કાઉન્સિલોને પાર્કિંગ ચાર્જિસમાં જ વિક્રમી £૮૬૭ મિલિયનનો નફો

Wednesday 03rd April 2019 05:17 EDT
 
 

લંડનઃ યુકેની કાઉન્સિલોએ પાર્કિંગ ચાર્જિસમાં જ વિક્રમી ૮૬૭ મિલિયન પાઉન્ડનો નફો રળી લીધો છે. કાઉન્સિલો સ્ટ્રીટ પાર્કિંગ, કાર પાર્ક્સ અને પરમિટ માટેની કિંમતો વધારી લાખો પાઉન્ડની કમાણી કરી રહી છે. સૌથી મોટો વધારો મેડવે, કેન્ટમાં થયો છે. તેનો નફો ૨૦૧૬-૧૭માં ૩.૧ મિલિયન પાઉન્ડ હતો, જે ગયા વર્ષે વધીને પાંચ મિલિયન પાઉન્ડ થયો છે. લંડનની બહાર, બ્રાઈટન અને હોવની કાઉન્સિલોએ સૌથી વધુ ૨૩.૪ મિલિયન પાઉન્ડનો નફો રળી લીધો છે. કુલ ગણતરી કરીએ તો દેશભરની કાઉન્સિલોએ પાર્કિંગ રેવન્યુમાં ૧.૬ બિલિયન પાઉન્ડ પેદા કરી લીધાં છે.

સાઉધમ્પ્ટનમાં પાર્કિંગ પ્રોફિટ ૪.૨ મિલિયન પાઉન્ડથી વધીને ૬.૮ મિલિયન પાઉન્ડ એટલે કે ૬૨ ટકા વધ્યો છે. માન્ચેસ્ટર અને બોર્નમાઉથમાં ૨૦ ટકાથી વધુ તેમજ બાથ અને નોર્થ ઈસ્ટ સમરસેટમાં લગભગ ૨૫ ટકા જેટલો વધ્યો છે. લંડનની બહાર બ્રાઈટન અને હોવની કાઉન્સિલોએ સૌથી વધુ ૨૩.૪ મિલિયન પાઉન્ડનો નફો મેળવ્યો છે જે ૧૦ ટકાનો વધારો સૂચવે છે. હેમ્પશાયર, નોટિંગહામ, રીડિંગ, કેમ્બ્રિજ, બ્રાઈટન અને એક્સટર કાઉન્સિલો વધુ ભારે વધારો કરવાનું વિચારી રહી છે.

જોકે, કાઉન્સિલો એવી દલીલ કરે છે કે તમામ નાણા સ્થાનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પાછા વાળવામાં આવશે. કેટલીક કાઉન્સિલો કહે છે કે વાહનોનું ભરચક પ્રમાણ અને પ્રદૂષણ ઘટાડવા ફી વધારવાનું પગલું લેવાયું છે. જોકે, નફામાં આટલો બધો નાટ્યાત્મક વધારો થવાથી કાઉન્સિલો વધારાની આવક ઉભી કરવા અને પોતાની આર્થિક હાલત સુધારવા વાહનમાલિકોનું શોષણ કરી રહી હોવાના આક્ષેપો પણ થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter