યું હતું. તેઓ 1964માં યુકેના બર્મિંગહામમાં આવ્યા હતા અને ત્યાં તેમણે સુથાર-મિસ્ત્રી તરીકે કામ કર્યું હતું. આ પછી તેઓ આઈલ્સબરી અને તે પછી લંડનમાં ગોલ્ડર્સ ગ્રીન ખાતે રહેવા ગયા હતા.

શ્રી લખમણભાઈ અને સવિતાબહેનના ચાર સંતાનો- રંજના, જયંતિલાલ, મીનાક્ષી અને શૈલેશ છે. સૌથી મોટી દીકરી રંજનાએ અગાઉ આઈલ્સબરીમાં 15 વર્ષ સુધી એશિયન એલ્ડરલી સેન્ટરનું સંચાલન કર્યું હતું. જયંતિલાલ અને મિનાક્ષીએ સોલિસિટર તરીકે લાયકાત હાંસલ કરી અને વારા એન્ડ કંપનીની સોલિસિટર્સ પ્રેક્ટિસ કરે છે. ચોથા અને સૌથી નાના સંતાન શૈલેશે પણ સોલિસિટર તરીકે તાલીમ લીધી હતી અને 2005માં કન્ઝર્વેટિવ પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા. શૈલેશ વારા પાંચ વખત પાર્લામેન્ટમાં ચૂંટાયા છે અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ સહિત વિવિધ મિનિસ્ટ્રીઅલ હોદ્દાઓ ધારણ કર્યા છે.

શ્રી લખમણભાઈ પ્રેમાળ પતિ, પિતા, દાદા અને મોટા દાદાજી હતા. પરિવાર દ્વારા કરાયેલા નિવેદનમાં શ્રી લખમણભાઈનું ‘પોતાના સુંદર ,સ્મિત, ઉષ્મા, અદારતા અને નમ્રતા સાથે અનેકના જીવનને સ્પર્શી લેનારા દિવ્ય આત્મા’ તરીકે વર્ણન કરાયું છે. ‘તેમણે પ્રેમ, સ્નેહ, દયાળુતાથી પરિપૂર્ણ જીવન સારી રીતે વ્યતીત કર્યું છે. તેઓ સર્વદા અમારા હૃદયમાં જીવંત રહેશે.’

આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ પરિવાર શ્રી લખમણભાઈના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય અને આ દુઃખદ અવસાનથી પડેલી ખોટને સહન કરવા પરિવારજનોને શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે.

આ દુઃખદ સમયે પરિવારની પ્રાઈવસીનો આદર થાય અને ઘરની મુલાકાત ન લેવાય તેમ પરિવારની ઈચ્છા છે. જેઓ અંગત દિલસોજી વ્યક્ત કરવા ઈચ્છતા હોય તેઓ નીચે દર્શાવ્યા મુજબ ઈમેઈલ કરી શકે છે.

Email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter