કટ્ટરવાદી શરીઆ અદાલતોની વૃદ્ધિ સામે ચેતવણી

Wednesday 08th January 2020 01:59 EST
 
 

લંડનઃ બ્રિટિશ કાનૂની પદ્ધતિની સમાંતર શરીઆ અદાલતોનું અસ્તિત્વ તેમજ શરીઆ કાયદાઓનો અમલ ફરી એક વખત પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં કેટલાક કર્મશીલોએ પુરુષોના સ્ત્રીઓ સાથે ધાર્મિક સમારોહમાં લગ્ન કરવા અને તેમના સંબંધને કાનૂની નોંધણી કરાવવાના વધતા ઈનકારની વધતી સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આના પરિણામે, લગ્નથી દુઃખી સ્ત્રીઓએ ધાર્મિક અદાલતો સમક્ષ જવાની ફરજ પડે છે જેમાં, તેમના પાર્ટનર્સ સાથે જ રહેવાની ફરજ પાડતા કેટલાક ચુકાદાઓ અપાય છે. યુકેમાં ૨૦૧૮ સુધીમાં આશરે ૩૦-૮૫ શરીઆ કોર્ટ્સ કાર્યરત હોવાનો અંદાજ છે પરંતુ, આવી ‘કોમ્યુનિટી’ અથવા ‘ધાર્મિક સંસ્થાઓ’ની ચોક્કસ સંખ્યા કેટલી છે તેનો સ્પષ્ટ સરકારી ડેટા કે રિપોર્ટ નથી.

કાઉન્સિલ ઓફ એક્સ-મુસ્લિમ્સ ઓફ બ્રિટનના ગીતા સહેગલ કહે છે કે,‘ સૌપ્રથમ શરીઆ કોર્ટ ઈસ્ટ લંડનમાં અને તે પછી રિજન્ટ્સ પાર્ક મસ્જિદમાં ૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં સ્થપાઈ હતી. આ દરેકમાં અહલે હદીથ અને જમાત-એ-ઈસ્લામી સહિત વિવિધ પશ્ચાદભૂ સાથેના વિદ્વાનો અથવા લોકો છે. મોટા ભાગે આ લોકો સાઉથ એશિયન મુસ્લિમ છે તેમજ કેટલાક મૌલવી અથવા વિદ્વાનો યુરોપિયન અને મધ્ય-પૂર્વીય કટ્ટરવાદી સંગઠનોના પણ છે.’

નસરીન અખ્તર વિ. મોહમ્મદ ખાન કેસ

સરકારે એટર્ની જનરલ થકી સીમાચિહ્નરુપ નસરીન અખ્તર વિ. મોહમ્મદ ખાન કેસમાં હસ્તક્ષેપ કર્યા પછી ચેતવણીઓ બહાર આવી છે. કાનૂની રીતે લગ્ન નહિ કર્યાંની હકીકત છતાં સ્ત્રી મેન્ટેનન્સ પેમેન્ટ્સ માટે અરજી કરવાનો અધિકાર ધરાવે છે તેવા ફેમિલિ કોર્ટના જજના ચુકાદાને ઉલટાવવાનો સરકારે પ્રયાસ કર્યો હતો. ૪૭ વર્ષીય સોલિસિટર અખ્તરે જણાવ્યું હતું કે તે સિવિલ મેરેજ કરવા ઉત્સુક હતી અને આમ કરાશે તેવી તેની ધારણા હતી પરંતુ, તેના પતિએ ઈનકાર કર્યો હતો. બિઝનેસમેન પતિ ખાને બીજા લગ્ન કરવાની ઈચ્છા દર્શાવ્યા પછી તેમના લગ્નનો અંત આવ્યો હતો. પતિએ તેમના લગભગ બે દાયકાના સંબંધ ‘નોન-મેરેજ’ હોવાના દાવા સાથે પત્નીને કશુ પણ આપવાની જવાબદારી નકારી હતી. આ કેસમાં આખરી ચુકાદા થોડા મહિનામાં આવવાની શક્યતા છે. જોકે, ઈસ્ટ લંડનમાં ઈસ્લામિક શરીઆ કાઉન્સીલમાં વિદ્વાન ખોલા હસને ગત વર્ષે ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશમાં ‘વન-મેન’ શરીઆ કાઉન્સિલોની સંખ્યા વધવા સાથે બ્રિટિશ મુસ્લિમ મહિલાઓ સામે ભેદભાવનું જોખમ છે.

સહેલ વધુમાં કહે છે કે, ‘આ પ્રકારની તમામ શરીઆ કાઉન્સિલોનાં અભ્યાસમાં મુક્ય નીરિક્ષણ એ જોવાં મળે છે કે તેઓ ડાઈવોર્સ, વારસાઈ અને કસ્ટડીના કાયદા સંદર્ભે પછાત શરીઆ કાયદાઓનું ચુસ્તપણે અનુસરણ કરે છે. આ કાયદાઓ બ્રિટિશ કાયદાઓથી ભિન્ન છે એટલું જ નહિ, બાંગલાદેશ અને પાકિસ્તાન જેવાં સાઉથ એશિયન દેશોમાં અનુસરાતા કાયદાઓથી પણ અલગ છે. આનો સીધો અર્થ એ છે કે સાઉથ એશિયન દેશોમાં ફેમિલી કોર્ટ્સ જેનું સમર્થન કર્યું હોઈ શકે તેને યુકેની શરીઆ અદાલતો માન્ય રાખતી નથી. એક રીતે આ શરીઆ કાઉન્સિલો આપણને પાકિસ્તાન કે બાંગલાદેશની કોર્ટ્સ કરતાં પણ વધુ પછાત અવસ્તામાં ધકેલી રહી છે. આ તફાવત સમજવા અગત્યનો છે કારણકે લોકો એમ માનવા પ્રેરાય છે કે આ સાઉથ એશિયન દેશોમાંથી આવતા બધા ઈમિગ્રન્ટ્સ આવા વિચારો સાથે યુકેમાં આવ્યા છે. જોકે, આ સત્ય નથી. આ લોકો અહીં યુકેમાં કાર્યરત મુસ્લિમ્સ બ્રધરહુડ સંગઠનોથી પ્રભાવિત થાય છે.’

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ચુકાદાઓનો અમલ

સહગલ અનુસાર અહીંની શરીઆ કોર્ટ્સનાં કેટલાક ચુકાદા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) જેવી સંસ્થાઓના સિદ્ધાંતો કે ચુકાદાઓને અનુસરે છે. AIMPLB બિનસરકારી સંસ્થા હોવાં છતાં તેમાં કટ્ટરવાદી વહાબી અને સલાફી ઈસ્લામિક સંગઠનોનો પ્રભાવ છે.

સહગલે ભારપૂર્વક કહ્યું હતું કે,‘ સુહૈબ હસન અને અબુ સઈદ જેવા લોકો અન્યો સમક્ષ તો તેઓ કાઉન્સિલના માત્ર સભ્ય હોવાનો દાવો કરે છે પરંતુ, તેઓ પોતાને આ શરીઆ અદાલતોના ભાગરુપે કાનૂની ડાઈવોર્સીસ જારી કરનારી ‘ન્યાયિક સત્તા’ તરીકે લેખાવે છે. મારાં મતે બ્રિટિશ સરકારે આ બાબતે કશું જ કર્યું નથી.’

શરીઆ કાઉન્સિલોમાં હોમ ઓફિસની સ્વતંત્ર તપાસ

શરીઆ કાઉન્સિલો વિશે ગત વર્ષની સ્વતંત્ર સમીક્ષામાં સંસ્થાઓ ‘સ્ત્રીઓ સામે ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવતી’ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. આનું કારણ એ છે કે ઈસ્લામિક કાયદાઓ પુરુષને તેમના લગ્નનો અંત આવે છે તેવી સાદી જાહેરાત સાથે તેમની પત્નીઓને ડાઈવોર્સ આપવાનો અધિકાર આપે છે પરંતુ, પત્નીએ પતિને ડાઈવોર્સ આપવા સ્કોલરની પરવાનગી લેવાની રહે છે. હોમ ઓફિસ દ્વારા કરાવાયેલી સમીક્ષામાં જણાવાયું હતું કે યુકેમાં ૮૫ જેટલી શરીઆ કાઉન્સિલ છે.

યુકે સરકારે ૨૦૧૫માં યુકેમાં શરીઆ કાઉન્સિલોની કામગીરી વિશે સ્વતંત્ર તપાસ યોજવાનું જાહેર કર્યું હતું. ૩૦૦થી વધુ કર્મશીલો, પીડિતા અને માનવ અધિકાર જૂથોએ ખુલ્લા પત્રમાં સહી સાથે થેરેસા મેને ઈન્ક્વાયરી પર દેખરેખ રાખવા પસંદ કરાયેલી પેનલને રદ કરવા અનુરોધ કર્યો હતો. આ કર્મશીલોનો મત ’એવો હતો કે સરકારે મુસ્લિમ મહિલાઓના અધિકારોને સુરક્ષિત રાખવા માટે કશું કર્યું જ નથી.

સહગલે ભારપૂર્વક જણાવ્યું હતું કે,‘એવું નથી કે બ્રિટિશ સરકાર પાસે હસ્તક્ષેપ કરવા માટે સત્તાવાર સત્તા નથી. સરકાર દેશમાં કોમ્યુનિટી અને ધાર્મિક સંગઠનોના અસ્તિત્વનો ઉલ્લેખ કરી પોતાના હસ્તક્ષેપના અભાવનો બચાવ કરે છે. આ બધી ધાર્મિક સંસ્થાઓને યથાવત્ સ્થિતિ જાળવી રાખવામાં હિતો રહેલાં છે. સરકાર તે એક ધર્મ તરફ દુશ્મનાવટ રાખતી હોવાનું દર્શાવવા માગતી નથી અને આવી ધાર્મિક સંસ્થાઓ અને તેમના નિયમો-કાયદાઓના હિતો સુરક્ષિત રાખવા માગે છે.’ સાઉથોલ બ્લેક સિસ્ટર્સના પ્રજ્ઞા પટેલ જેવા કેટલાક કર્મશીલોએ મુસ્લિમ કોમ્યુનિટી અને અન્ય લઘુમતી જૂથોમાં ‘ કટ્ટરવાદી ધોરણો વધતાં’ હોવાનું દર્શાવ્યું છે. તેઓ કહે છે કે આ મુદ્દાના કેન્દ્રમાં ‘ધાર્મિક સત્તા’ રહેલી છે અને લોકો સિવિલ કાયદાના બદલે ધાર્મિક કાયદાઓનું પાલન કરવાની લાગણી રાખે તેવું વાતાવરણ સર્જવામાં સમગ્રપણે વ્યાપક કોમ્યુનિટી પણ સમાન રીતે દોષિત ગણાય.’

‘જ્યારે સ્ત્રીઓ શરીઆ કોર્ટ્સ અથવા ‘ધાર્મિક કોર્ટ્સ’ સમક્ષ જાય ત્યારે તેઓ મોટા ભાગે સ્ત્રીઓની વિરુદ્ધ રહે તેવા ચુકાદા આપે છે અને સ્ત્રીઓને લગ્નમાં બંધાઈ રહેવું પડે તેવી ફરજ પાડવાનો પ્રયાસ કરે છે. આવી સંસ્થાઓ સ્ત્રીઘૃણાપ્રેરિત, પુરુષપ્રધાન અને લોકશાહીવિરોધી છે. આ સંસ્થાઓ સ્ત્રીઓના અધિકારો પર વધુ અને વધુ તરાપ મારે છે. જો કાયદો અમારા વિરુદ્ધ જશે તો તે સ્ત્રીઓને નાગરિક ન્યાયપદ્ધતિની બહાર ફેંકી દેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter