ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ હવે દારૂ વેચશે

Wednesday 14th November 2018 01:39 EST
 

લંડનઃ શિક્ષણ ક્ષેત્રે ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે સ્પર્ધા દાયકાઓથી ચાલી આવે છે. આ ઉપરાંત કૃષિ હોય કે રમતનું મેદાન, બંને હમેશા બાજી મારવા તત્પર હોય છે. વિશ્વપ્રસિદ્ધ આ બંને યુનિવર્સિટી વચ્ચે હવે જીન (એક પ્રકારનો દારૂ) વેચવાને લઈ સ્પર્ધા શરૂ થઈ છે. ૮ મહિના અગાઉ ઓક્સફોર્ડે પોતાની બ્રાન્ડ ફિજિક જીન લોન્ચ કરી હતી. તેના જવાબમાં કેમ્બ્રિજે હાલમાં જ ક્યુરેટન જીન લોન્ચ કર્યું છે. ઓક્સફોર્ડના જીનની કિંમત ૩૫ પાઉન્ડ એટલે કે લગભગ ૩૩૦૦ રૂપિયા છે જ્યારે કેમ્બ્રિજનના જીનની કિંમત ૩૮૦૦ રૂપિયા છે. કેમ્બ્રિજનું કહેવું છે કે તેમને કિંમત એટલા માટે વધારે રાખી છે કારણ કે ફિજિક્સના વિખ્યાત વિજ્ઞાની આઈજેક ન્યૂટન અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો સાથે સંકળાયેલા ફળ સફરજનના પ્રભાવને તેની સાથે જોડી દેવાયું છે.

કેમ્બ્રિજ ડિસ્ટિલરીના સહાયક સંસ્થાપક વિલિયમ લૉવે કહ્યું છે કે તેમને જે જીન બનાવ્યું છે તેમાં તેમના બગીચાની એક ડઝન જેટલી વનસ્પતિનો ઉપયોગ કરાયો છે. તેમાં જે અન્ય સામગ્રી વપરાઈ છે તે અન્ય ક્યાંય સરળતાથી મળતી નથી. તેમાં અનેક પ્રકારના ફળ, ફૂલ અને વનસ્પતિનો ઉપયોગ કરાયો છે. તેમાં લીલુ આદું પણ સામેલ છે. આ તમામ સાધન સામગ્રી યુનિવર્સિટીના બોટેનિકલ ગાર્ડનની ઉપજ છે. આથી તેનો સ્વાદ માત્ર તેમની પાસે જ હશે. બીજીબાજુ ઓક્સફોર્ડનું કહેવું છે કે તેનું જીન ઐતિહાસિક બોટેનિકલ ગાર્ડનમાં ઉગેલી વનસ્પતિ દ્વારા તૈયાર કરાયું છે. આ ગાર્ડનની સ્થાપના ૧૬૨૧માં થઈ હતી. આ જીનમાં જેનો વપરાશ થયો છે તે મધ્ય યુગના ખેડૂતો દ્વારા પણ કરાતો હતો. લિસેસ્ટર યુનિવર્સિટી પણ જીન બનાવવાની સ્પર્ધામાં સામેલ થવા જઈ રહી છે. યુનિવર્સિટીએ તાજેતરમાં વિદ્યાર્થીઓને જીન બનાવવા બોટેનિકલ ગાર્ડનનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે.

કેમ્બ્રિજ ડિસ્ટિલરીના વડા વિલિયમ લૉવેના પિતા ઓક્સફોર્ડના પ્રોફેસર છે. તેમનું કહેવું છે કે બંને યુનિવર્સિટી વચ્ચે માત્ર સ્પર્ધા નહીં પણ સહયોગની ભાવના પણ છે. છતાં હું એવું કહીશ કે કેમ્બ્રિજે જ પ્રથમ બોટેનિકલ ગાર્ડન જીનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. અમે ૨૦૧૩થી આના ઉપર કામ કરી રહ્યા છે. ઓક્સફોર્ડનું જીન અમારા પછી આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter