લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડ પોતાનું સ્થાન જાળવી શકશે કે નહિ તેની અટકળો વચ્ચે તેમણે ઓટમ બજેટમાં આગામી પાંચ વર્ષ માટે £૨૫ બિલિયનની ખર્ચલહાણી સાથે કરકસરના યુગનો અંત લાવી દીધો હતો. તેમણે આ પેકેજના કેન્દ્રમાં યુવાનોને ટોરી પાર્ટી તરફ વાળવા નવા ૩૦૦,૦૦૦ ઘર બાંધવા સાથે હાઉસિંગ સુધારાઓને મૂક્યા હતા. બ્રેક્ઝિટ પછી યુકેના ભાવિની તૈયારી કરવા ૩ બિલિયન પાઉન્ડની ફાળવણી કરી હતી અને હાઈ ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું. ચાન્સેલરે NHSને વધુ ૨.૮ બિલિયન પાઉન્ડ ફાળવ્યા હતા અને જાહેર ક્ષેત્રમાં વેતનવધારાનો માર્ગ મોકળો કર્યો હતો. હેમન્ડે ફ્યૂલ ડ્યૂટીને યથાવત રાખી હતી. જોકે, તેમનું સૌથી ઉદ્દામવાદી પગલું પ્રથમ વખત ૩૦૦,૦૦૦ પાઉન્ડ સુધીનું ઘર ખરીદનારા માટે સ્ટેમ્પ ડ્યૂટી નાબૂદ કરવાનું હતું. હેમન્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે વધારાના આઉટલે છતાં આગામી દાયકાની મધ્યમાં ખાધનાબૂદીના તેમના લક્ષ્યાંકને કોઈ આંચ આવશે નહિ.
દર વર્ષે વધારાના ૩૦૦,૦૦૦ ઘર
હેમન્ડે હાઉસિંગની સમસ્યા હળવી કરવા ૨૦૨૦ની મધ્ય સુધીમાં ૧૫.૩ બિલિયન પાઉન્ડના મૂડી ભંડોળ સહિત કુલ ૪૪ બિલિયન પાઉન્ડના સરકારી સપોર્ટ સાથે દર વર્ષે વધારાના ૩૦૦,૦૦૦ ઘર અને પાંચ નવા ગાર્ડન ટાઉન બાંધવાની જાહેરાત કરી હતી. જોકે, લોકલ કોમ્યુનિટીઝ સેક્રેટરી સાજિદ જાવિદે મોટા હાઉસ બિલ્ડિંગ પ્રોગ્રામને ભંડોળ આપવા ૫૦ બિલિયન પાઉન્ડનું ઋણ મેળવવા કરેલી હાકલથી આ સપોર્ટ ઓછો છે. ઘરનિર્માણ માટે જમીન મળી રહે તેની ચોકસાઈ સરકાર રાખશે. હેમન્ડે કહ્યું હતું કે મકાનો બાંધવા માટે નાના હાઉસ બિલ્ડર્સને લેન્ડ બેન્કિંગ અને અંડરરાઈટિંગ લોન્સ સહિતની શક્ય તમામ મદદ કરશે. સ્થાનિક સત્તાવાળા ખાલી પ્રોપર્ટીઝ પર ૧૦૦ ટકા કાઉન્સિલ ટેક્સ પ્રીમિયમ ચાર્જ કરી શકશે. ગયા વર્ષે ૨૧૭,૦૦૦થી વધુ ઘર બાંધવામાં આવ્યા હતા.
પ્રથમ ઘર પર સ્ટેમ્પ ડ્યૂટીની નાબૂદી
હાઉસિંગ માર્કેટમાં નોંધપાત્ર સુધારો જાહેર કરી ચાન્સેલરે પ્રથમ વખત ઘર ખરીદાનારાને ૩૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની કિંમત પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવી નહિ પડે તેમ જણાવ્યું હતું. આગામી પાંચ વર્ષમાં આશરે ૨૦ લાખ લોકોને આનો લાભ મળશે. તત્કાળ અમલી થનારા આ પગલાથી ટ્રેઝરીને વાર્ષિક ૬૦૦ મિલિયનનો બોજ પડશે. બીજી તરફ, ૫૦૦,૦૦૦ પાઉન્ડની કિંમતે પ્રથ ઘર ખરીદનારાને પણ આનો લાભ મળશે. તેમણે ફક્ત તફાવતના ૨૦૦,૦૦૦ પાઉન્ડની રકમ માટે ડ્યૂટી ભરવાની થશે. સરેરાશ ૨૦૮,૦૦૦ પાઉન્ડની પ્રોપર્ટી ખરીદનારને ૧,૬૬૦ પાઉન્ડનો ફાયદો મળશે, જ્યારે કેટલાકને ૫,૦૦૦ પાઉન્ડ સુધી ફાયદો થશે. તેમ ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું. સ્વતંત્ર OBR વોચડોગે કહ્યું હતું કે સ્ટેમ્પ ડ્યૂટી નાબૂદીથી ભાવો ઊંચકાઈ જવાના લીધે તેનો ખરો લાભ વર્તમાન મકાનમાલિકો મેળવશે.
NHS અને બ્રેક્ઝિટ માટે ફાળવણી
ચાન્સેલરે આગામી બે વર્ષના ગાળામાં NHS ને વધુ ૨.૮ બિલિયન પાઉન્ડ ફાળવવાની જાહેરાત કરી હતી. જોકે, હેલ્થ સર્વિસના સીનિયર મેનેજરોએ માગણી કરેલી ૪ બિલિયન પાઉન્ડની રકમ કરતા તે ઘણી ઓછી છે. તેમણે હેલ્થ સર્વિસ હાલ મુશ્કેલીમાં હોવાનું સ્વીકાર્યું હતું. હેમન્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે એક ટકાની વેતનવૃદ્ધિ મર્યાદા હળવી બનાવવા માટે વર્કરોએ ઉત્પાદકતા વધારવી પડશે. તેમણે વેતનવધારા માટે ભંડોળ ઉભું કરવા વધુ નાણા ફાળવ્યા ન હતા પરંતુ, કહ્યું હતું કે જરુર પડે તેઓ આ માટે તૈયાર છે. હેમન્ડે કહ્યું હતું કે બ્રેક્ઝિટની તૈયારીમાં આપણે આશરે ૭૦૦ મિલિયન પાઉન્ડ ઈન્વેસ્ટ કર્યા છે અને બે વર્ષના ગાળા માટે તેઓ વધુ ૩ બિલિયન પાઉન્ડ ફાળવી રહ્યા છે અને જરુર લાગશે તો વધુ ફાળવણી માટે પણ તેઓ તૈયાર છે. તેમણે અગાઉ બ્રેક્ઝિટ વોરચેસ્ટ તરીકે ૨૬ બિલિયન પાઉન્ડ અલગ ફાળવ્યા જ છે.
શિક્ષણ ક્ષેત્રને વધુ ફાળવણી
વૈશ્વિક માર્કેટમાં યુકે સ્પર્ધાત્મક પરિબળ તરીકે રહી શકે તે માટે તેમણે મેથ્સના શિક્ષણ માટે ૧૮૦ મિલિયન પાઉન્ડના રોકાણની જાહેરાત કરી હતી. મેથ્સ એ-લેવલનો અભ્યાસ કરતા વધારાના દરેક વિદ્યાર્થીદીઠ શાળા અને કોલેજોને વધારાના ૬૦૦ પાઉન્ડ મળશે, જેનો ઉપયોગ તેઓ સારી જોગવાઈના રોકાણમાં કરી શકશે. વધુ ૮,૦૦૦ કોમ્પ્યુટર શિક્ષકોને તાલીમ આપવા હેમન્ડે ૮૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ફાળવી છે. આ ઉપરાંત, નબળી શાળાઓમાં શિક્ષકોને તેમની કુશળતા સુધારવા માટે દરેકને ૧,૦૦૦ પાઉન્ડ સુધીની તાલીમ ગ્રાન્ટ ઓફર કરાશે.
હેમન્ડ પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ નહિ લાદવાના દબાણને વશ થયા હતા અને ફ્યૂલ ડ્યૂટીમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. કેમ્પેઈન ગ્રૂપ ફેરફ્યૂલ યુકેના ૩૦,૦૦૦થી વધુ સમર્થકોએ પરિવારો અને બિઝનેસીસ પર ફ્યૂલ ટેક્સ નહિ લાદવા ઈમેઈલ કર્યા હતા. લોકોને ક્રિસમસની ભેટ આપવા ચાન્સેલરે વાઈન, બિયર અને સ્પિરિટ પરની ડ્યૂટી યથાવત રાખી હતી. ગેરવર્તન કરતી બેન્કો પાસેથી પેનલ્ટી તરીકે મેળવાયેલા આખરી લિબોર ફાઈન્સમાંથી ૪.૫ મિલિયન પાઉન્ડ ગંભીર ઈજાગ્રસ્ત સૈનિકોને અપાશે.
