લંડનઃ ક્રિશ્ચિયન એઈડ ચેરિટી દ્વારા તેમની એન્ટિ-રેસિસ્ટ રણનીતિના ભાગરુપે કામના પટેલને રેસ એન્ડ ડાઈવર્સિટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયાં છે. કામના પટેલ રંગભેદવિરોધી સંસ્થા બનવાના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સીના વ્યૂહાત્મક વિઝનને આગળ લઈ જશે. તેઓ બે વર્ષના કોન્ટ્રાક્ટ હેઠળ જુલાઈમાં નવી ભૂમિકા સંભાળશે.
કામના પટેલ હાલમાં યુનિવર્સિટી કોલેજ લંડનમાં ઈક્વલિટી, ડાયવર્સિટી અને ઈન્ક્લુઝનના ફેકલ્ટી વાઈસ ડીન અને એસોસિયેટ પ્રોફેસર ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ તરીકે કામગીરી સંભાળે છે. તેઓ યુકે, કીર્ગીઝિસ્તાન, સાઉથ આફ્રિકા અને ભારત સહિતના સ્થળોએ નાના અને મોટા પાયા પરના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં સલાહ આપવાનો વિશાળ અનુભવ ધરાવે છે.
ક્રિશ્ચિયન એઈડ ચેરિટીએ કામકાજના વાતાવરણમાં રંગભેદી અન્યાયના અનુભવોનું નિરાકરણ લાવવાની પ્રતિબદ્ધતા અન્વયે ભૂમિકાને મહત્ત્વ આપ્યું છે.
ક્રિશ્ચિયન એઈડના બોર્ડ અને એક્ઝિક્યુટિવ ટીમે ૨૦૨૦માં Xtend (UK) Ltd પાસે એક રિપોર્ટ તૈયાર કરાવડાવ્યો હતો. બ્રિટનમાં ક્રિશ્ચિયન એઈડના સ્ટાફના ઈન્ટરવ્યૂ લેવાયાં પછીના રિપોર્ટમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સ્ટાફને રેસિઝમનો સામનો કરવો પડતો હોવાનું બહાર આવ્યું હતું. સંસ્થાએ રંગભેદી અન્યાય દૂર કરવા સજ્જ થવું જોઈએ તેમ પણ તેમાં જણાવાયું હતું.
કામના પટેલે જણાવ્યું હતું કે,‘ ક્રિશ્ચિયન એઈડમાં જોડાવાની મને ભારે ખુશી છે. સંસ્થામાં રેસ અને રેસિઝમ વિશેના વિચારમાં અલગ તત્વ લાવવા મારા આગવા એકેડેમિક સંશોધન તેમજ રેસ એન્ડ ઈક્વલિટી પ્લાનને આગળ વધારીશ.’
ક્રિશ્ચિયન એઈડ ખાતે સ્ટ્રેટેજી અને ગ્લોબલ ચેઈન્જના ડાયરેક્ટર મર્વીનમેક્કુલ્લાઘે જણાવ્યું હતું કે,‘ અમારે ઘણો લાંબો માર્ગ કાપવાનો છે અને સાચી એન્ટિ-રેસિસ્ટ સંસ્થા બનવાની અમારી મહેચ્છાને પાર પાડવાનું કૌશલ્ય પાસે છે.’