એશિયન સાહસવીરોની અભૂતપૂર્વ સફળતા સાથે પરોપકારની વૃદ્ધિ

Tuesday 03rd October 2017 15:17 EDT
 
લંડનઃ બ્રિટન તેમજ દરિયાપારના દેશોમાં હિન્દુજા, મિત્તલ, અનિલ અગ્રવાલ તેમજ અન્ય અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર્સના નામ ઘણા જાણીતા છે. ભીખુ અને વિજય પટેલ, જસમિન્દર સિંહ, સર અનવર પરવેઝ સહિત અન્યો પણ તેમના નક્શેકદમ પર ચાલીને મોટી હરણફાળ ભરી રહ્યા છે. પણ હજુ તો ઘણા નામ બાકી છે, કેટલાક જાહેર ક્ષેત્રમાં છે તો કેટલાક નથી. ગ્રાન્ટ થોર્નટન સાથે ધ સન્ડે ટાઈમ્સના રિપોર્ટમાં નોંધપાત્ર વ્યક્તિઓની સાથોસાથ નામ ગજાવી રહેલી મધ્યમ કદની ૨૫૦ સર્વોચ્ચ ફર્મ્સને પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પળ ગૌરવશાળી છે કારણકે તેમાં ભારતીય મૂળના નવરત્નોનો સમાવેશ થયો છે જેમણે ઈતિહાસની દિશા બદલી નાખી છે.
સર્વવિદિત હકીકત એ છે કે આમાંના મોટા ભાગનાએ અતિ ગરીબ અવસ્થામાં શરૂઆત કરી છે પરંતુ તેઓ સ્વપ્નદ્રષ્ટા હતા. તેમની પાસે સ્વપ્ના અને કલ્પના ઉપરાંત, ફોકસ, કુશાગ્રતા, નેતૃત્વની ક્ષમતાઓ અને ભારે પરિશ્રમની સજ્જતા હતી. તેમની પાસે પરિવારનું પીઠબળ, સાંસ્કૃતિક પરંપરાઓ, મૂલ્યો અને ઉદ્યમશીલતા હતી અને સમાજની સમૃદ્ધિની યાત્રામાં તેમણે મોટી ભૂમિકાઓ ભજવી હતી.
તેમની સફળતાએ અમિટ છાપ છોડી છે એટલું જ નહિ, તેમની સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના, પ્રાકૃતિક આપદાઓનાં સમયે પોતાની સંપત્તિને વહેંચવાની તૈયારી તેમજ માનવસેવાની ઉદ્દાત પ્રવૃત્તિઓ, વિશેષતઃ આરોગ્ય, શિક્ષણ અને સામુદાયિક વિકાસના ક્ષેત્રોમાં વધેલું પ્રદાન સહિતની બાબતો પણ વધુ પ્રશંસનીય છે.
સ્વાભાવિક રીતે જ યુએસએના આપણા ભાઈઓએ સારી શરૂઆત કરી છે. ફીઝિશિયન્સ પલ્લવી અને કિરણ પટેલે ફ્લોરિડાના લાઉડરડેલસ્થિત નોવા સાઉથઈસ્ટર્ન યુનિવર્સિટીને ૨૦૦ મિલિયન ડોલરનું દાન આપ્યું છે. ઉદારતામાં તો તેમનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે અને યુએસ સંસ્થાને દાન આપીને તેમણે વ્યાપક અમેરિકન સમાજ સાથે નિષ્ઠા અને એકીકરણ સ્થાપિત કર્યું છે એટલું જ નહિ, પોતાની કોમ્યુનિટી પૂરતું સીમિત ન રહીને જરૂરિયાતમંદ માનવીઓને મદદ કરવાનો અભિગમ પણ પ્રસ્થાપિત કર્યો છે. સાચા પરમાર્થ-પરોપકારવૃત્તિનું આ ઉદાહરણ છે.
આ પ્રકારની ભવ્યતમ સફળતા તેમના વ્યક્તિગત પ્રોફાઈલમાં યશકલગી સમાન છે તેની સાથે જ આ માર્ગે આગળ વધવા અન્યોને પ્રેરિત અને પ્રોત્સાહિત પણ કરે છે. આપણા યુવાન એન્ટ્રેપ્રીન્યોર્સ કલ્પનામાં પણ ન આવે તે રીતે ટેકનોલોજી સેક્ટર્સને વિકસાવી રહ્યા છે. તેઓ અત્યાસ સુધી અજાણ્યા રહેલા માર્ગમાં સફળતાનું સર્જન કરી રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે. આપણે કદાચ હજુ લાંબી મજલ કાપવાની છે. જો તમે બ્રિટિશ યહુદીઓના ટ્રેક રેકોર્ડ પર નજર નાખશો તો જણાશે કે ટીપે ટીપે થયેલી શરૂઆત હવે મુક્ત વહેતી નદીમાં ફેરવાઈ છે. આપણા માટે શ્રેષ્ઠ આવવાનું બાકી છે પરંતુ આપણે ચોક્કસપણે યોગ્ય માર્ગે આગળ વધી રહ્યા છીએ. આજની સફળતાની કથાઓ આપણને તેમના માટે, આપણા માટે અને તેમની વિદેશની ભૂમિ માટે તેમજ પૂર્વજોની ભૂમિ મુખ્યત્વે ભારતની બહેતર આવતી કાલ માટે આશા અને શ્રદ્ધા પૂરી પાડે છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter