કથક નૃત્યાંગના વિદ્યા પટેલ યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના ‘The Troth’માં ચમકશે

રાણી સિંહ Wednesday 03rd January 2018 07:41 EST
 
 

લંડનઃ યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરમાં આપણને વિવિધ કળા અને કળાકારો જોવાં મળ્યા છે. જોકે, કથક ડાન્સર અને બ્રિટિશ આર્મી સાથે જોવા મળે તેની તો કલ્પના પણ કરી શકાતી નથી. બર્મિંગહામના કથક ડાન્સર વિદ્યા પટેલે સેડલર્સ વેલ્સ ખાતે બીબીસી યંગ ડાન્સર ૨૦૧૫ની સ્પર્ધાની ગ્રાન્ડ ફાઈનલ્સમાં સાઉથ એશિયન કેટેગરીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે તેઓ ‘The Troth’માં વેસ્ટર્ન કન્ટેમ્પરરી કોરિયોગ્રાફીમાં પરફોર્મ કરશે. વિદ્યાનું ડોલન કથક નૃત્યશૈલીમાં તેની પાયાગત તાલીમના લીધે માણવાલાયક રહેશે.

અકાદમીના આગામી પ્રોડક્શન ‘The Troth- ઉસને કહા થા’માં વિદ્યા નાયિકા લીલાની ભૂમિકા ભજવે છે. ગેરી ક્લાર્ક દ્વારા કોરિયોગ્રાફ કરાયેલું આ પ્રોડક્શન યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના ભાગરુપે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૮ના ગાળામાં ભારત અને યુકેનો પ્રવાસ ખેડશે. ‘The Troth’નું વર્લ્ડ પ્રીમિયર જયપુરમાં ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અને યુકેમાં તેનું પ્રીમિયર લેસ્ટરના કર્વમાં ૨૦૧૮ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાશે. પ્રથમ વિશ્વ યુદ્ધની ૧૦૦ વર્ષ જૂની હિન્દી વાર્તા કહેવા માટે આ કાર્યક્રમમાં આર્કાઈવ અને મૂંગી ફિલ્મના ફૂટેજ, ઉદ્બોધક સાઉન્ડસ્કોર અને શક્તિશાળી નૃત્યનો ઉપયોગ કરાયો છે. ચંદ્રધર શર્મા ગુલેરીની વાર્તા ‘ઉસને કહા થા’ પ્રથમ હિન્દી ટુંકી વાર્તા મનાય છે.

વિદ્યા પટેલ કથકને ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રકાર ગણાવે છે, જેમાં પગની તાલબદ્ધ થપાટ, હાવભાવના જટિલ અને બારીક ભેદ, શરીરના ઉપલા ભાગના પ્રવાહિત હલનચલન અને તીવ્ર ઘુમાવ તેમજ અભિવ્યક્તિથી ગાણિતિક રચનાઓનું રુપાંતર કરાય છે. તેઓ કહે છે કે, ‘કથક ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રકાર છે, જે સંસ્કૃત શબ્દ કથા એટલે કે વાર્તા પરથી ઉતરી આવેલ છે. પરંપરાગત રીતે કળાનું આ સ્વરુપ પ્રવાસ કરતા કથાકારો દ્વારા ઉપયોગમાં લેવાતું હતું, જેઓ વાર્તા કહેતા હતા. જ્યારે મોગલોએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ કળા સ્વરુપ સમ્રાટો સમક્ષ ભવ્યતા સાથે રજૂ કરાતું હતું. આ સમયથી આ નૃત્યશૈલીમાં વધુ કૌશલ્ય અને નિખારનો વિકાસ થયો હતો.’

ભારતની અન્ય નૃત્યશૈલીઓથી કથક કેવી રીતે અલગ પડે છે તે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ‘કથક કળાસ્વરુપમાં જ સુધારો થતો રહ્યો છે. કથકની કઈ નવી રચનાઓ રજૂ કરવી તેનો નિર્ણય કરવા કથકના વરિષ્ઠ અને દંતકથારુપ કળાકારો તબલાવાદકો સાથે તાલ મેળવી સુધારાઓ કરતા રહેતા હતા. આના પરિણામે નૃત્યકાર અને સંગીતકારો માટે જ નહિ, ઓડિયન્સને પણ રહસ્ય અને રોમાંચના સર્જનનો અનુભવ મળતો હતો. કળા સ્વરુપના ગંભીર અને ઉચ્ચ સમજ કેળવાય તે પછી જ આવા ફેરફાર કરી શકાય છે.’

વિદ્યા પટેલને કથકની લગની કેવી રીતે લાગી તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, ‘મારાં માતાપિતાએ મને નાની વયે જ સ્થાનિક કથક ક્લાસીસમાં પ્રવેશ અપાવ્યો હતો. હું બર્મિંગહામની મુલાકાતે આવતા વિવિધ કળાકારોને નિહાળતી હતી. કથકનાં સૌંદર્ય અને તેની રજૂઆતમાં જે શક્તિ જોઈએ તેનાથી હું મંત્રમુગ્ધ હતી. મને ભરતનાટ્યમ્ સહિત અન્ય શાસ્ત્રીય નૃત્યશૈલીઓની પણ મોહિની હતી. મારાં માતાપિતા મારી બહેનો અને મને વિવિધ નૃત્યો નિહાળવા લઈ જતાં હતાં. મારા પેરન્ટ્સનો કળાપ્રેમ અમારામાં ઉતરી આવ્યો છે. તેઓ અમે ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાઈએ તેમ ઈચ્છતાં હતાં અને અમારા વારસાની જાણકારી આપવા તેમને નૃત્યનો માર્ગ શ્રેષ્ઠ લાગ્યો હતો.’

વિદ્યા પટેલ આજે પણ યુકેમાં દુર્લભ કળાકારોમાં એક છે અને કથક સાથે પૂર્ણકાલીન વ્યવસાયી તરીકે જોડાયેલાં છે. તેઓ કહે છે કે, ‘ફુલટાઈમ ફ્રીલાન્સર તરીકે નૃત્યનો સાથ લેવાનું ઉત્તેજન આપનારાં અનેક પરિબળો છે. બર્મિંગહામ ડાન્સ એક્સચેન્જ ખાતે સેન્ટર ઓફ એડવાન્સ્ડ ડાન્સ ટ્રેનિંગ (CADT) સાઉથ એશિયન સ્ટ્રાન્ડનો હિસ્સો બનવું મારી તાલીમમાં મોટી ભૂમિકારુપ રહેલ છે. હું ૨૦૦૮ના પાઈલોટ યરમાં જોડાઈ અને ૨૦૧૪માં સ્નાતક બની હતી. અહીં CADTમાં કથકના પ્રશિક્ષક અને મારાં વર્તમાન ગુરુજી સુજાતા બેનરજી સાથે પરિચય થયો હતો. શિક્ષણ અને સર્જનાત્મકતા પ્રતિ તેમનો અભિગમ પ્રેરણાદાયી હતો. હું તેમની પાસેથી વધુ શીખવા નિયમિત લંડન જતી હતી. મારાં પિતા શાળાએથી મને લંડન મૂકવા આવતા અને મધરાત્રે અમે ઘેર પાછાં આવતાં. આ એક ઉદાહરણ જ છે પરંતુ, આ વિના શીખવું મારાં માટે વધુ મુશ્કેલ બની રહેત.

નૃત્ય મારા માટે આનંદસ્વરુપ છે, તેને માણવું, નિહાળવું, નૃત્ય કરવું અને તેનો હિસ્સો બનવું. જો હું કોઈ રીતે તેની સાથે સંકળાયેલી ન હોઉં તો હું કશું ગુમાવી રહી છું તેવી જ લાગણી થતી હતી!’

વિદ્યાએ તેઓ ભવિષ્યમાં કથકનો ઉપયોગ કેવી રીતે કરવા ઈચ્છે છે તે અંગે જણાવ્યું હતું કે, ‘યુવા વર્ગ જે કળા સ્વરુપની તાલીમ લઈ રહ્યા છે તેમાં તેઓ વધુ પ્રમાણમાં પ્રોફેશનલી આગળ વધે તેમ હું ઈચ્છું છું. આ સાથે જેઓ કળાને વ્યવસાય તરીકે ઉપયોગમાં લેવા ઈચ્છતા હોય તેમને કામની તક મળી રહે તેમ કરવાની મારી ઈચ્છા છે. કળાપ્રકારની જટિલતા એટલી વધુ છે કે વ્યાપક નૃત્ય ઉદ્યોગનો હિસ્સો હોય તેવું કાર્ય અને પરફોર્મન્સ કરવાની આશા પણ રાખું છું.’ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter