ઓક્સફર્ડ યુનિ.ના ઈતિહાસમાં સૌથી વધુ £૧૫૦ મિલિયનનું જંગી દાન

Wednesday 26th June 2019 02:21 EDT
 
 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઓછામાં ઓછાં ૫૦૦ વર્ષના ઈતિહાસમાં યુએસના ૭૨ વર્ષીય બિલિયોનેર બિઝનેસમેન સ્ટીફન સ્ક્વાર્ઝમાને ૧૫૦ મિલિયન પાઉન્ડના મબલખ દાનની જાહેરાત કરી છે. સ્ક્વાર્ઝમાને કહ્યું હતું કે તેઓ કિશોર હતા ત્યારથી યુનિવર્સિટીની ભવ્યતાના પ્રેમમાં પડી ગયા હતા. આ દાનની રકમનો ઉપયોગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની નૈતિકતાના અભ્યાસ માટે સેન્ટર સહિત નવી માનવકળાઓના અભ્યાસ માટે કરવામાં આવશે.

ફિલાડેલ્ફીઆમાં જન્મેલા અને બ્લેકસ્ટોન ઈન્વેસ્ટમેન્ટ પેઢીના વડાએ જણાવ્યું હતું કે,‘ તેમને ખાસ તો AIના ભવિષ્યની ચિંતા છે. આપણે કૃત્રિમ બુદ્ધિને શું કરવા દઈ શકીએ અને શું નહિ, તેની પસંદગી કરવાની થશે. જો તેના અનિયંત્રિત રખાય તો એક તરફ આશ્ચર્યકારી પરિણામો જોવા મળશે તો બીજી તરફ, બેરોજગારી અને લોકશાહીના પોતને નુકસાન કરતી સમસ્યા પણ જોવાં મળશે.’

સ્ક્વાર્ઝમાને ન્યૂ યોર્કની પબ્લિક લાયબ્રેરી અને યેલ યુનિવર્સિટીને મોટાં દાન આપ્યા પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર લુઈસ રિચાર્ડસને ઓક્સફર્ડમાં હ્યુમિનિટીઝ બિલ્ડિંગના ભંડોળ માટે સીધો સંપર્ક કર્યો હતો. સામાન્ય રીતે બ્રિટિશ યુનિવર્સિટીઓ ખાનગી ભંડોળ મેળવવામાં ખાસ સક્રિય બનતી નથી પરંતુ, સરકારી ગ્રાન્ટ્સમાં કાપથી ખાનગી ભંડોળ આવશ્યક બની ગયું છે.

ઐતિહાસિક રેડક્લિફ ઓબ્ઝર્વેટરી ક્વાર્ટરમાં નવા સ્ક્વાર્ઝમાન સેન્ટરમાં યુનિવર્સિટીના ઈંગ્લિશ, હિસ્ટરી, ભાષાશાસ્ત્ર, સંગીત, ફીલોસોફી અને થીઓલોજી સહિત તમામ હ્યુમિનિટીઝ પ્રોગ્રામ્સ પ્રથમ વખત એક જ છત હેઠળ આવશે. તેમાં AI માટે નવી ઈન્સ્ટિટ્યૂટ ફોર એથિક્સ પણ હશે. આ દાનનો થોડો હિસ્સો ગરીબ પશ્ચાદભૂના વિદ્યાર્થીઓને આકર્ષવા સ્કોલરશિપ પ્રોગ્રામમાં પણ ઉપયોગમાં લેવાશે.

બ્રિટિશ યુનિવર્સિટીઓને અપાયેલાં અન્ય મોટાં દાનમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજને બ્રિટિશ ફાઈનાન્સર ડેવિડ અને ક્લૌડિયા હાર્ડિંગ તરફથી ૧૦૦ મિલિયન પાઉન્ડ, યુક્રેનમાં જન્મેલા બ્રિટિશ-અમેરિકન બિઝનેસમેન સર લેન બ્લાવાટ્નિક દ્વારા ૨૦૧૨માં ઓક્સફર્ડ યુનિવર્સિટીને ૭૫ મિલિયન પાઉન્ડ તેમજ ૨૦૧૫માં લંડનના ટેટ મોર્ડર્નને ૫૦ મિલિયન પાઉન્ડ, સર માઈકલ મોરિત્ઝ અને હેરિયટ હેમાન દ્વારા ૨૦૧૨માં ઓક્સફર્ડ યુનિવર્સિટીને ૭૫ મિલિયન પાઉન્ડ, અમેરિકન દંપતી બિલ અને વેસ્લી જેનવે દ્વારા ૨૦૧૫માં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજને ૧૭.૫ મિલિયન પાઉન્ડ તેમજ હેજ ફંડ મેનેજર એલન હોવાર્ડ દ્વારા ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડનને ૨૦.૧ મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter