ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે છોકરીઓ પ્રથમ વખત આગળ

Wednesday 31st January 2018 06:02 EST
 
 

લંડનઃ યુકેમાં GCSE પરીક્ષાઓમાં A* થી C ગ્રેડ્સમાં છોકરીઓનો દેખાવ વર્ષોથી છોકરાઓ કરતાં સારો રહ્યો છે. હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત છોકરાઓ કરતાં છોકરીઓને પ્રવેશની ઓફર વધી ગઈ છે. આ વર્ષે ૧,૧૬૫ પુરુષની સરખામણીએ ૧,૨૭૫ બ્રિટિશ મહિલાને પ્રવેશની ઓફર કરવામાં આવી હતી. આમાંથી, ૧,૦૭૦ વિદ્યાર્થિનીએ પ્રવેશ લીધો હતો જ્યારે, પુરુષ વિદ્યાર્થીની સંખ્યા ૧૦૨૫ રહી હતી. ઓક્સફર્ડમાં પ્રવેશ માટે ૫,૩૬૦ પુરુષ અને ૫,૨૪૫ સ્ત્રીએ અરજી કરી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના આંકડા અનુસાર ઓછામાં ઓછું એક દાયકામાં સ્ત્રીઓને પ્રવેશની વધુ ઓફર કરાઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. ૨૦૦૭ સુધીનો ડેટા જોઈએ તો અગાઉના દર વર્ષે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ પ્રવેશ ઓફર મળી છે. યુનિવર્સિટી પ્રવેશ એજન્સીનો ડેટા ૨૦૧૨માં શરુ કરાયો હતો ત્યારે સ્ત્રીઓ કરતાં ૧૦૦ વધુ પુરુષનો પ્રવેશ ઓફર અપાઈ હતી. આ પછી, સ્ત્રીઓને ઓફરમાં ૬ ટકાનો વધારો થયો છે અને પુરુષોને ઓફરમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે.

જોકે, કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ઓફર મુદ્દે પુરુષો આગળ છે અને ૧,૪૦૫ સ્ત્રીઓની સરખામણીએ ૧,૪૪૦ પુરુષોને પ્રવેશની ઓફર કરાઈ છે. દેશની તમામ યુનિવર્સિટીઓની વાત કરીએ તો ૨૦૧૨ પછીના આંકડા મુજબ પ્રવેશ ઓફરમાં ૫૬૪,૨૪૫ની સંખ્યા સાથે સ્ત્રીઓ આગળ છે જ્યારે પુરુષોને ૪૫૭,૧૭૫ ઓફર કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter