એશિયન એચિવર્સ એવોર્ડ્સથી પોંખાયા નીરજા બિરલા, રિશિ રિચ અને તાજ ફૂડ્સ

બ્રિટિશ એશિયન ચેન્જમેકર્સની સિદ્ધિઓ નિહાળવાની અદ્ભૂતઃ પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મરઃ 23મા એવોર્ડ સમારંભ માટે 500થી વધુ નોમિનેશન્સ મળ્યાઃ

Wednesday 01st October 2025 06:22 EDT
 
 

લંડનઃ બિઝનેસ અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં બ્રિટિશ એશિયનોની સિદ્ધિઓને બિરદાવતા સૌથી અગ્રેસર અને દીર્ઘકાલીન 23મા એશિયન એચિવર્સ એવોર્ડ્સનું આયોજન શુક્રવાર 19 સપ્ટેમ્બરે લંડનમાં કરવામાં આવ્યું હતું. એવોર્ડ્સ સમારંભમાં બિલિયોનેર્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ અને બિઝનેસ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ્સ માટે સમગ્ર યુકેમાંથી 500થી વધુ નોમિનેશન્સ આવ્યાં હતા અને આ ઈવેન્ટ યુકેમાં સૌથી પ્રતિષ્ઠિત અને આદરપાત્ર સાઉથ એશિયન એવોર્ડ્સ હોવાની પોઝિશન આ સમારંભ દ્વારા પ્રસ્થાપિત થઈ હતી.

એવોર્ડવિજેતાઓમાં નીરજા બિરલા (આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના બિલિયોનેર સ્થાપક અને ચેરપર્સન), ઈન્ધુ રુબાસિંઘમ MBE (નેશનલ થીએટરના આર્ટિસ્ટિક ડાયરેક્ટર), સની સિંહ ગિલ (પ્રીમિયર લીગમાં  સૌપ્રથમ બ્રિટિશ સાઉથ એશિયન રેફરી) અને પ્રોફેસર સેલ્વા પંકજ (રીજેન્ટ ગ્લોબલના CEO)નો સમાવેશ થયો હતો. તાજ ફૂડ્સ બ્રાન્ડના નિર્માણ માટે જીમલ, નિશલ અને દેવિક સોલંકી  તેમજ માનવતાવાદી કાર્યો માટે સૈયદ મુહમ્મદ ફૈઝલ સામી ઉપરાંત, અગ્રણી હાઈ સ્ટ્રીટ બ્રાન્ડ B&M સ્ટોર્સની સફળ એક્ઝિટ પછી સિમોન અરોરા, મીડિયામાં વૈવિધ્યપૂર્ણ યોગદાન માટે એમ્બ હાશમી તેમજ NHSમાં માથા અને કેન્સરની સારવારમાં નેતૃત્વ સંભાળવા માટે મૌલિક દરજીને એવોર્ડ્સથી પોંખવામાં આવ્યા હતા. એશિયન-R&B ફ્યુઝનના પ્રણેતા તરીકે સંગીતક્ષેત્રને દાયકાઓ લાંબા યોગદાન બદલ મ્યુઝિક પ્રોડ્યુસર રિશિ રિચને વિશિષ્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. યુકેમાં ગત ચાર દાયકાથી રેડિયો બ્રોડકાસ્ટિંગમાં સૌથી પ્રખ્યાત ગણાયેલા રવિ શર્માને વિશિષ્ટ એવોર્ડ સાથે ઈન્ડસ્ટ્રીમાં તેમના 50 વર્ષની સહર્ષ સ્વીકૃતિ મળી હતી.

ઈવેન્ટના ઓર્ગેનાઈઝર અને EPGના મેનેજિંગ ડાયરેક્ટર પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે,‘ બ્રિટન અનેક મોરચે  રાજકીય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ સાઉથ એશિયનોએ ફરી એક વખત રાષ્ટ્રનિર્માણમાં તેમની સ્થિતિસ્થાપકતા અને યોગદાન આપવાની ક્ષમતાને પ્રદર્શિત કરી છે. આપણે બ્રિટનને કેવી રીતે શ્રેષ્ઠ યોગદાન આપીએ છીએ તે એવોર્ડના વિજેતાઓએ હાઈલાઈટ કરેલ છે. પરંતુ, સૌપ્રથમ વખત અમારી ટુંકી યાદીમાં સ્થાન મેળવેલા ઘણા નોંધપાત્ર એન્ટ્રેપ્રીન્યોર્સ દ્વારા બ્રિટનમાં તેમના બિઝનેસીસનું નિર્માણ કરાયું હતું, પરંતુ તાજેતરમાં તેઓ દુબઈ સ્થળાંતર કરી ગયા છે. બ્રાન્ડ બ્રિટન સામે આ જોખમનું પોલિસીમેકર્સે તત્કાળ નિવારણ કરવું આવશ્યક છે.’

પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આજે આપણે બ્રિટનમાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઈનોવેશન્સ જોઈએ છીએ તેમાંથી ઘણાં પાછળનો ડ્રાઈવિંગ ફોર્સ બ્રિટિશ એશિયનો છે. આથી જ, EPG ટીમ દ્વારા આજે રાત્રે આટલી મોટી સંખ્યામાં જાહેર જીવન, કોમ્યુનિટી સર્વિસ, આર્ટ્સ, કલ્ચર, બિઝનેસ, ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં યોગદાન આપનારા બ્રિટિશ એશિયન ચેન્જમેકર્સને સન્માનિત કરી બિરદાવાયા છે તે નિહાળવાનું અદ્ભૂત લાગે છે.’

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે પણ આ લાગણીઓને પડઘો પાડતાં જણાવ્યું હતું કે, ‘આ ઈવેન્ટ બિઝનેસ અને પબ્લિક લાઈફથી માંડી સાયન્સ અને આર્ટ્સ સુધી સમાજના દરેક સ્તરે તમે જે યોગદાન આપો છો તેની ઊજવણી છે.’

લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવીએ જણાવ્યું હતું કે,‘23માં વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સના તમામ નોમિનીઝને અભિનંદન પાઠવતા મને ઘણો જ આનંદ થાય છે. તમારી સમર્પિતતા અને સિદ્ધિઓ અમારા સહુ માટે પ્રેરણાદાયક છે.’

આ ઈવેન્ટનું આયોજન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે), લક્ઝરી ઈન્ટિરિયર ડેકોરેટર્સ હિલ હાઉસ ઈન્ટિરિયર્સ, ડ્રિન્ક્સ પાર્ટનર ખોકી યુનાઈટેડ, થિન્ક ટેન્ક બ્રિજ ઈન્ડિયા તેમજ અન્યોના સહકાર સાથે એડવાઈઝરી ફર્મ EPG દ્વારા કરાયું હતું.

આ સાંજનું સંચાલન અભિનેતા નીતિન ગણાત્રા OBE અને સ્કાય ન્યૂઝના પ્રેઝન્ટર અનિલા ધામી દ્વારા કરવામાં આવ્યું હતું. માર્વેલ્સની ફિલ્મ ધ એટર્નલ્સ માટે કોરિયોગ્રાફી કરનારા નીલિકા બોઝ દ્વારા રેડ કાર્પેટ યજમાની કરાઈ હતી. ઈવેન્ટના પરફોર્મર્સમાં ભારતીય-કેનેડિયન ગાયક રાઘવ, સ્ટેન્ડ અપ કોમેડિયન એહસાન અકબર તેમજ ગિનેસ રેકોર્ડધારક એક્રોબેટ ક્લોડી ડાબ્કીવિશ્ઝનો સમાવેશ થયો હતો. સૌથી ખ્યાતિપ્રાપ્ત વૈશ્વિક ભારતીય ગાયકોમાં એક રાઘવના ડેબ્યુ આલ્બમ ‘સ્ટોરીટેલર’ની 1.4 મિલિયનથી વધુ નકલો વેચાઈ હતી અને તેના થકી રાઘવને MOBO એવોર્ડ, બે યુકે એશિયન મ્યુઝિક એવોર્ડ્સ, એક અર્બન મ્યુઝિક એવોર્ડ અને ચાર યુકે નેશનલ ટોપ 10 સીંગલ્સ પ્રાપ્ત થયાં હતાં.

 

વિજેતાઓની સંપૂર્ણ યાદીઃ

એચિવમેન્ટ ઈન આર્ટ એન્ડ કલ્ચરઃ ઈન્ધુ રુબાસિંઘમ MBE

એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસઃ સૈયદ મુહમ્મદ ફૈઝલ સામી

એચિવમેન્ટ ઈન મીડિયાઃ એમ્બ હાશમી

બિઝનેસ પર્સન ઓફ ધ યરઃ પ્રોફેસર સેલ્વા પંકજ

એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યરઃ જીમલ, નિશલ અને દેવિક સોલંકી

પ્રોફેશનલ ઓફ ધ યરઃ મૌલિક દરજી

વુમન ઓફ ધ યરઃ નીરજા બિરલા

સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરઃ સની સિંહ ગિલ

લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડઃ સિમોન અરોરા

સ્પેશિયલ એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ટુ મ્યુઝિકઃ રિશિ રિચ

સ્પેશિયલ એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ટુ બ્રોડકાસ્ટિંગઃ રવિ શર્મા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter