ઓનલાઈન ખરીદીમાં પ્લાસ્ટિકના રમકડાં કેટલાં સલામત?

Wednesday 11th August 2021 05:38 EDT
 
 

લંડનઃ ઓનલાઈન ખરીદાયેલા પ્લાસ્ટિકના રમકડાંમાથી ૪૦ ટકાથી વધુ યુકેના સલામતી પરીક્ષણોમાં નિષ્ફળ ગયા હોવાનું કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના અહેવાલમાં જણાવાયું છે. કેટલાંક રમકડાં શ્વાસ રુંધાવા કે ગળે ફાંસો લાગી જવાનું જોખમ ધરાવતા હોવાની ચેતવણી પેરન્ટ્સને આપવામાં આવી છે. Which?ના તપાસકારો દ્વારા એમેઝોન માર્કેટપ્લેસ, અલીએક્સપ્રેસ, ઈ-બે અને વિશમાંથી ખરીદેલાં ૨૮ રમકડાંનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી ૧૨ રમકડાં કુલ ૫૦ સુરક્ષા ધોરણોમાં નિષ્ફળ જણાયાં હતાં.

કન્ઝ્યુમર ગ્રૂપ Which? દ્વારા પેરન્ટ્સને ઓનલાઈન ખરીદાતાં પ્લાસ્ટિક ટોઈઝ સામે ચેતવણી આપી છે. કન્ઝ્યુમર ગ્રૂપે Amazon Marketplace, AliExpress, eBay અને Wish પાસેથી ૨૮ રમકડાંની ઓનલાઈન ખરીદી કરી તેમનું યુકે સેફ્ટી માપદંડો અનુસાર પરીક્ષણ કર્યું હતું. આમાંથી ૪૦ ટકાથી વધુ એટલે કે ૧૨ રમકડાં એક અથવા વધુ પરીક્ષણોમાં નિષ્ફળ નીવડ્યાં હતાં. ગ્રૂપની તપાસકારોએ જણાવ્યા મુજબ ૧૨ રમકડાંમાં કુલ ૫૦ સુરક્ષા-સલામતી જોખમો જોવાં મળ્યા હતા અને તેમાંથી ૧૦ રમકડાંથી બાળકોને શ્વાસોચ્છશ્વાસ રુંધાવાનું અને બે રમકડાંથી ગળે ફાંસો લાગી જવાનું જોખમ જણાયું હતું. બે રમકડાંમાં સહેલાઈથી હાથમાં આવે તેવાં મેગ્નેટ્સ અથવા બેટરીઝ હતી જેનાથી બાળકો તેને ગળી જાય અને ગંભીર ઈજા થાય તેવું જોખમ જણાયું હતું. Which? ચકાસણીમાં નિષ્ફળ રમકડાંમાંથી પાંચ ઉત્પાદનો ‘વિશ’ પરથી વેચાયા હતા જ્યારે ત્રણ-ત્રણ ઈબે અને અલીએક્સપ્રેસ અને એક ઉત્પાદન એમેઝોન માર્કેટપ્લેસ પરથી વેચાયું હતું.

સૌથી ખતરનાક રમકડું ૫૧ પીસનો ડોક્ટર્સ પ્લેસેટ હતું જેને વિશ પર બેબી અથવા ટોડલર- ભાંખોડિયા ભરતાં બાળકના રમકડા તરીકે વેચવામાં આવતું હતું. આ પ્લેસેટમાં ટોય પ્લાસ્ટર્સ અને દવાની પિલ્સ સહિત શ્વાસ રુંધવાના જોખમ સાથેના ૨૦ રમકડાં હતાં. આ સેટમાં કાતર અને નોટપેડ સહિત મોટા ભાગના રમકડાં નાના અને જોખમી ટુકડા થઈ જાય તેવા હતા. આ જ પ્રકારનો ડોક્ટર્સ સેટ અલીએક્સપ્રેસ પર વેચાયો હતો જેમાં, ૧૦ સાધનો શ્વાસ રુંધવાના જોખમ ધરાવતા હતાં. ડોક્ટરના કોટ પરની લાંબી દોરી બાળકોનાં ગળામાં ફસાઈ જવાનું જોખમ ઉભું કરે તેમ હતી.

એમેઝોન માર્કેટપ્લેસ પરથી વેચાયેલા મેગ્નેટિક બિલ્ડિંગ બ્લોક્સના સેટ ત્રણ અને તેથી વધુ વયના બાળકો માટે છે. આ બ્લોક્સ તૂટીને નાના મેગ્નેટ્સમાં ફેરવાય તેવા હતા. વર્તમાન સ્ટાન્ડર્ડ હેઠળ મળતી છૂટ કરતા તે ચાર ગણા શક્તિશાળી હતા અને તેનાથી શ્વાસ રુંધાવાનું જોખમ થઈ શકતું હતું. Which?ને વિશ પરથી વેચાતા ટોય ટેબ્લેટમાં બેટરી કવર ઝડપથી છૂટું કરી શકાતું અને તેમાંથી બટન બેટરી દેખાતી હોવાનું જણાયું હતું. મેગ્નેટ્સ અને બટન બેટરીઝ ગળવામાં આવે તો કેમિકલ્સથી દાઝવા અને શ્વાસ રુંધાવા સહિતની ગંભીર ઈજા થઈ શકે છે.

Which? દ્વારા તેના પરીક્ષણોથી ચાર ઓનલાઈન માર્કેટપ્લેસને માહિતગાર કરાયા પછી પરીક્ષણોમાં નિષ્ફળ ગયેલા ૧૨ ઉત્પાદનોને વેચાણમાંથી દૂર કરાયા હતા. પરીક્ષણો હેઠળના ઉત્પાદનોના ચાર ઓનલાઈન વેચાણકારો એમેઝોન માર્કેટપ્લેસ, અલીએક્સપ્રેસ, ઈ-બે અને વિશના પ્રવક્તાઓએ ગ્રાહકોની સલામતી મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવી તત્કાળ પગલાં લઈ નિષ્ફળ ઉત્પાદનોના વેપારી સામે કડક પગલાં લેવાની ખાતરી ઉચ્ચારી હતી.

યુકેના રીટેઈલર્સથી વિપરીત ઓનલાઈન માર્કેટપ્લેસ તેમના પ્લેટફોર્મ્સ પર વેચાતા ઉત્પાદનો બાબતે સલામતી જરુરિયાતોની મર્યાદિત જવાબદારી ધરાવે છે. આના પરિણામે, અસુરક્ષિત રમકડાં અને ઉત્પાદનો તેમને ત્યાંથી વેચાયા કરે છે. યુકેના પ્રોડક્ટ સેફ્ટી રેગ્યુલેટર, ધ ઓફિસ ફોર પ્રોડક્ટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ હાલમાં ઓનલાઈન વેચાણના નિયંત્રણ સહિત પ્રોડક્ટ સેફ્ટી સિસ્ટમની સમીક્ષા કરી રહેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter