કરદાતાઓ ધનિક ઉમરાવોને કામ નહિ કરવાના પણ નાણા ચુકવે છે

Wednesday 05th April 2017 07:16 EDT
 

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં ભાગ્યે જ કામગીરી બજાવતા ધનવાન ઉમરાવો માત્ર ગૃહમાં હાજર થઈને જ કરદાતાઓ પાસેથી વર્ષે ૪૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ ખંખેરી લે છે. ઉમરાવોએ ગૃહની ચર્ચામાં બોલવું, લેખિત પ્રશ્નો પૂછવા કે કમિટીઓમાં હાજરી આપવી જરૂરી ગણાતું નથી. તેમને ગૃહમાં માત્ર હાજર થવાના જ ૩૦૦ પાઉન્ડ એટેન્ડન્સ એલાવન્સ તરીકે મળી જાય છે. તેમણે ગૃહમાં હાજરી નોંધતા અધિકારીઓની નજરમાં આવી જવાનું જ કામ કરવાનું રહે છે. જોકે, આવા ક્લેઈમ્સ કરીને કોઈ ઉમરાવે નિયમભંગ કર્યો નથી. હાઉસ ઓફ લોર્ડ્સમાં ૮૦૦થી વધુ સભ્યો સભ્યો છે તેમને ઘટાડવા તેમજ ગૃહની કામગીરીમાં સક્રિય ફાળો આપતા ન હોય તેમને દૂર કરવાની માગણી હવે વધુ જોર પકડે તેમ પણ મનાય છે.

સન્ડે ટાઈમ્સના ઈન્વેસ્ટીગેશન મુજબ બ્રિટનના સૌથી ધનવાનોમાં ૧૫૪મો ક્રમ ધરાવતા ૮૪ વર્ષના લોર્ડ સ્વરાજ પોલે કોઈ પણ પ્રવચન આપ્યા વિના અથવા કોઈ કમિટીઓમાં હાજરી આપ્યા વિના જ ૪૦,૮૦૦ પાઉન્ડની માતબર રકમ એલાવન્સ તરીકે મેળવેલી છે. પૂર્વ વડા પ્રધાન જ્હોન મેજર દ્વારા ૧૯૯૬માં નિયુક્ત લોર્ડ પોલ કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી. તેમણે કેટલાક કાયદાઓ માટે મતદાન કરેલું છે. તેઓ સમગ્ર ૨૦૧૫ના વર્ષમાં ગેરહાજર રહ્યા હતા, જ્યારે નવેમ્બર ૨૦૧૬માં તેમણે બે વખત ટુંકી હાજરી આપી હતી. તેમણે ૧૩૬ દિવસ માટે ૩૦૦ પાઉન્ડના હિસાબે એલાવન્સ ક્લેઈમ કર્યું હતું.

ભારતમાં જન્મેલા અને બકિંગહામશાયરમાં વિશાલ એસ્ટેટમાં રહેતા બિલિયોનેરે સ્ટીલમાં વેપાર સાથે કારકીર્દિ આરંભી હતી. તેઓ વુલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે. જૂની એક્સપેન્સ સિસ્ટમ હેઠળ ૩૮,૦૦૦ પાઉન્ડનો ખોટો ક્લેઈમ કર્યાના મુદ્દે ૨૦૧૦માં ચાર મહિના માટે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરાયા હતા.

ગયા મહિને જ પૂર્વ લોર્ડ સ્પીકર બેરોનેસ ડિ‘સોઝાએ બીબીસી ડોક્યુમેન્ટરીમાં ચેતવણી આપી હતી કે જે ઉમરાવો એલાવન્સીસ ક્લેઈમ કરતા હોય પરંતુ, કાર્યમાં ફાળો આપતા ન હોય તેમના પર ગૃહે પકડ બનાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મોટા ભાગના ઉમરાવો સખત મહેનત કરે છે પરંતુ, નામોલ્લેખ સાથે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે તે ભયે તેમણે સુધારાનો પ્રયાસ પડતો મૂક્યો હતો.

સન્ડે ટાઈમ્સના ઈન્વેસ્ટીગેશનમાં લોર્ડ ઈવાન્સ ઓફ વોટફર્ડ, લોર્ડ કાર્સવેલ, લોર્ડ હેનિંગફિલ્ડનો પણ ઉલ્લેખ થયો છે. લેબર ઉમરાવ લોર્ડ ઈવાન્સ ઓફ વોટફર્ડ પ્રકાશન સંસ્થાના વડા છે. તેમણે ૮૩ દિવસની હાજરી માટે ૨૪,૩૦૦ પાઉન્ડનો ક્લેઈમ કર્યો છે. જોકે, તેમણે ચર્ચા કે પ્રશ્નોમાં કોઈ ફાળો આપ્યો નથી અને પાંચ બિસ પર મતદાન કર્યું છે. નોર્ધર્ન આયર્લેન્ડના ક્રોસબેન્ચર લોર્ડ કાર્સવેલે ૨૯ દિવસની હાજરી માટે ૭,૮૦૦ પાઉન્ડનો ક્લેઈમ કર્યો છે. તેમણે મત આપ્યા નથી કે લેખિત અથવા મૌખિક ફાળો આપ્યો નથી. તેઓ હાઉસ કમિટીના ચેરમેન છે પરંતું સંબંધિત સમયગાળામાં તેની કોઈ કામગીરી ન હતી. લોર્ડ કાર્સવેલે એક દિવસની હાજરી માટે વેસ્ટમિન્સ્ટરથી આવવા-જવાના ૫૫૧ પાઉન્ડ પ્રવાસભાડાં સહિત ૬,૫૦૦ પાઉન્ડના ટ્રાવેલ ખર્ચનો પણ ક્લેઈમ કર્યો છે. પૂર્વ ટોરી ઉમરાવ લોર્ડ હેનિંગફિલ્ડને તેમના ખર્ચના ખોટા હિસાબો બદલ ૨૦૧૧માં જેલની સજા થઈ હતી અને પાછળથી સસ્પેન્ડ કરાયા હતા. સન્ડે ટાઈમ્સના એનાલિસીસ મુજબ તેમણે ૨૦૧૫-૧૬માં ૧૧ દિવસની હાજરી માટે ૩,૩૦૦ પાઉન્ડનો ક્લેઈમ કર્યો હતો અને માત્ર એક ચર્ચામાં ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter