કલાવતીબહેન પટેલનું દાયકાઓની કોમ્યુનિટી સેવા બદલ હાઈ શેરીફ્સ એવોર્ડથી સન્માન

Wednesday 28th October 2026 08:36 EDT
 
 

લંડનઃ હાઈ શેરીફ ઓફ ગ્રેટર લંડન, ધ્રૂવ પટેલ CBE ના હસ્તે કલાવતીબહેન પટેલનું હાઈ શેરીફ્સ સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 17 ઓક્ટોબરે કિંગ્સબરી ગ્રીન પ્રાઈમરી સ્કૂલ, લંડન ખાતે યોજાયો હતો. લંડન ગુજરાતી સમાજની ત્રણ દાયકાથી વધુ સમયથી સ્વૈચ્છિક સેવા, વાર્ષિક ગરબા ઉજવણીઓના આયોજનમાં નેતૃત્વ અને સાસ્કૃતિક વીરાસતના જતન અને પેઢીઓને સાથે લાવવામાં સમર્પિતતાને બિરદાવવા આ એવોર્ડ એનાયત કરાયો હતો.

એવોર્ડ એનાયત કરતા ધ્રૂવ પટેલ CBEએ કોઈ પણ બદલા કે ઈનામની અપેક્ષા વિના શાંતપણે યોગદાન આપનારાને સન્માનિત કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાથર્યો હતો. હાઈ શેરીફ તરીકે તેમની જવાબદારીઓ લંડનના તમામ 32 બરોઝ સુધી વિસ્તરેલી છે, કોર્ટ્સ, પ્રિઝન્સ, પ્રોબેશન સર્વિસીસ અને ઈમર્જન્સી સર્વિસીસ સહિત જસ્ટિસ સિસ્ટમને સપોર્ટ કરવાની છે.

કલાવતીબહેન પ્રતિ આદર વ્યક્ત કરતા ધ્રૂવ પટેલે તેમણે કેવી રીતે 1992થી વાર્ષિક ગુજરાતી ગરબાના આયોજનની શરૂઆત કરી હતી તેનું સ્મરણ કર્યું હતું. તેમણે પોતાનો પરિવાર જ્યાંથી આવે છે તે ગામ સોજિત્રાની કોમ્યુનિટીના સભ્યોને એક સાથે આયોજનમાં સામેલ કર્યાં હતાં. આ પછી, તેમણે વ્યાપક છ ગામ સમુદાય સુધી ગરબા ઉજવણીને વિસ્તારી હતી તેમજ વધુ પરિવારો સામેલ થવા સાથે કોમ્યુનિટી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરી હતી. વર્ષોની તૈયારી અને ધીરજ સાથે કલાવતીબહેને પેઢીઓ માટે તેમની પરંપરાઓને ઉજવવાં, મિત્રતાને રીન્યુ કરવા અને તેમની સાંસ્કૃતિક વિરાસત આગળની પેઢીઓ સુધી પ્રસરાવવાની તકો સર્જી હતી. ધ્રૂવ પટેલ CBEએ કલાવતીબહેનનાં પોતાના પારિવારિક જીવનમાં મુશ્કેલ સમય દરમિયાન પણ તેમણે વ્યાપક કોમ્યુનિટી માટે સમય અને શક્તિ સમર્પિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેને પણ બિરદાવી હતી.

અગાઉ, બ્રેન્ટ સિટિઝન ઓફ ધ યર એવોર્ડ થકી કલાવતીબહેનનાં યોગદાનને સન્માનિત કરાયું હતું. વર્તમાન સન્માન તેમની અવિરત સ્વૈચ્છિક સેવા અને સામુદાયિક જીવન પર તેમણે સર્જેલી અમીટ છાપને સ્વીકારે છે. કલાવતીબહેને ગરબા આયોજનો ઉપરાંત, ઘણી કોમ્યુનિટી સંસ્થાઓમાં સેવા આપી છે. તેઓ સોજિત્રા સમાજ યુકે અને વેમ્બલીના બ્રેન્ટ ઈન્ડિયન એસોસિયેશનના ટ્રસ્ટી છે, NAPS અને NCGOના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે. આ ભૂમિકાઓ અને અન્ય અસંખ્ય કોમ્યુનિટી ગ્રૂપ્સ સાથે સંકળાયેલાં રહીને તેઓ કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરતાં રહે છે તેમજ પરિવારો અને સંસ્થાઓ વચ્ચેના સંબંધો મજબૂત બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter