લંડનઃ તમે જેટલો પુરુષાર્થ કરશો તેટલું અને ઘણી વખત તેનાથી વધુ મળતર અને વળતર મળી જ જાય છે. આખો દિવસ લોયર તરીકે કામ કર્યાં પછી ગુજરાતી ગર્લ કવિતા વારુનું રાતે ડિસ્કોજોકી (ડીજે) કવિતામાં રૂપાંતર થઈ જાય છે. તેઓ ‘વર્ક હાર્ડ, પ્લે હાર્ડર’નું પ્રતીક છે. કવિતા વારુ 53 વર્ષની વયે પણ સ્ટેજ પર છવાઈ જાય છે અને ઉત્સાહી ઓડિયન્સ તેમના ડીજે સેટ્સની સાથોસાથ ગાવા લાગી જાય છે.
કવિતા વારુ સામાન્યપણે જોવા મળતા ચીલાચાલુ સોલિસિટર નથી. તેઓ સપ્તાહના કામકાજના દિવસોમાં બ્લેક સૂટ પહેરીને રોધરહામ બરો કાઉન્સિલના લીગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં રહે છે. પરંતુ, વીકેન્ડ્સના સમયમાં ડિસ્કોના ઝાકમઝોળ પહેરવેશ અને તેના ફંકી ફ્રાઈડે ડીજે સેટ્સમાં તેઓ ઓનલાઈન ડીજે કવિતાની ઓળખમાં છવાઈ જાય છે.
ડીજે તરીકેની કારકીર્દિમાં કવિતા વારુની યાત્રાનો આરંભ પણ રસપ્રદ છે. કોવિડના લોકડાઉન નિયંત્રણોના કારણે તેમણે 50મી વર્ષગાંઠ નિમિત્તેની ગાર્ડન પાર્ટી કેન્સલ કરવી પડી હતી. આના બદલે તેમણે ઓનલાઈન પાર્ટીનું આયોજન કર્યું અને પહેલી જ વખત તેમના ડીજે સેટનું ઓનલાઈન જીવંત પ્રસારણ કર્યું હતું. શરૂઆતમાં તો ફેસબુક પર 90 સભ્યોનું ઓડિયન્સ મળ્યું પરંતુ, કવિતાને એટલી મઝા આવી કે તેમણે દર શુક્રવારની સાંજે ડિસ્કોજોકીંગ શરૂ કરી દીધું. વારુનાં ગુંજ ધરાવતાં ઘર અને ધમાકેદાર ડિસ્કો મ્યુઝિકના કારણે વિશ્વભરમાં તેમનું ફોલોઈંગ વધતું ગયું. તેમના પ્રશંસકો સ્પેન, નોર્વે, કેનેડા, આફ્રિકા, અને વેનેઝુએલા સહિત વિવિધ દેશોમાં ફેલાયેલા છે જેઓ ડીજે કવિતાને પોઝિટિવ અને ઊંચે ઉઠાવતા અનુભવો આપે છે.
કવિતા વારુને તાજેતરમાં ઈન્સ્પાઈરિંગ ઈન્ડિયન વિમેન તરફથી ‘રાઈઝિંગ સ્ટાર’ એવોર્ડ એનાયત કરાયો છે. વારુનાં કાર્યક્રમો શેફિલ્ડથી ઈબિઝા સુધી ગોઠવાયેલા છે. બે બાળકોની માતા કવિતાને 24 વર્ષના લગ્નજીવન પછી લેવાયેલા ડાઈવોર્સના પગલે ડિસ્કોજોકીંગમાં નવું ઝનૂન અને શાંતિ પ્રાપ્ત થયાં છે.