ઓટમ બજેટ પર એક નજર..........
હાઉસિંગઃ વર્ષે વધુ ૩૦૦,૦૦૦ નવા ઘર બાંધવાનું વચન, જેના માટે પાંચ વર્ષમાં મૂડીભંડોળ, લોન્સ અને ગેરંટીઝ વડે ૪૪ બિલિયન પાઉન્ડ ફાળવાશે. સૌપ્રથમ વખત ઘર ખરીદનાર તમામને ૩૦૦,૦૦૦ પાઉન્ડની ખરીદ સુધી સ્ટેમ્પ ડ્યૂટીની નાબૂદી
વેલ્ફેરઃ યુનિવર્સલ ક્રેડિટ વેલ્ફેર પેમેન્ટ્સ માટે છ સપ્તાહ રાહ જોવી પડતી હતી તે ઘટાડી મદદના ૧.૪ બિલિયન પાઉન્ડના પેકેજના ભાગરુપે પાંચ સપ્તાહની કરાશે. શહેરોમાં ૨૦૨૭ સુધીમાં ઘરબારવિહોણાની સ્થિતિ નાબૂદ કરવા ૨૮ મિલિયન પાઉન્ડ ફાળવવા ખાતરી
ટ્રાન્સપોર્ટઃ ૨૦૨૧ સુધીમાં બ્રિટનના માર્ગો પર ટ્રાઈવરલેસ કાર દોડતી કરાશે. ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઈન્ટ્સના બાંધકામ માટે ૪૦૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ. ટ્રેનપ્રવાસ નહિ કરતા ૩૦ વર્ષથી નીચેના લોકોને મિલેનિયલ રેલ કાર્ડ આપવાની યોજના. સ્થાનિક ટ્રાન્સપોર્ટ આપવા ટ્રાન્સફોર્મિંગ સિટીઝ ફંડમાં નવા ૧.૭ બિલિયન પાઉન્ડની ફાળવણી
સ્કૂલ્સ / ટ્રેનિંગઃ મેથ્સમાં એ-લેવલ લેતા વધારાના દરેક વિદ્યાર્થીદીઠ શાળાઓને ૬૦૦ પાઉન્ડ અપાશે તેમજ ૧૨૦૦ કોમ્પ્યુટર સાયન્સ ટીચર્સને તાલીમ આપવા ૮૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ. નવી નેશનલ રીટ્રેઈનિંગ સ્કીમ હેઠળ કન્સ્ટ્રક્શન ટ્રેનિંગ માટે ૩૦ મિલિયન પાઉન્ડ અપાશે.
NHS: નેશનલ હેલ્થ સર્વિસને વધારાના ૧૨.૮ બિલિયન પાઉન્ડ અપાશે, જેમાંથી ૧૦ બિલિયન ભવિષ્યના સેવા આયોજન અને વર્તમાન રોજબરોજના બજેટ્સ માટે વધારાના ૨.૮ બિલિયન પાઉન્ડ હશે, જેમાં આગામી શિયાળાનો સામનો કરવા ૩૫૦ મિલિયન પાઉન્ડનો પણ સમાવેશ થાય છે.
ઈન્વેસ્ટમેન્ટ અને રિસર્ચઃ સંશોધન અને વિકાસ માટે વધારાના ૨.૩ બિલિયન પાઉન્ડની ફાળવણી, નેશનલ પ્રોડક્ટિવિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ વધુ એક વર્ષ લંબાવાયું અને ભંડોળ વધારીને ૩૧ બિલિયન પાઉન્ડથી વધુનું કરાયું. આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ, 5G અને સંપૂર્ણ ફાઈબર બ્રોડબેન્ડ સહિત ટેકનોલોજિકલ પહેલ માટે ૫૦૦ મિલિયન પાઉન્ડ
સિગારેટ્સ અને આલ્કોહોલઃ મોટા ભાગની વાઈન, બિયર અને આલ્કોહોલ ડ્યૂટી યથાવત રખાયાથી સિંગલ માલ્ટ વ્હિસ્કી થોડી સસ્તી થશે પરંતુ,સસ્તા વ્હાઈટ સિડાર્સને ઊંચા ટેક્સ લગાવાશે. સિગારેટ પરનો ટેક્સ બે ટકા વધારા વત્તા ફૂગાવા સહિત રહેશે.
ફ્યૂલઃ ફ્યૂલ ડ્યૂટીને ફરી યથાવત રખાઈ છે, જે ૪૦ વર્ષમાં સૌથી લાંબો સમયગાળો બની રહેશે.
ટેક્સઃ આગામી એપ્રિલથી પર્સનલ ઈન્કમટેક્સ મર્યાદા વધીને ૧૧,૮૫૦ પાઉન્ડ થવાની હોવાથી વર્કર્સને વેતનમાં વર્ષે ૩૫૦ પાઉન્ડનો વધારો મળશે. ટેક્સ એવોઈડન્સ અને કરચોરી વિશે નવા સખત પગલાંથી ૨૦૨૨-૨૩ સુધીમાં ૪.૮ બિલિયન પાઉન્ડ મેળવાશે
ગ્રેનફેલઃ ગ્રેનફેલ ટાવર આગ કરુણાંતિકામાં અસરગ્રસ્તોને માનસિક આરોગ્ય સેવાઓ માટે વધુ ૨૮ મિલિયન પાઉન્ડ અપાશે
એન્વિરોન્મેન્ટઃ પ્લાસ્ટિક કચરા વિશે નવી લેવી મુદ્દે પરામર્શ
બિઝનેસઃ આગામી એપ્રિલથી બિઝનેસ રેટ્સની ગણતરી માટે ફૂગાવાના RPI ના બદલે CPIને ઉપયોગમાં લેવાની યોજનાથી બિઝનેસીસને પાંચ વર્ષમાં ૨.૩ બિલિયનની બચત થશે
બ્રેક્ઝિટઃ બ્રેક્ઝિટની તૈયારી માટે વધારાના ૩ બિલિયન પાઉન્ડ અલગ રખાશે
જાહેર ક્ષેત્ર વેતન મર્યાદાઃ સ્ટાફ માટે એક ટકાની જાહેર ક્ષેત્ર વેતન મર્યાદા દૂર કરવાનો સંકેત અપાયો. જોકે, આ માટે નવા ભંડોળની સ્પષ્ટતા કરાઈ નથી
--------------------------------
આવકના સ્રોતઃ (રકમ પાઉન્ડમાં)
કુલ જાહેર ક્ષેત્રીય રેવન્યુ અંદાજ-- ૭૬૯ બિલિયન
બિઝનેસ રેટ્સ- ૩૦ બિલિયન
કાઉન્સિલ ટેક્સ- ૩૪ બિલિયન
એક્સાઈઝ ડ્યૂટીઝ- ૪૯ બિલિયન
અન્ય (નોન ટેક્સીસ)- ૫૧ બિલિયન
કોર્પોરેશન ટેક્સ- ૫૫ બિલિયન
અન્ય (ટેક્સીસ)- ૮૬ બિલિયન
નેશનલ ઈન્સ્યોરન્સ- ૧૩૪ બિલિયન
VAT- ૧૪૫ બિલિયન
ઈન્કમ ટેક્સ- ૧૮૫ બિલિયન
-------------
ખર્ચાઃ (રકમ પાઉન્ડમાં)
કુલ જાહેર ક્ષેત્રીય ખર્ચનો અંદાજ-- ૮૦૮ બિલિયન
ઈન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર અને રોજગાર- ૨૩ બિલિયન
હાઉસિંગ અને પર્યાવરણ- ૩૧ બિલિયન
પર્સનલ સોશિયલ સર્વિસીસ- ૩૨ બિલિયન
કાયદા-વ્યવસ્થા અને સુરક્ષા- ૩૫ બિલિયન
ટ્રાન્સપોર્ટ- ૩૫ બિલિયન
ઋણ પર વ્યાજ- ૪૧ બિલિયન
ડિફેન્સ- ૪૯ બિલિયન
અન્ય (ઈયુ સહિત)- ૫૩ બિલિયન
એજ્યુકેશન- ૧૦૨ બિલિયન
હેલ્થ- ૧૫૫ બિલિયન
સામાજિક સુરક્ષા- ૨૫૨ બિલિયન


