ઓક્સફર્ડ ડિક્શનરી ૨૦૧૮માં પ્રથમ વખત ‘હિન્દી વર્ડ ઓફ ધ યર’ જાહેર કરશે. વર્ષભર ચર્ચામાં રહેલા શબ્દને પસંદ કરીને તેને વર્ડ ઓફ ધ યરનું સન્માન અપાશે. આ વર્ષની પસંદગી માટે ઓક્સફર્ડે હિન્દીભાષી લોકોને શબ્દ મોકલવાનું આમંત્રણ આપ્યું છે. હિન્દી બોલનારા દેશના લોકો ૨૯મી નવેમ્બર સુધીમાં શબ્દ પસંદ કરીને ઓક્સફર્ડની આ પ્રક્રિયામાં ભાગીદાર બની શકશે.
પ્રતિષ્ઠિત શબ્દકોશ ઓક્સફર્ડ હવે હિન્દીભાષાના કોઈ એક ચર્ચાસ્પદ શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર જાહેર કરશે. વર્ષમાં સૌથી લોકપ્રિય રહેલાં હિન્દી શબ્દની પસંદગી કરીને જાન્યુઆરી-૨૦૧૮માં પ્રથમ વખત જાહેરાત કરાશે. તેના કેટલાક નિયમો બનાવાયા છે. એ પ્રમાણે વર્ષ દરમિયાન ચર્ચાસ્પદ રહેલો શબ્દ જ માન્ય ગણાશે. એ શબ્દ નવો જ હોય એ જરૂરી નથી. જૂનો શબ્દ પણ માન્ય ગણાશે, પરંતુ એ શબ્દને ૨૦૧૭ના વર્ષ સાથે કંઈક લાગતું વળગતું હોવું જોઈએ.
આ વર્ષે શબ્દ પસંદ કરવા માટે ઓક્સફર્ડે હિન્દીભાષી લોકોની મદદ માગી છે. આ શબ્દની પસંદગી માટે ઓક્સફર્ડે નિષ્ણાતોની પેનલ પણ બનાવી છે. એ પેનલના અભિપ્રાય પછી લોકોએ મોકલેલા શબ્દને પસંદ કરાશે.