લંડનઃ છેલ્લાં એક દાયકામાં ઓક્સફર્ડ અને કેમ્બ્રીજમાં અભ્યાસ કરતા બ્રિટિશ અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યામાં એક હજારનો ઘટાડો થયો હોવાનું સત્તાવાર આંકડામાં જણાયું હતું. બ્રિટિશ યુનિવર્સિટીઓ દ્વારા જણાવાયું હતું કે તેઓ દુનિયાભરમાંથી સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમને મળે તેવું ઈચ્છે છે.
બીન- યુરોપિયન યુનિયનના વિદ્યાર્થીઓ કેટલાંક કોર્સ માટે વર્ષે ૩૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ચૂકવતા હોય છે. જ્યારે બ્રિટિશ અને ઈયુ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ટ્યૂશન ફીની મહત્તમ મર્યાદા ૯,૨૫૦ પાઉન્ડ છે. ઓક્સફર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા જે ફી ઉઘરાવવામાં આવે છે તેની વિદેશથી આવતા વિદ્યાર્થીઓ પર કોઈ અસર થઈ નથી.


