શ્રી કાન્તિ નાગડાને મહારાણીના ન્યૂ યર ૨૦૨૦ના ઓનર્સ લિસ્ટમાં મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)થી સન્માનિત કરવામાં આવ્યા છે. સમર્પિત માનવી કાન્તિનો જન્મ ભારતમાં અને ઉછેર યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. તેમણે યુગાન્ડા અને યુકેમાં શિક્ષણ લીધુ હતુ અને સોશિયલ વર્કરની પ્રોફેશનલ ડીગ્રી ધરાવે છે.
ઈદી અમીન દ્વારા યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી તે અગાઉ તેઓ કંપાલામાં સિટી હાઈ સ્કૂલમાં શિક્ષક હતા. આ જ સ્કૂલમાં તેઓ અભ્યાસકાળમાં ત્રણ વર્ષ સુધી હેડ-બોય હતા, સ્કૂલની ક્રિકેટ ટીમના કેપ્ટન અને શાળાની ગુજરાતી ડિબેટિંગ સોસાયટીના વડા હતા.
શ્રી કાન્તિભાઈના લગ્ન ભાનુબહેન સાથે થયા છે. તેમને બે પુત્રો, દિપેન અને રુપેન તેમજ ત્રણ ગ્રાન્ડચિલ્ડ્રન છે.
ઈદી અમીન દ્વારા ૧૯૭૨માં યુગાન્ડાથી હકાલપટ્ટી કરાઈ ત્યારે પહેરેલા કપડે અને ખિસ્સામાં ૫૦ પાઉન્ડની રકમ સાથે નીકળેલા કાન્તિએ અજાણી અને પરાઈ ભૂમિમાં પોતાના સાથી નિર્વાસિતોની યાતના હળવી બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. યુવાનોને પોતાની સાથે રાખીને તેમણે તત્કાળ નોર્થ હેરોમાં ડ્રોપ-ઈન-સેન્ટરની શરૂઆત કરી જ્યાં, કશે ઠામઠેકાણું ન હોય તેવા વૃદ્ધ યુગાન્ડન એશિયનો સામાજિક મેળમિલાપ કરી શકે.
તેમણે એંગ્લો ઈન્ડિયન સર્કલ ચેરિટીની સ્થાપના કરી ડ્રોપ-ઈન-સેન્ટરને વિધિવત સ્વરુપ આપ્યું અને તે પછી ઘણાં વર્ષો સુધી સેન્ટરે વિકાસ સાધ્યો.
તેમણે પોતાનો તમામ ફાજલ સમય લોકોની મદદ કરતી ચેરિટીઝ માટે કામ કરવામાં વીતાવ્યો અને સમયાંતરે તેમને ૧૯૮૨માં હેરો કાઉન્સિલમાં સામાજિક કાર્યકર તરીકે તક મળી હતી. કાઉન્સિલે નિર્વાસિતો અને લઘુમતીઓની સમસ્યા પરત્વે તેમની સેવાઓને ઓળખી અને હેરોમાં સ્થિર થતા નવા ઈમિગ્રન્ટ્સને મદદ કરવાના વિવિધ પ્રોજેક્ટસની કામગીરી સોંપી હતી.
હેરો કાઉન્સિલના તત્કાલીન લીડર અને હેરો વીલ્ડમાં હોમલેસ હોસ્ટેલ દ્વારા પડકાર છતાં તેમણે દિવસમાં ૧૦૦ શાકાહારીની સેવામાં ‘મીલ્સ ઓન વ્હીલ્સ’નો આરંભ કર્યો. તેઓ હેરો રેસ રીલેશન્સ કાઉન્સિલના સ્થાપકોમાં એક હતા.
હેરો કાઉન્સિલ દ્વારા બાળકોના પાસપોર્ટ્સની ચકાસણી કરાતી હતી ત્યારે તેમણે કાઉન્સિલને પડકાર ફેંક્યો હતો. ‘બાળકો જ્યારે શાળામાં પ્રવેશ લેવાં માગતાં ત્યારે કાઉન્સિલ તેમના પાસપોર્ટ ચકાસતી હતી. હવે દેશનો નિયમ એવો છે કે તમે જ્યારે ૧૬ વર્ષથી ઓછી વયના હો, તમને મફત શિક્ષણ મળવું જોઈએ. તમે ક્યાંથી આવો છો તેની સાથે કોઈ નિસબત નથી. અમે તેમને પડકાર્યા અને આખરે તેમણે પીછેહઠ કરી. આ દેખીતા ભેદભાવને પડકારવા અને લડવાનો સંઘર્ષ હતો.’
તેમના પ્રયાસો થકી ચેરિટીએ ૧૯૮૨માં ૪૫,૦૦૦ પાઉન્ડમાં એક બિલ્ડિંગ ખરીદ્યું જ્યાં, અક્ષમ લોકો માટે ડે કેર સેન્ટર સહિત ૧૦૦થી વધુ વૃદ્ધો માટે નિયમિત પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી, જેને પાછળથી સંગત સેન્ટર (Sangat Centr)નું નામ અપાયું.
તેમણે પોતાની માનીતી ચેરિટી પર ધ્યાન કેન્દ્રિત કરવા ૧૯૯૪માં કાઉન્સિલમાંથી નિવૃત્તિ લીધી અને સંગતે ટુંક સમયમાં વેલ્ફેર, હાઉસિંગ, ઈમિગ્રેશન, રેસ રીલેશન્સ અને લગ્નસંબંધોમાં મુદ્દાઓ પર મફત કાનૂની સલાહની વિશિષ્ટ કામગીરી આરંભી.
કામગીરી વધતાં નવા વિશાળ મકાનની જરૂરિયાત જણાઈ અને કાન્તિએ ૨૦૦૧ અને ૨૦૦૨માં બિલ્ડિંગ માટે ૭૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા અથાક મહેનત કરી. આ રકમમાંથી અડધી તો મિલેનિયમ કમિશન તરફથી મળી હતી. પ્રિન્સ એડવર્ડ અને કાઉન્ટેસ ઓફ વેસેક્સ દ્વારા તેનું ઉદ્ઘાટન કરાયું હતું.
પોતાની અન્ય નોંધપાત્ર સખાવત પ્રવૃત્તિઓ ઉપરાંત, કાન્તિએ ૧૯૭૪થી ૧૯૯૬ સુધી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (યુકે)ના સેક્રેટરી જનરલ, હેરો કોમ્યુનિટી રીલેશન્સ કાઉન્સિલના ખજાનચી, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન (યુકે)ના પ્રમુખ, હેરો રેફ્યુજી ફોરમના અધ્યક્ષ, નોર્થ વેસ્ટ લંડન કોમ્યુનિટી ફાઉન્ડેશનના અધ્યક્ષ, ગ્રીનફોર્ડ લાયન્સ ક્લબના પ્રમુખ, કર્મ યોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી છે. તેઓ સંગત સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે અને અન્ય સંખ્યાબંધ ચેરિટીઝમાં હોદ્દાઓ પર છે. ૧૯૮૨માં કાન્તિ ડેબ્રેટ્સ હેન્ડબૂક ઓફ ડિસ્ટિંગ્વિશ્ડ પીપલ ઈન બ્રિટિશ લાઈફમાં અને ૧૯૮૪માં માર્ક્વિસ હૂ‘ઝ હુ ઈન ધ વર્લ્ડમાં સ્થાન મેળવનારા થોડા એશિયનોમાં એક હતા.
કાન્તિની યાત્રાનો આરંભ ૪૬ વર્ષ અગાઉ આફ્રિકાથી નાસી આવનારા યુગાન્ડન નિર્વાસિતોની સહાયાર્થે થયો હતો જેનું પરિણામ બ્રિટિશ સરકાર દ્વારા કદર સ્વરુપે આવ્યું છે અને તેમને MBEની નવાજેશ કરાઈ છે.
આ પ્રશસ્તિપત્ર અનેક કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ વતી કૃષ્ણા પૂજારા અને જિતુભાઈ પટેલના હસ્તે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે આયોજિત ભવ્ય સમારંભમાં વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવેલ છે.


