એર ઈન્ડિયા ફ્લાઈટમાં શરાબ માટે ઝઘડો કરનારાં મહિલા બેરિસ્ટરનો મૃતદેહ મળ્યો

Wednesday 10th July 2019 03:14 EDT
 
 

લંડનઃ ગયા વર્ષે એર ઈન્ડિયાની મુંબઈથી લંડનની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી દરમિયાન વધુ શરાબ આપવાના ઈનકાર પછી એર ઈન્ડિયાના કેબિન ક્રૂ સાથે બોલાચાલી અને મારઝૂડ બદલ જેલભેગાં કરાયેલાં હ્યુમન રાઈટ્સના ૫૦ વર્ષીય મહિલા વકીલ સિમોન બર્ન્સ જેલમાંથી છૂટ્યાંના ૧૩ દિવસ પછી બીચી હેડ ખાતે મૃત હાલતમાં મળ્યાં હતાં. તેમણે આપઘાત કર્યો હોવાનું મનાય છે. સિમોન બર્ન્સને વિમાનના સ્ટાફની રંગભેદી ટીકા અને તેમના પર થૂંકવાં બદલ ગયા એપ્રિલમાં છ મહિનાની કેદની સજા થઈ હતી. ગત ૨૦મેએ તેમને લાયસન્સ પર બ્રોન્ઝફિલ્ડ વિમેન્સ જેલમાંથી છોડાયાં પછીના ૧૩ દિવસે ઈસ્ટ સસેક્સમાં પહાડની તળેટીમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો.

નામ જાહેર ન કરવાની શરતે એક મિત્રે કહ્યું હતું, ‘દોષી ઠર્યાં પછી તેમનાં જીવનમાં ભારે મુશ્કેલી આવી હતી અને ફ્લાઈટમાં કરેલાં ઝઘડા અને વર્તનની ચાર મિનિટની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેઓ ઈન્ટરનેટ ટ્રોલનું લક્ષ્ય બન્યાં હતાં.’ તેઓ ૧૯૯૨માં બારમાં જોડાયા હતા અને તેમણે વિશ્વભરના શરણાર્થીઓ સાથે કામ કર્યું હતું. બર્ન્સને ૧૮ વર્ષ અગાઉ સ્કીન કેન્સરનું નિદાન થયું હતું. બેલફાસ્ટમાં જન્મેલા અને ઓ બ્રોઈન અટકનો પણ ઉપયોગ કરતા બેરિસ્ટરે વિમાનમાં શરાબ પીધાનું અને હુમલો કર્યો હોવાનું કબૂલ્યું હતું. વિમાનમાં તેમને વાઈનની ત્રણ નાની બોટલ અપાઈ હતી.

સસેક્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બીચી હેડ ખાતે પહેલી જૂને મળેલા મહિલાના મૃતદેહની ઓળખ હોવના સિમોન બર્ન્સ તરીકે થઈ છે. જોકે, તેમનું મૃત્યુ શંકાસ્પદ ગણાયું નથી અને નિકટના સગાંને જાણ કરાઈ છે. આ મામલો કોરોનરના ઓફિસરને સોંપાયો છે.

વધુ શરાબ આપવાનું નકારાતાં સિમોન બર્ન્સ ગાળાગાળી સાથ બૂમો પાડી હતી તેનો વીડિયો ઉતારાયો હતો. તેમણે વિમાનના શૌચાલયમાં ત્રણ વખત સિગારેટ સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગયા એપ્રિલમાં આઈલવર્થ ક્રાઉન કોર્ટમાં વીડિયો દર્શાવાયો ત્યારે તેઓ માથે હાથ દઈને બેસી ગયાં હતાં. તેમના વકીલે કહ્યું હતું કે તેમને આ ઘટના યાદ નથી અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા પછી તેમને મોતની ધમકી મળી હતી. વધુ ઊંચાઈ, શરાબનું સેવન તેમજ કાકાનું ફ્યુનરલ ચૂકી જવાય તેની ચિંતાના લીધે આવું કૃત્ય કર્યાનો દાવો કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter