લંડનઃ યુકે પાર્લામેન્ટના ઐતિહાસિક હાઉસ ઓફ કોમન્સમાં 20 નવેમ્બરે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ક્લેવ 2025માં વિશ્વભરના અગ્રણીઓ અને વિઝનરીઓ ઈનોવેશન, સહકાર અને અસરકારક કાર્યોને વધાવવા કમિટી રુમ 14માં એકત્ર થયા હતા. આ વિશિષ્ટ મહાનુભાવોમાં એક પરેશ કાકડિયા હતા, જેમને કળાના યોગદાન થકી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સ્થાન હાંસલ થયું છે. લોર્ડ રેમી રેન્જર અને જોય મોરિસ્સે MP ના હસ્તે કાકડિયાને એવોર્ડ એનાયત કરાયો હતો જેનાથી આ પ્રસંગને ચાર ચાંદ લાગી ગયા હતા.
આર્ટિસ્ટ, કોમ્યુનિટી કન્ટ્રિબ્યુટર અને સાંસ્કૃતિક દૂત પરેશ કાકડિયા માટે માટે આ કદર ટ્રોફી કરતાં પણ વિશેષ હતી, તે વર્ષોની નિષ્ઠા-સમર્પિતતા, ઈમાનદારી અને કોમ્યુનિટીની હૃદયપૂર્વકની સેવાની શક્તિશાળી સ્વીકૃતિ હતી. તેમની કળા હંમેશાં કેનવાસ પરની સર્જનાત્મકતાથી વિશેષ રહી છે. તેમની કળા લોકોને એકસાથે લાવવા, સંસ્કૃતિને વધાવવા અને યુવા માનસને પ્રેરણા આપવાના માધ્યમ તરીકે કાર્યરત રહી છે. તમની ફીલોસોફી સ્થિર રહી છે કે સાચું કાર્ય આપમેળે બોલી ઉઠશે. તેઓ કદી માન-અકરામ માટે કળાની પાછળ દોડ્યા નથી. આમ છતાં, આ પળે પુરવાર કર્યું છે કે સાચા ઉત્સાહ-જોશ અને સેવા નિર્વિવાદપણે તેજ પાથરે છે.
યુકે પાર્લામેન્ટની ઐતિહાસિક દીવાલો મધ્યે કમિટી રુમ 14માં ઉભેલા પરેશ કાકડિયાને ગર્વ અને કૃતજ્ઞતાની સલાગણીઓ અનુભવાઈ હતી. નાનકડી શરૂઆત, અસંખ્ય કલાકોની પ્રેક્ટિસ અને તેમની કોમ્યુનિટીના અવિરત સપોર્ટના સ્મરણો એક, ન ભૂલાય તેવી પળમાં ફેરવાઈ ગયા હતા. આ અનુભવે તેમને યાદ અપાવી હતી કે સ્વપ્ના ભલે ગમે તેટલા દૂર જણાતા હોય, ખંત અને હેતુ સાથે તેને વાસ્તવિકતામાં બદલાતા સમય લાગતો નથી.
તેમની આ યાત્રામાં ઘણાનો સાથ રહ્યો છે. કલ્પનાશીલ યુવા નેતા અને વર્લ્ડ યુથ ફોરમના સ્થાપક નચિકેત જોશી તેમના માટે હંમેશાં શક્તિનો સ્રોત બની રહ્યા છે. તેમના કાર્યમાં ખૂબ વિશ્વાસ ધરાવતા જિજ્ઞેશ પટેલ અને હેરોના મેયર અંજનાબહેન પટેલની પણ આ સિદ્ધિમાં નોંધપાત્ર ભૂમિકા રહી છે. પરેશ કાકડિયા માટે આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સીમાચિહ્ન નથી, પરંતુ એક યાદ છે કે કળા પાસે ઐક્ય, પ્રેરણા અને ટકાઉ અસર સર્જવાની શક્તિ છે.


