લંડનઃ માન્ચેસ્ટરમાં ગત સોમવારની રાત્રે કરાયેલા આત્મઘાતી હુમલામાં નિર્દોષ લોકોનાં જાન લેવાયા છે અને ૧૧૯ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ પરિસ્થિતિ સામે શોક અને રોષ વ્યક્ત કરવામાં એશિયનો પણ બ્રિટિશરો સાથે સહભાગી રહ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં એશિયનો સહિતના નાગરિકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી ત્રાસવાદી હુમલાને વખોડ્યો હતો.
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘રાજધાની લંડન માન્ચેસ્ટરની સાથે જ છે. તેમણે ઈમર્જન્સી સર્વિસીસ અને લોકોએ દર્શાવેલી હિંમતને બિરદાવવા સાથે જણાવ્યું હતું કે આ ઘૃણાસ્પદ હુમલા પછી તેઓ લંડનમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના સેક્રેટરી જનરલ હારુન ખાને નિવેદનમાં જણાવ્યું હતું કે,‘મારા વિચારો અને પ્રાર્થના હુમલાના અસરગ્રસ્તો અને તેમના પરિવારોની સાથે છે. ટીનેજર્સ અને બાળકોને આ આઘાતજનક ત્રાસવાદી હુમલામાં સૌથી વધુ સહન કરવું પડ્યું છે. હુમલાના કાવતરાખોરોને આ જીવન અને તે પછી પણ તેમના કૃત્યનો ન્યાયી બદલો મળશે. આ પ્રદેશ અને દેશના તમામ લોકો અસરગ્રસ્તોની પડખે એકસંપ થઈને ઉભા રહે તેવો અનુરોધ કરું છું.’
ફેઈથ નેટવર્ક માન્ચેસ્ટરના સહઅધ્યક્ષ કાઈસરા શાહરાઝે જણાવ્યું હતું કે,‘ એક મુસ્લિમ તરીકે ત્રાસવાદી મુસ્લિમ હોવાનો તમને ડર રહે છે. પરંતુ, આ હુમલાખોરો તો રાક્ષસો છે.’
ધ કાઉન્સિલ ઓફ ક્રિશ્ચિયન્સ એન્ડ જ્યુઝ દ્વારા જણાવાયું હતું કે,‘અસહ્ય પીડા અને કરુણાંતિકાની આ ક્ષણે ધ કાઉન્સિલ ઓફ ક્રિશ્ચિયન્સ એન્ડ જ્યુઝ માન્ચેસ્ટરના લોકોની પડખે છે. ત્રાસવાદી હુમલા સંદર્ભે અમે આશા માટે પ્રાર્થના કરીએ છીએ. આવા સંજોગોમાં પણ નિઃસ્વાર્થ કોમ્યુનિટીએ શોકમાંથી બહાર આવવાની લાગણી અને એકબીજા પ્રત્યે દર્શાવેલી અનુકંપા સરાહનીય છે.’
માન્ચેસ્ટર બ્રહ્મસમાજના નિરંજન ભટ્ટે જણાવ્યું હતું કે,‘આ દેશ અમારું ઘર છે. યુકે દ્વારા અમને આશ્રય, નોકરી અને સલામતી અપાયાં છે. લોકો નિર્દોષ નાગરિકો પર આવો હુમલો કેવી રીતે કરી શકે તે જ મને સમજાતું નથી. હું માનું છું કે મુસ્લિમ કોમ્યુનિટીએ તેમના સમાજમાંથી આવી ઘૃણા કોઈ પ્રસરાવતું હોય તેમની સામે મજબૂત વલણ દર્શાવવું જોઈએ.’
આ હુમલા પછી ભારતીયોએ ડરવા જેવું છે, તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે,‘ભારતીય લોકોએ ડરવા કે ચિંતાની જરુર નથી. હું નથી. હું માન્ચેસ્ટરની બહાર રહું છું. જે થયું તે ભારે દુઃખદ અને બિહામણું છે પરંતુ, બ્રિટિશ લોકો સામાન્યપણે સહિષ્ણુ છે અને આપણી અનેકતામાં તેમને ગૌરવ પણ છે. તેઓ પ્રત્યાઘાતરુપે કોઈ એશિયનો પર વળતા હુમલા નહિ કરે.’
હિન્દુ કાઉન્સિલ નોર્થના દશરથભાઈ નાયીએ કહ્યું હતું કે,‘બ્રિટન માટે આ માઠો દિવસ છે.’
માન્ચેસ્ટર જૈન સમાજના પ્રમુખ ડો. શૈલેષ પટેલે જણાવ્યું હતું કે,‘યુકેમાં દાયકાઓમાં આ સૌથી વિનાશક ત્રાસવાદી હુમલો છે. આ ઘટના કેટલી દુઃખદ છે તે હું શબ્દોમાં વર્ણવી શકીશ નહિ. હવેથી અમારા બાળકોની સલામતીની ચિંતા વધી જશે. અહીં જે થયું તે કોઈ પણ સ્થળે થઈ શકે છે. માન્ચેસ્ટર જૈન સમાજ આ સમયે માન્ચેસ્ટરના લોકોની સાથે ઉભો છે. ત્રાસવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા ગુરુવાર, ૨૫ મેએ સવારે ૮.૩૦થી ૯.૩૦ કલાક દરમિયાન પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.’
ગ્રેટર માન્ચેસ્ટરના રહેવાસી અલ્તાફે જણાવ્યું હતું કે,‘ જે ઘટના બની તેનાથી મારું હૃદય ભાંગી ગયું છે. આ રાક્ષસો સાચા મુસ્લિમ નથી. મને તો મારા બાળકોને કુરાનના અભ્યાસ કરવા શાળાએ મોકલતા ડર લાગે છે, ક્યાંક ભ્રષ્ટાચારી મુલ્લાઓ તેમનામાં ઉદ્દામવાદનું ઝેર ભરી ન દે. લાગે છે કે એશિયનો પર હુમલા થશે નહિી પરંતુ, બ્રેક્ઝિટ અને આ હુમલા પછી રેસિઝમ વધી જશે અને આપણે તેના વિશે કશું કરી નહિ શકીએ.’
સ્થાનિક રહેવાસી કાન્તિભાઈએ જણાવ્યું હતું કે,‘આના પરિણામે રમખાણો થવાનો મને ભય છે. લી રિગ્બીની મૃત્યુતિથિ પણ આવે છે. બ્રેક્ઝિટ પછી જાતિવાદી ભેદભાવ વધ્યો છે અને નિર્દોષ એશિયનો પર હુમલા કારવાનું નવું કારણ રંગદ્વેષીઓને મળી જશે. આ ત્રાસવાદીઓ સમજતા નથી કે તેઓ શ્વેત સમાજને જ નહિ તેમના પોતાના ભાઈઓને પણ અસર કરે છે.’
સ્ટેન્ડ અપ ટુ રેસિઝમના સહ-કન્વીનર સેબી ધાલુએ જણાવ્યું હતું કે અમારી લાગણી માન્ચેસ્ટર હુમલામાં માર્યા ગયેલા અને ઈજા પામેલા લોકોની સાથે છે. બાળકો અને યુવાઓની આ રીતે નિર્મમ હત્યા થઈ તે આઘાતજનક છે. આ કરુણાંતિકા સામે અમારો પ્રતિભાવ તો કાવતરાખોરોની ઘૃણા અને તેના ઉપયોગથી આપણું વિભાજન કરવા ઈચ્છનારાને ફગાવી દેવા તેમજ તમામ કોમ્યુનિટી એકસંપ થઈને રહે તે જ છે.’

