લંડનઃ કેન્ટની ૪૨ વર્ષીય માતા નિકોલ એલ્કાબાસે પોતાને ઓવરીનું કેન્સર હોવાની વાત ફેલાવી લોકોની હમદર્દી પ્રાપ્ત કરવા સાથે શુભેચ્છકો સાથે ૫૨,૦૦૦ પાઉન્ડથી વધુ રકમની ઠગાઈ આચરી હતી. નિકોલે કેન્સરની સારવાર માટે હમદર્દો પાસેથી મેળવેલી દાનની રકમ મોજશોખ અને વૈભવી લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચી નાખી હતી. નિકોલે નવેમ્બરમાં પોતાના ગુનાઓની કબૂલાત કર્યાં પછી કેન્ટરબરી ક્રાઉન કોર્ટના જજ માર્ક વિક્સે ૧૧ ફેબ્રુઆરીએ તેને બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
કેન્ટના બ્રોડસ્ટેઈર્સની એલ્કાબાસે ઓવેરિયન કેન્સરની જીવનરક્ષક સારવારના નામે હજારો પાઉન્ડની રકમ હાથ કરવાં ‘GoFundMe’ પેજ બનાવ્યું હતું. ફંડરેઈઝિંગ પેજનું નામ ‘નિકોલ નીડ્સ અવર હેલ્પ ટ્રીટમેન્ટ’ નામ અપાયું હતું. આ પેજ એલ્કાબાસે તૈયાર કર્યું હતું પરંતુ, તેની સતત કાળજી લેતી માતાએ બનાવ્યું હોવાનો દેખાવ કર્યો હતો. પેજમાં એલ્કાબાસ ૧૧ વર્ષની બાળકની પ્રેમાળ માતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. એલ્કાબાસે આ પેજમાં ત્રણ ઓપરેશન અને કીમોથેરાપીના છ રાઉન્ડના આઘાતની જાણકારી આપવા સાથે સ્પેનમાં શોધાયેલી ભારે ખર્ચાળ દવાથી જ તેનું જીવન બચી શકે તેમ હોવાનું પણ જણાવ્યું હતું. તેણે જાન્યુઆરી ૨૦૧૮માં કીહોલ સર્જરી કરાવી હતી જેમાં તેની બંને ઓવરી નોર્મલ હોવાનું ડોક્ટરોએ નિવેદનમાં જણાવ્યું હતું. આ સર્જરીનો ખર્ચ પણ ખાનગી હેલ્થકેર ઈન્સ્યુરન્સ દ્વારા ચૂકવાયો હતો. જેની પાસે કેન્સરનું નિદાન કરાવ્યાનો દાવો કર્યો હતો તે ડોક્ટરે જુબાનીમાં કહ્યું હતું કે એલ્કાબાસ કદી તેની પેશન્ટ ન હતી.
જુઠ્ઠું બોલવાની આદત ધરાવતી નિકોલે હોસ્પિટલમાં સૂતી હોવાની તસ્વીર પણ સામેલ કરી હતી જે વાસ્તવમાં અગાઉ ગોલબ્લેડરનું ઓપરેશન કરાયું હતું ત્યારની હતી. દાનમાં મળેલાં આ નાણા તેણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને જુગારની આદત, વધતાં દેવાંની ચૂકવણી, વિદેશ પ્રવાસ અને ૩,૦૦૦ પાઉન્ડની સ્પુર્સ બોક્સ ટિકિટ્સ જેવાં મોજશોખ પાછળ વાપરી નાખ્યાં હતાં. એલ્કાબાસે પોતાને જુગારની આદત હોવાનું સ્વીકારતાં કહ્યું હતું કે તેણે એક વર્ષમાં ૬૦,૦૦૦ પાઉન્ડથી વધુ ખર્ચ જુગારમાં કર્યો હતો.
જજે સજા સંભળાવતા કહ્યું હતું કે,‘તારા જુઠાણાંની જાળમાં ફસાઈ લોકો તને નાણા આપે તે માટે સારવારની વિગતો અને ચિત્ર પણ રજૂ કર્યાં હતાં. તારાં બાળકનો ઉપયોગ કરી લોકોની સંવેદનાઓના તાર ઝણઝણાવી નાણા ખંખેરવા પ્રયાસ કર્યો હતો. આ બધાં સમય દરમ્યાન, તમે તેમના ખર્ચે ઈટાલી અને સ્પેનમાં ખરીદારી અને મોજશોખ કરવામાં મહાલતાં હતાં. તારાં જેવાં કેસથી સમાજના પરોપકારી લોકોમાં અવિશ્વાસ સર્જાય છે.’ જજે એલ્કાબાસની પ્રવૃત્તિને કેન્સરનો બહાદૂરીથી સામનો કરી રહેલા સાચા લોકોના અપમાન સમાન ગણાવી હતી.
નવેમ્બરની સુનાવણીમાં એલ્કાબાસને તેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાસફર કરેલાં દાનના નાણામાંથી ક્રિમિનલ પ્રોપર્ટી હાંસલ કર્યાના ગુનાની દોષિત પણ જણાઈ હતી. ‘GoFundMe’ પેજના ૬૯૭ દાન થકી કુલ ૩૧,૫૬૦ પાઉન્ડ સીધાં અપાયા હતા જ્યારે, ફંડરેઈઝિંગ સાઈટ દ્વારા ૧૩,૫૦૦ પાઉન્ડ ઓફલાઈન અપાયાનો ઉલ્લેખ છે. કેટલાક લોકોએ એલ્કાબાસના એકાઉન્ટમાં નાણા સીધાં ટ્રાન્સફર કર્યા હતા.
જજ વિક્સે જણાવ્યું હતું કે હેરોડ્સની પૂર્વ ફેશન કન્સલ્ટન્ટે ઓછામાં ઓછાં ૫૨,૮૫૦ પાઉન્ડની છોતરપિંડી આચરી હતી અને એક સ્પૂર્સ ફૂટબોલ મેચ જોવાં લક્ઝરી બોક્સ માટે ૩,૫૯૨ પાઉન્ડ ખર્ચ્યાં હતાં. ડિટેક્ટિવ્ઝે જણાવ્યું હતું કે એલ્કાબાસે દાનના ૮,૦૦૦ પાઉન્ડ જુગારમાં ગુમાવ્યાં હતાં અને ૧૪,૦૦૦ પાઉન્ડ જુગારના જૂના દેવાંની ચૂકવણીમાં ઉડાવ્યાં હતાં. તેણે ૬,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ રોમ, ઈટાલી, સ્પેનના શહેરો એલિકેન્ટ અને બાર્સેલોનામાં વૈભવી વેકેશન ગાળવા માટે વાપર્યાં હતાં. આઠ વર્ષ અગાઉ ઓવેરિયન કેન્સરમાં પોતાની પરમ મિત્ર ગુમાવનારી મિશેલ બૂકરે પોતાના ચેરિટેબલ ટ્રસ્ટ થકી ૬,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનું દાન આપ્યું હતું.


