એશિયન સમુદાય પર વધી રહેલા રંગભેદી હુમલા

રુપાંજના દત્તા Wednesday 05th April 2017 07:16 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટે બ્રિટનનો કાળો ચહેરો દુનિયા સમક્ષ લાવી દીધો છે. તેઓ ફરી ૬૦ના દાયકામાં જતા રહ્યા છે જ્યારે ઈમિગ્રન્ટ્સનો તિરસ્કાર કરાતો અથવા ધોળા દિવસે તેમના પર હુમલા થતા હતા. પોલીસે સ્વીકાર્યું છે કે ગયા વર્ષે યુકેએ ઈયુ સાથે છેડો ફાડવાનો મત જાહેર કર્યો તે પછી રંગભેદી હિંસામાં ઓછામાં ઓછાં ૪૧ ટકાનો ઊછાળો આવ્યો છે. આ ચર્ચામાં ઈમિગ્રેશન મુદ્દાની ચાવીરુપ ભૂમિકા છે અને ઈયુ છોડવાના નિર્ણયથી રંગદ્વેષીઓનો આત્મવિશ્વાસ વધ્યાની દલીલ પણ થઈ છે. જનમત પછી, પોલીશ વ્યક્તિની હત્યા સહિત સેંકડો હેટ ક્રાઈમ્સની તપાસ કરાઈ છે અને પોલીસ અનુસાર હુમલાની ઘણી ઘટનાઓ રિપોર્ટ જ કરાતી નથી. એશિયન પરિવારો આવતી કાલે શું થશે તેની ચિંતા સાથે જીવન ગુજારે છે.

ધાર્મિક નેતાઓએ અસંખ્ય બેઠકો યોજી શાંતિ અને એકતાના સંદેશાનો પ્રસાર કર્યો છે. જોકે, તેમની પ્રાર્થનાઓ બહેરા કાને અથડાય છે. વાસ્તવમાં આ શનિવારે અતિ-જમણેરી ઈંગ્લિશ ડિફેન્સ લીગ અને બ્રિટન ફર્સ્ટના ૧૦૦થી ૨૫૦ જેટલા સંયુક્ત દેખાવકારોએ લંડનના માર્ગો પર કૂચ કરી હતી. એન્ટિ-રેસિસ્ટ કાર્યકરોના વળતા દેખાવોમાં અથડામણો પણ સર્જાઈ હતી, જેમાં ૧૪ની ધરપકડ કરાઈ હતી.

એન્ફિલ્ડમાં પણ પડોશીઓનો દુર્વ્યવહાર

નોર્થ લંડનના વિન્ચમોર હિલ પર છ વર્ષ સુધી વસવાટ કરનારા પરિવારને પણ અવારનવાર પડોશીઓ દ્વારા રંગભેદી ટીપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. આ વીકએન્ડમાં તો ભારતીય પરિવારનો બાળક તેમના ગાર્ડનમાં મિત્રો સાથે રમતો હતો ત્યારે તેને ધમકીઓ અપાઈ હતી. બાળક તો દોડીને માતા પૂનમ જોશી પાસે આવી ગયો. માતાએ ધમકી આપનારા છોકરાને આ અંગે પૂછ્યું તો તે છોકરાના પેરન્ટ્સ જણાતી બે પુખ્ત વ્યક્તિએ તેમને ખરાબ વ્યવહાર કર્યો અને પરિવારને બૂમો પાડી ‘અમારા દેશમાંથી જતાં રહો’ની ધમકી પણ આપી.

વ્યવસાયે જર્નાલિસ્ટ માતા પૂનમ જોશીએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું કે,‘. મારાં પર હુમલો થયો ત્યારે ઈજા પામેલા મારાં પુત્રને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. તેની આંખમાંથી લોહી પડવા લાગ્યું હતું. આ વિસ્તારમાં જાણીતા દંપતીએ મારાં પર હુમલો કર્યો પરંતુ, અન્ય ગોરા પડોશીઓ તેમને કોઈ ખબર હોવાનું નકારે છે. અમારાં પર આ પહેલો રંગદ્વેષી હુમલો નથી, અમે શું કરીએ? નમી જઈએ? એશિયનોની વધુ વસ્તી હોય ત્યાં રહેવા જઈએ? કે પછી સામનો કરીએ? મારાં ઉઝરડાં તો ભરાઈ જશે પરંતુ, બ્રેક્ઝિટના પરિણામોથી આ દેશના ઘા કેવી રીતે ભરાશે?’

તેમણે ફેસબુક પેજ પર લખ્યું છે કે,‘આવાં લોકો બ્રેક્ઝિટની ઉજવણી કરે છે કારણકે તેમણે કશું ગુમાવવાનું નથી. કામ કરવાની ચિંતા ન હોવાથી તેમણે પોતાની જિંદગી શરાબપાનમાં અને બેનિફિટ્સ ક્લેઈમ કરવામાં જ ગાળી છે અને તેમની ભાવિ પેઢી પણ આ જ શીખશે. બ્રેક્ઝિટ વિશેની તેમની સમજ એટલી જ છે કે જેઓ અહીંના વતની ન હોય તેમનો તિરસ્કાર કરવો. તેઓ શરાબપાન, ડ્રગ્સ લઈને અને બ્રેક્ઝિટ ઉજવવાના સોગંદ લઈ રખડ્યા કરે છે.’

મારો પુત્ર રોતો રોતો મદદ માટે મારી પાસે દોડી આવ્યો ત્યારે તેને ઈજા કરનારા તેમજ તેમના નીચ કાર્યને હું ફોન પર રેકોર્ડ કરી રહી હોવાથી તેમણે મારાં પર પણ હુમલો કર્યો હતો તેમને પોલીસ શોધી રહી છે. મને ખાતરી છે કે તેઓ પકડાઈ જશે. આવાં નકામા માણસોના કારણે હું બીજા વિસ્તારમાં રહેવા જઉં તે શક્ય જ નથી’

આ ગુંડાઓનો ફોન ગાર્ડનમાં પડી ગયો હતો, જે પાછો મેળવવા તેમણે કેટલાક માણસો પણ મોકલ્યા હતા. પૂનમ જોશીએ તેમને ફોન (જે હાલ પોલીસના કબજામાં છે) આપવા ઈનકાર કરતાં તેમણે આક્રમક વલણ દર્શાવ્યું હતું. પૂનમ જોશીને જીવ ભયમાં લાગતા ઝડપથી બારણું બંધ કરી પોલીસને કોલ કર્યો હતો. મેટ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે પરંતુ, હુમલાખોરોને ન્યાયની દેવી સમક્ષ ઉભા રાખવામાં તેઓ સફળ થશે તે અંગે પૂનમ ખાસ આશાવાદી નથી.

ક્રોયડનમાં એસાઈલમ-સીકર તરુણને અધમૂઓ કર્યો

સાઉથ લંડનમાં રાજ્યાશ્રય માગનારા ઈરાનિયન-કુર્દીશ તરુણ પર ઘાતકી રંગદ્વેષી હુમલો કરનારી આઠ વ્યક્તિને પોલીસ શોધી રહી છે. ૧૭ વર્ષીય તરુણ મિત્રો સાથે બસ સ્ટોપ પર ઉભો હતો ત્યારે પુરુષ-સ્ત્રીઓની ગેન્ગે તે ક્યાંનો છે તેવી પૂછપરછ આદરી હતી. તેણે એસાઈલમ-સીકર હોવાનું જણાવતાં જ ગેન્ગ તેની પાછળ પડી હતી અને માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. માથામાં ફટકા અને ખોપરીમાં ફ્રેક્ચર ઉપરાંત, તેના મગજમાં લોહી ગંઠાયું હતું. તેમા મિત્રો બચી ગયા હતા. આ ઘાતકી હુમલો કરનારા આઠને પોલીસ શોધી રહી છે ત્યારે છની ધરપકડ થઈ છે. ક્રોયડનના સાંસદ ગેવિન બારવેલે હુમલાખોરોને ‘બદમાશ’ ગણાવી કહ્યું હતું કે આ લોકો બહુમત મતદારોનું પ્રતિનિધિત્વ કરતા નથી

કોટ્સવોલ્ડમાં ભારતીય દુકાનદાર પર હુમલો

કોટ્સવોલ્ડમાં પોલીશ વિદ્યાર્થીને બચાવવા જતા ભારતીય મૂળના ૩૩ વર્ષીય દુકાનદાર અમો સિંહ પર રંગભેદી હુમલાખોરો તૂટી પડ્યા હતા. તેમણે અમોસિંહને કાર અથડાવી નીચે પાડ્યા હતા. કન્વિનન્સ શોપની બહાર તેમને લગભગ મૃત હાલતમાં છોડી જવાયા હતા પરંતુ, સારા નસીબે તેઓ બચી ગયા છે. ગ્લોસ્ટરશાયરના સ્ટ્રાઉડ ખાતેની ઘટનામાં છ છોકરા અને બે છોકરી મળીને પોલીશ યુવકને મારી રહ્યા હતા. અમોસિંહે તેને બચાવવા પ્રયાસ કર્યો ત્યારે વંશીય હુમલાખોરોના જૂથે ક્રોબાર અને બેઝબોલના બેટ તેમજ લાત અને ધૂંસાથી તેમને માર્યા હતા. આ મારામારી સીસીટીવી ફૂટેજમાં પણ ઝડપાઈ હતી. મિ. સિંહના ૩૩ વર્ષીય પત્ની સેન્ડીએ આ હુમલાને ખૂનના પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.

ટ્રેનમાં પણ રંગદ્વેષી વ્યવહાર

લોયર સાના શાહિદ અને તેમના ચાર વર્ષના પુત્ર સાથે લંડનથી ગ્લાસગો જઈ રહ્યાં હતાં ત્યારે સોલિસિટર એલેકઝાન્ડર મેકકિનોને ફર્સ્ટ ક્લાસમાં તેમની હાજરી ખૂંચતી હોવાનું જણાવી ખરાબ વ્યવહાર કર્યો હતો. વર્જિન ટ્રેન્સના ગાર્ડે મેકકિનોનને ટોક્યા પછી ટ્રેનમાંથી ઉતારી દીધો હતો. મિકકિનોને ગત મંગળવારે કાર્લાઈ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રંગદ્વેષી ગુનાની કબૂલાત કરી હતી. તેને ૧૧૫૪ પાઉન્ડનો દંડ તેમજ મિસિસ શાહિદને ૫૦ પાઉન્ડ વળતર આપવા આદેશ કરાયો હતો.

મેકકિનોને તેને અહીંની વતની ન હોવાનું કહ્યા પછી સાના શાહિદે તેને રેસિસ્ટ કહ્યો હતો અને તેનું ફિલ્માંકન શરૂ કર્યું હતું. ટ્રેનના ગાર્ડે પણ મેકકિનોનનો વ્યવહાર ખરાબ હોવાનું કહી તે રેસિસ્ટ અને શરાબ પીધેલો હોવાનું કહ્યું હતું. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ દ્વારા મેકકિનોનને ટ્રેનમાંથી ઉતારી ન દેવાયો ત્યાં સુધી ગાર્ડ શાહિદની સાથે જ રહ્યો હતો. સાના શાહિદે ટ્વીટર પર ટ્રેન મેનેજરે કરેલી મદદની ભારે પ્રશંસા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter