એસેક્સ લોરી કરુણાંતિકાઃ ડ્રાઈવર સહિત આઠની ધરપકડ

રેફ્રિજરેશન ટ્રેઈલરમાંથી ૩૦ પુરુષ, આઠ મહિલા અને એક કિશોર સહિત ૩૯ લોકોનાં મૃતદેહ મળતાં હાહાકારઃ મોટા ભાગના મૃતકો વિયેતનામી હોવાનું કહેવાય છેઃ ‘શ્રેષ્ઠ જિંદગીની શોધ’માં બ્રિટન જવા પરિવારોએ સ્મગલરોને નાણા ચુકવ્યાઃ લોરી ડ્રાઇવર મૌરિસ ‘મો’ રોબિન્સન ૨૫ નવેમ્બર સુધી કસ્ટડીમાં

Sunday 27th October 2019 02:11 EDT
 
 

લંડનઃ એસેક્સ લોરી કરુણાંતિકા સંદર્ભે ટ્રકના ૨૫ વર્ષીય ડ્રાઇવર મૌરિસ ‘મો’ રોબિન્સન અને એક મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરાઇ છે અને કેસની તપાસ ચાલી રહી છે. એસેક્સના ગ્રેઝ ટાઊનના વોટરગ્લેડ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ૨૩ ઓક્ટોબર બુધવારે એક ટ્રક- રેફ્રિજરેશન ટ્રેઈલરમાંથી ૩૦ પુરુષ, આઠ મહિલા અને એક કિશોર સહિત ૩૯ લોકોનાં મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો હતો. મીડિયાના અહેવાલો મુજબ મતે લોરી બહારથી બંધ હતી અને અંદરનું તાપમાન માઇનસ ૨૫ ડિગ્રી હતુ. તેના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તે ખૂબ જ ઠંડીથી તરફડીને મોતને શરણ થયાં હતાં. શરૂઆતમાં મૃતકો ચાઈનીઝ હોવાનું મનાયું હતું પરંતુ તેઓ વિયેતનામી નાગરિકો હોવાનું બહાર આવ્યું છે. ટ્રકની અંદર લોહીથી લથબથ હાથોની છાપ મળી છે. અંતિમ સમયમાં લોકો ટ્રકના દરવાજાને ખખડાવીને મદદ માંગી રહ્યા હતા. ટ્રકને બેલ્જિયમમાં એક ફેરી પર લોડ કરાઇ હતી. ‘શ્રેષ્ઠ જિંદગીની શોધ’માં બ્રિટન જવા માટે પરિવારોએ સ્મગલરોને નાણા ચુકવ્યા હોવાનું પણ કહેવાય છે. લોરી ડ્રાઇવર મૌરિસ ‘મો’ રોબિન્સનને ૨૫ નવેમ્બર સુધી કસ્ટડીમાં સોંપાયો છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે, એસેક્સમાં ઘટેલી આ કરુણાંતિકા બદલ હું ખેદ અનુભવું છું. ગૃહ વિભાગની કચેરીમાંથી મને તાજી માહિતી મળતી રહે છે અને અમે ખરેખર શું બન્યું છે, એ જાણવા માટે એસેક્સ પોલીસ સાથે સતત સંપર્કમાં છીએ. તમામ મૃતકો અને તેમના પરિવારજનોની આ શોકની ઘડીએ અમે સાથે છીએ. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે દિલસોજી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ ઘટનાથી દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છું.

મો રોબિન્સન નોર્ધર્ન આયર્લેન્ડના પોર્ટાડાઊનનો રહેવાસી છે અને તેને માનવવધના ૩૯ આરોપ તેમજ લોકોની હેરફેર, ગેરકાયદે ઈમિગ્રેશન અને મનીલોન્ડરિંગના કાવતરામાં મદદના આરોપો સાથે સોમવાર ૨૮ ઓક્ટોબરે ચેમ્સફર્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. લોરી ડ્રાઇવર મૌરિસ ‘મો’ રોબિન્સનને વીડિયો લિન્ક દ્વારા કોર્ટમાં હાજર કરાયો હતો અને પાંચ મિનિટની સુનાવણી પછી તેને ૨૫ નવેમ્બર સુધી કસ્ટડીમાં સોંપતો આદેશ કરાયો હતો. હવે તેણે લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં હાજર થવાનું રહેશે. લોરી ડ્રાઈવર ઉપરાંત, ચેશાયરના દંપતી જોઆના અને થોમર માહેર,સ્ટાનસ્ટેડ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલો ૪૮ વર્ષીય અનામી પુરુષ અને ડબ્લિન પોર્ટ પરથી ૨૦ વર્ષના યુવકને પણ પોલીસે ઝડપી લીધાં છે.

બેલ્જિયમની પોલીસ આ ટ્રેઈલર યુકેમાં આવતા અગાઉના ઝીબ્રુજી પોર્ટ પર કોના દ્વારા ડિલિવર કરાયું તેની તપાસ ચલાવી રહી છે.

એસેક્સ પોલીસનાં ચીફ સુપ્રિટેન્ડેટ એન્ડ્રયુ મૈરિનરે નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘણી જ હતપ્રભ કરનારી ઘટના છે જેમાં ઘણા લોકોનાં જીવ ગયા છે. તેમની સાથે વાસ્તવમાં શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ. મૃતકોની ઓળખમાં ઘણો સમય લાગી શકે છે. આ ટ્રક બલ્ગેરિયાથી આયરલેન્ડથી બ્રિટેન આવવા-જવા માટે મુખ્ય બંદર હોલીલેન્ડનાં રસ્તે પ્રવેશી હશે. એસેક્સ પોલીસના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર માર્ટિન પાસમોરે જણાવ્યું હતું કે મૃતકોને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિયેતનામ એમ્બેસીના રાજદૂત સાથે પણ તેમની મુલાકાત થઈ હતી.

બ્રિટનના ઇતિહાસમાં આ પ્રકારની બીજી દુર્ઘટના છે, આ પહેલાં વર્ષ ૨૦૦૦માં ડોવરમાં એવી ઘટના નોંધાઈ હતી, જેમાં બેલ્જિયમથી આવતી એક લોરીમાંથી ૫૮ ચીની પ્રવાસીના મૃતદેહ મળી આવ્યા હતા. તે તમામના મોત દમ ઘૂંટાવાના કારણે થયાં હતાં. ટ્રક ડ્રાઇવરને માનવ તસ્કરીના કેસમાં ૧૪ વર્ષની જેલ થઈ હતી. અગાઉ ૨૦૧૪માં એક શિપિંગ કન્ટેનરમાંથી ૩૪ અફઘાની શીખ ડિહાઈડ્રેશન, હાઈપોથર્મિયા અને ઓક્સિજનના અભાવના કારણે બેહોશ હાલતમાં મળી આવ્યા હતા અને તેમાંથી એકનું મોત થયું હતું.

આ તો બધો નસીબનો ખેલ છેઃ સ્મગલર કાસ્ટ્રિયોટ અહમતીએ મોતને હસી કાઢ્યા

એસેક્સ લોરી કરુણાંતિકામાં ૩૯ માઈગ્રન્ટ્સના કરુણ મોત પછી લોકોની હેરાફેરી કરનારા સ્મગલર કાસ્ટ્રિયોટ અહમતીએ તેમના મોતને ‘આ તો બધો નસીબનો ખેલ છે’ કહીને હસી કાઢ્યા હતા. નોર્થઈસ્ટ લંડનના વાલ્ધોમસ્ટોમાં રહેતા અહમતીએ ડેઈલી મેલની અંડરકવર રિપોર્ટરને આ જ શિપિંગ કન્ટેઈનરના માર્ગે ૧૪,૦૦૦ પાઉન્ડમાં યુકેમાં સ્મગલ કરવાની ઓફર કરી હતી. તેણે કહ્યું હતું કે તેલોકોને યુકેમાં ઘૂસાડીને નાણા કમાય છે. તે પોતે આલ્બેનિયાથી લોરીની પાછળ ઘૂસીને યુકેમાં ગેરકાયદે આવ્યો હતો.

આલ્બેનિયાના તિરાનાથી વિમાનમાં લંડન આવવા બનાવટી દસ્તાવેજો પાછળ કુલ ૧૭,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થતો હોવાનું જણાવી અહમતીએ લોરીની પાછળ ઘૂસીને જવામાં ૧૪,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થશે તેમ રિપોર્ટરને જણાવ્યું હતું. બેલ્જિયમથી ફેરીનો વિલંબ થાય તેના આધારે ૧૨થી ૧૬ કલાક લાગી શકે તેમ તેણે જણાવ્યું હતું. રિપોર્ટર અન્ય કોઈ પરિવારના સભ્ય તરીકે પ્રવાસ કરવાની૪ વાત કરી ત્યારે અહમતીએ તેનો ઈનકાર કરી કહ્યું હતું કે તેણે અન્ય માઈગ્રન્ટ્સ સાથે જ મુસાફરી કરવાની રહેશે નહિ તો હેરફેર કરતી ગેન્ગને કોઈ નફો કેવી રીતે થશે. રિપોર્ટરે લંડન પહોંચી નાણા આપવા જણાવ્યું ત્યારે સ્મગલરે લંડનમાં નાણા આપવાની ખાતરી આપે તેવા મિત્રની વિગતો માગી હતી. રિપોર્ટરે એસેક્સ દુર્ઘટનાથી ડર લાગ્યો હોવાનું જણાવતા અહેમતીએ હાસ્ય સાથે કહ્યું હતું કે,‘ આ તો બધો નસીબનો ખેલ છે. આ રીતે જ આપણે આવીએ છીએ અને આપણે બધાં જ મરવાના છીએ.’

Kace Kace’ના બનાવટી નામધારી યુકેસ્થિત આલ્બેનિયન દેશમાં લોકોને ઘૂસાડવાની કામગીરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. અહમતીએ ફેસબુકના ‘Albanians in London’ પેજ પર પોતાની સેવા ઓફરની જાહેરાત કરી પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો છે. ઓછામાં ઓછાં ચાર આલ્બેનિયન એજન્ટ માઈગ્રન્ટ્સને યુકેમાં ઘૂસાડવા આ પેજનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે. આ પેજના ૧૬,૦૦૦થી વધુ ફોલોઅર્સ છે. તે આલ્બેનિયાના હાસ જિલ્લાનો હોવાનું મનાય છે અને કેટલા સમયથી યુકેમાં રહે છે તે જાણી શકાયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter