લંડનઃ વ્યંજનો કે વાનગીઓ પ્રત્યે પ્રેમ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને પોતાની સંસ્કૃતિઓની સાથે પારિવારિક પરંપરાઓ જાળવવાની વાત આવતી હોય ત્યારે એશિયન અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વિશિષ્ટ સંબંધ ધરાવે છે. લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સોમવાર, ચોથી નવેમ્બરે આયોજિત એશિયન જ્યુઈશ બિઝનેસ નેટવર્ક (ABJN)ના સૌપ્રથમ ઉદ્ઘાટનકીય ઈવેન્ટમાં આ સમાનતાઓ કદાચ સૌથી સારી રીતે જોવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજકારણ, બિઝનેસ તેમજ કાયદાક્ષેત્ર ઉપરાંત, વિવિધ વર્ગોમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત સભ્યોમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશલ ડેવલપમેન્ટ આલોક શર્મા MP, ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ, કોબ્રા બિયરના ચેરમેન અને સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયા, ટ્રાવેલેક્સના સ્થાપક અને ચેરમેન ઓફ ડોડલ સર લોઈડ ડોર્ફમાનCBE, ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશનના ઝાકી કૂપર, BBC News ના ઈકોનોમિક્સ એડિટર ફૈઝલ ઈસ્લામ અને ક્રિકેટર મોન્ટી પાનેસર સહિતનો સમાવેશ થયો હતો. આ વિશિષ્ટ બિઝનેસ નેટવર્કનો જન્મ સ્પ્રિંગ એડ કન્સલ્ટન્સીના ડાયરેક્ટર રસેલ બાહર અને જ્યુઈશ ન્યૂઝના ન્યૂઝ એડિટર જસ્ટિન કોહેનની કલ્પનામાંથી થયો છે. આ કોર્પોરેટ નેટવર્કના સમારંભમાં બંને કોમ્યુનિટીમાંથી ૪૦૦થી વધુ સભ્યો એકત્ર થયા હતા.
ફ્રેન્કફર્ટ, સ્ટોકહોમ અને લંડનમાં બેન્કિંગક્ષેત્રે વરિષ્ઠ હોદ્દાઓ પર કામગીરી ઉપરાંત, યુકેમાં મસાલા બોન્ડ્સનો પ્રવેશ કરાવવામાં ભૂમિકા ધરાવતા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશલ ડેવલપમેન્ટ અને સાંસદ આલોક શર્મા માનવતાવાદી સહાયની જરૂરિયાતો ધરાવતા દેશો માટે ખાનગી એન્ટરપ્રાઈઝીસ પાસેથી રોકાણો અને સપોર્ટ મેળવવા માટે કાર્યરત છે.
સાંસદ શર્માએ ચાવીરુપ પ્રવચનમાં થોડા વર્ષો અગાઉ તેઓ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાનો સહસ્થાપક હતા ત્યારે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલમાં મિત્રો સાથેની વાતચીતમાં બ્રિટિશ ભારતીય અને યહુદી ડાયસ્પોરા વચ્ચે દ્વિપક્ષી વેપારને પ્રોત્સાહન, બિઝનેસના સંવર્ધન તેમજ ગાઢ સંપર્કોને ઉત્તેજન આપવા વધુ શું કરી શકાય તેની ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બે કોમ્યુનિટીઓ રાષ્ટ્રપ્રેમ, પરંપરા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાના મૂલ્યોમાં પણ સહભાગિતા ધરાવે છે. રાજકારણ હોય કે બિઝનેસ, આ બંને કોમ્યુનિટીના વ્યક્તિઓએ યુકેના આર્થિક અને સાંસ્કૃતિક પોતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે પણ બંને કોમ્યુનિટીઓનાં પ્રદાનની પ્રશંસા કરી તેમને સાથે લાવવાના વિચારને ઘણો સારો ગણાવ્યો હતો.
કોબ્રા બિયરના ચેરમેન અને સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ સફળતાની યાત્રામાં પોતાનો અનુભવ જણાવ્યો હતો. પરિવારે તેમને ચેતવણી આપી હતી કે ‘યુકેમાં ઈમિગ્રન્ટ તરીકે કદી ઊંચે જઈ નહિ શકો. તેઓ સાચા હતા પરંતુ, મારી નજર સામે આ સ્થિતિ બદલાતી જોઈ છે. હવે આ દેશમાં વંશ, વર્ણ, ધર્મ કે પશ્ચાદભૂને ધ્યાને લીધા વિના કોઈ પણ સફળ બની શકે છે.’
આયોજક રસેલ બાહર ૨૦૨૦માં વધુ એક કાર્યક્રમનું આયોજન કરવાના હોવા્નું મનાય છે. વધુ એન્ટ્રેપ્રીન્યોર્સે નેટવર્ક સાથે જોડાવાનો રસ દર્શાવ્યો છે. તેમણે કાર્યક્રમની સફળતા માટે જસ્ટિન કોહેન અને ઝાકી કૂપરનો વિશેષ આભાર માન્યો હતો. ફોરેન એક્સેન્જ કંપની Currencies Direct અને કાનૂની પેઢી Axiom Stone Solicitors ઈવેન્ટના મુખ્ય સ્પોન્સર હતા.