એશિયન વોઈસના પૂર્વ એડિટર અને કટારલેખક ડો. પ્રેમેન એડ્ડીનું નિધન

ડો ગૌતમ સેન Wednesday 22nd January 2020 04:24 EST
 
 

લંડનઃ પ્રખર બૌદ્ધિક, ઈતિહાસકાર, લેખક, એશિયન વોઈસના પૂર્વ એડિટર અને કટારલેખક ડો. પ્રેમેન એડ્ડીનું ૨૦૨૦ની ૧૫ જાન્યુઆરીની સવારે ૮૨ વર્ષની વયે કોલકાતાના નર્સિંગ હોમમાં નિધન થયું હતું. બંગાળની ભૂમિએ રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદથી બંકિમચંદ્ર ચેટરજી અને સત્યજિત રાય જેવા મહાન સર્જકો અને બૌદ્ધિકોને જન્મ આપ્યો છે. પરંતુ, કોલકાતાના વિશાળ વ્યોમમાં જે તારલાઓ ચમકી રહ્યા હતા તેમાં ડો. પ્રેમેન એડ્ડીનો પણ સમાવેશ થાય છે.

ડો. પ્રેમેન વિશાળ વાચન અને અદ્ભૂત સ્મરણશક્તિ સાથે અસંખ્ય ઐતિહાસિક હકીકતો તત્કાળ કહેવાની ક્ષમતા ધરાવતા હતા. તેમની સાથે અસંખ્ય વાતચીતો દરમિયાન હું તેમનો ઈતિહાસનો વિદ્યાર્થી બની રહેતો હતો. રશિયા અને તેના સમાજવાદી અવતાર, ચીન અને ચોક્કસપણે યુનાઈટેડ કિંગ્ડમ અને ભારત વિશે તેમનું જ્ઞાન અગાધ હતું. તેઓ સાહિત્ય અને કવિતાના જ્ઞાનસરોવર સમાન હતા. તેઓ વી.એસ. નાયપોલ સહિત આધુનિક મહાન લેખકોના ચાહક હતા. ઈતિહાસવિદ્ વિક્ટર કેઈર્નાન અને કવિ ફૈઝ અહમદ ફૈઝ જેવા મહાન વિચારકો અને લેખકો તેમના અંગત મિત્રો અને પરિચિતો હતા. કલકત્તા ટેલીગ્રાફ, ઈન્ડિયા વીક્લી, એશિયન વોઈસ અને અન્ય ઘણા પ્રકાશનોમાં પ્રસિદ્ધ તેમની કોલમોમાં અગણિત વિષયો પર શિષ્ટ ગદ્ય અને તીક્ષ્ણ ઊંડાઈ સાથે વિદ્વતાપૂર્ણ વિષ્લેષણોના વાચકો ડો. પ્રેમેનને કદી ભૂલી શકશે નહિ.

પ્રેમેન શરૂઆતમાં ટ્રોટસ્કીવાદથી આકર્ષાયા હતા અને તેના બ્રિટિશ હાઉસ જર્નલ ‘ધ ન્યૂ લેફ્ટ રીવ્યૂ’ સાથે સંકળાયેલા હતા. જોકે, તેઓ પાછળથી ટ્રોટસ્કીના ઐતિહાસિક મહત્ત્વ વિશે શંકાશીલ બની રાજકીય ચતુરાઈ અને નાઝીવાદને પરાજિત કરવામાં અદ્વિતીય ભૂમિકા બદલ જોસેફ સ્ટાલિનને પસંદ કરતા થયા હતા. જોકે, તેઓ કદી માઓવાદના આકર્ષણમાં લપેટાયા નહિ. તાજેતરના વર્ષોમાં શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની પ્રગતિને તેમણે આવકારી હતી પરંતુ, તેમની વૈચારિક દિશા બાબતે બેચેન હતા.

લંડનમાં તેઓ ઈન્ડિયા વીક્લીના એડિટર તરીકે ઈકબાલ સિંહના અનુગામી બન્યા હતા. બ્રિટિશ મીડિયામાં ભારત વિરુદ્ધ બદનામીપૂર્ણ ખોટી રજૂઆતો સામે અવાજ ઉઠાવનાર નીરિક્ષક (Scrutator) તરીકે તેમની તીખી કલમ નોંધપાત્ર બની રહી હતી. એક કાબેલ સર્જન ચોકસાઈ અને કાળજી સાથે વાઢકાપ કરે તે રીતે છટાદાર અને તાર્કિક સાહિત્યિક ગદ્યમાં તેમની લેખિનીથી બચ્યા હોય તેવા ઘણાં ઓછાં ઈન્ટરલોક્યુટર્સ હતા. બ્રિટિશ મીડિયાના ટીકાકાર રહેવા છતા તેઓ બ્રિટિશ સમાજના ઘણા પાસાના પ્રશંસક પણ હતા. ડો. પ્રેમેન એડ્ડી ઓક્સફર્ડમાં કેલોગ કોલેજમાં ઈતિહાસ ભણાવતા હતા અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હતા. તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં સેન્ટર ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના વિઝિટિંગ ફેલો પણ હતા. તેઓ ૨૦૦૮માં નિવૃત્ત થઈ કોલકાતામાં વસ્યા હતા.

કલકત્તાની સેન્ટ પોલ કોલેજના દિવંગત પ્રિન્સિપાલ પ્રોફેસર કે.સી. એડ્ડીના પુત્ર પ્રેમેનનો જન્મ ૧૯૩૮ની ૨૬મી જૂને થયો હતો. તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સ્પોર્ટ્સના ચાહક હતા. તેમણે ૧૯૬૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેલ્વીન કોલેજમાં ઈતિહાસનો અભ્યાસ કર્યો અને સ્કૂલ ઓફ ઓરીએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાંથી પીએચ.ડી કર્યું અને તિબેટ વિશે ભારતમાં પ્રખર નિષ્ણાત તરીકે સન્માન હાંસલ કર્યું હતું. પ્રેમેન આધુનિકતાના ઉત્સાહી જવાહરલાલ નેહરુ પ્રત્યે કુણી લાગણી ધરાવતા હતા.

ડો, પ્રેમેનની દેખીતી ઓળખ ક્રિશ્ચિયન હોવાં છતાં લંડન કમિટીના મેગેઝિનમાં દુર્ગા પૂજાના અર્થ વિશે પરિચય લખવાનું કાર્ય તેમને સોંપાતું હતું. ઘણી વખત તેઓ હિન્દુ મિથને ક્વોટ કરી મને આશ્ચર્યમાં મૂકી દેતા હતા. ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલની માફક તેઓ નાસ્તિક હોવાં છતાં હૃદયના ઊંડાણથી ધાર્મિક હતા. બૌદ્ધિક લડવૈયા પ્રેમેન એડ્ડીએ કોલકાતાને નવી ઓળખ આપી છે. અસામાન્ય અભ્યાસ, જ્ઞાન અને અગાધ માનવતાથી કોલકાતાના ધૂંધળા આકાશને તેજરેખાથી ચમકાવનાર ડો. પ્રેમેનના નિધનથી શહેરને ભારે ખોટ પડી છે.

(લેખક લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં બે દાયકાથી વધુ સમય ઈન્ટરનેશનલ પોલિટિકલ ઈકોનોમીના પ્રોફેસર રહ્યા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter