લંડનઃ ન્યૂકેસલના ૧૭ પુરુષ અને એક મહિલાની ગેંગને શ્વેત અને બ્રિટિશ તરુણીઓને લક્ષ્ય બનાવી તેમને ડ્રિન્ક્સ અને ડ્રગ્સ આપવા તેમજ જાતીય શોષણના ગુનામાં દોષિત ઠરાવાયાં છે. ન્યૂકેસલ ક્રાઉન કોર્ટે ગેંગના ચાર સભ્ય હબીબૂર રહીમ, મોહીબૂર રહેમાન, અબ્દુલ સાબે અને બદરુલ હુસૈનને કુલ ૪૯ વર્ષની જેલની સજા ફરમાવી હતી. એશિયન સેક્સ ગેંગમાં ૪૦ જેટલા પાકિસ્તાની, ભારતીય, ઈરાની, ઈરાકી, બાંગલાદેશી અને તુર્કી નાગરિકોનો સમાવેશ થાય છે.
કોર્ટે ૩૪ વર્ષીય હબીબૂર રહીમને ૨૯ વર્ષની સજા અને ૪૦ વર્ષીય અબ્દુલ સાબેને ૧૨ વર્ષની સજા સાથે આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં મૂકવાનો આદેશ કર્યો હતો. ૪૪ વર્ષીય મોહીબૂર રહેમાનને સાડા ચાર વર્ષ અને ૩૭ વર્ષના બદરુલ હુસૈનને ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. મોહીબૂર રહેમાનને અગાઉ ૧૨ વર્ષની સજા થયેલી છે, જે પૂર્ણ થયા પછી સાડા ચાર વર્ષની સજા કાપવાની રહેશે. ગુનેગારો પર તેમની શિકાર પીડિતાઓને મેફેડ્રોન ડ્રગ્સના બંધાણી બનાવવા અને તે પછી તેમને સેક્સ માટે બળજબરી કરવાના આરોપ હતા. તેઓ ૪૦ સભ્યની એશિયન ગેંગનો હિસ્સો છે, જેમણે ૧૩ વર્ષની બાળા સહિત ૧૦૦ જેટલી છોકરીઓને પોતાનો શિકાર બનાવી હતી.
૧૩ વર્ષની બાળાએ કોર્ટને જણાવ્યું હતું કે તેને સેક્સના બદલામાં સિગારેટ્સ, કેશ અને ડ્રગ્સનો પુરવઠો અપાતો હતો. શરૂઆતમાં આ મફત અપાતું હતું પણ પછી તેમનું જાતીય શોષણ કરાતું હતું તેમ પ્રોસીક્યુટર જ્હોન એલ્વિજ QCએ કોર્ટને જણાવ્યું હતું. જજ પેની મોરલેન્ડે સ્પષ્ટ કર્યું હતું કે આ ગુના વર્ણ કે ધર્મના આધારે કરવામાં આવ્યા નથી.